પોરબંદરમાં મોટો ઉદ્યોગો માટે જગ્યા ફાળવવા તથા જીઆઇડીસી એપ્રોચ રોડ બનાવવા જીઆઇડીસી એસો.દ્વારા રજૂઆત કરાઈ છે.
પોરબંદર જી.આઇ.ડી.સી, ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસો.ના પ્રમુખ જીણુભાઇ દયાતર, ચેરમેન પુંજાભાઇ ઓડેદરા, અને સેક્રેટરી ધીરૂભાઇ કક્કડ તથા ડીસ્ટ્રીક્ટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ પદુભાઇ રાયચુરાએ કલેકટર કે.ડી.લાખાણી અને ઉદ્યોગ મંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પોરબંદર વસાહત માં જી.આઈ.ડી.સી દ્વારા હાલ માં જ આશરે ૨૫ હેક્ટર જેટલી જગ્યા ખાલી કરાવેલ છે. તે જમીન એલોટમેન્ટ કીમતે ફાળવણી કરાવવા રજૂઆત છે અને મોટા ઉદ્યોગોને આ જમીન આપવામાં આવે તો તેની નીચે ઘણા બીજા યુનિટ નભી શકે અને વધુ ને વધુ રોજગારીનું સર્જન થઈ શકે તેમ છે.
કારણ કે આ વસાહત માં કુલ ૬૦૦ પ્લોટ એમ એસ એમ ઈ છે જેમાંથી ૩૦૦ બંધ હાલતમાં છે. તેથી મોટા ઉદ્યોગની જ આ વિસ્તાર માં જરૂર છે. આ જીલ્લો છેવાડા નો જીલ્લો હોવાથી ઔદ્યોગિક રીતે પછાત માનવામાં આવે છે અને હાલ આ જીલ્લા માં બેરોજગારીનુ પ્રમાણ વધી રહ્યું હોવાથી મોટી ઇન્ડસ્ટ્રીઝ મળી રહે તો આ જીલ્લા નો વિકાસ થઈ શકે તેમ છે. હાલમાં જાણવા મળ્યું છે કે જી.આઈ.ડી.સી દ્વારા આ જગ્યા પર નાના પ્લોટો પડી તેનું ઇન્ફ્રા ડેવલોપમેન્ટ માટે હાલ ટેન્ડર પણ આવેલ છે. જેની રકમ પણ ઘણી વધુ થાય છે પણ જો મોટી ઇન્ડસ્ટ્રીને આ જગ્યા આપાવમાં આવે તો નિગમ ને રોડ રસ્તા વધુ ના બનાવવા પડે તેથી તેનો ખર્ચ પણ ઓછો આવે અને જગ્યા પણ ફાજલ ના જાય તેવું થઈ શકે તેમ છે. વધુ માં મોટી ઇન્ડસ્ટ્રીઝ આ જગ્યા લેવા ઈચ્છુક પણ છે અને અરજીઓ પણ કરેલ હોય તો મોટી ઇન્ડસ્ટ્રીઝને આ જગ્યા મળી રહે તેવો નિર્ણય જી.આઇ.ડી.સી દ્વારા કરવામાં આવે તેવું આયોજન કરાવવા માંગ કરી છે.
નેશનલ હાઇવે સુધી એપ્રોચ રોડ બનાવો
અન્ય એક આવેદન માં એવું જણાવ્યું છે કે પોરબંદર જી.આઈ.ડી.સી આસપાસ હાલ રેસીડેન્ટ મકાનો બની રહ્યા છે અને આ જી.આઇ.ડી.સી સીટી વિસ્તાર માં આવતું જાય છે અને અવારનવાર નરસંગ ટેકરી આસપાસ અને માર્કેટિંગ યાર્ડ આસપાસ ટ્રાફિક થાય છે તે અન્વયે જણાવવાનું કે જી.આઈ.ડી.સી ની પાછળ ની બાજુ નવો બાયપાસ ફોરલેન રોડ નીકળેલ છે. જે દ્વારકા સોમનાથ હાઈવે છે તે રોડ થી જી.આઈ.ડી.સી ફક્ત ૭૫૦ મીટર જ છે અને આ જગ્યામાં હાલ સિંગલપટી રોડ છે જે ધરમપુર ની હદમાં આવે છે જો આ રોડ ને મોટો કરી આપવામાં આવે તો જી.આઈ.ડી.સી માં આવતા જતા ટ્રકો ને સીટી માં ના આવવું પડે અને તે સીધા જ વનાણા નીકળી શકે તે માટે પણ રજુઆત કરવામાં આવતા યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવી હતી.