Monday, June 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર અને બરડા પંથક માં ૩ સ્થળો એ મકાન માં તોડફોડ:એક સ્થળે ખંડણી માંગતા પોલીસ ફરિયાદ

પોરબંદર શહેર અને બરડા પંથક ના બે ગામો માં રહેણાંક મકાન માં તોડફોડ કરવા તથા એક સ્થળે ખંડણી પણ માંગવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ખીસ્ત્રી ગામે વાછરાડાડાના મંદિર પાસે રહેતા લીલુબેન વિજય ખિસ્તરીયા(ઉવ ૩૭)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ રાત્રે તે તથા તેનો પુત્ર સાગર વાડીના મકાનમાં હતા. અને તલના પાકમાં પશુઓનો ત્રાસ વધ્યો હોવાથી તેના પતિ વિજયભાઈ લખમણભાઈ ખિસ્તરીયા ખેતરમાં ગયા હતા. ત્યારે સાડા આઠેક વાગ્યે તેમના ઘરની બહાર “વિજય વિજય એવો અવાજ સંભળાતો હતો. એ દરમિયાન પાંચેક શખ્શો ફળિયાની દિવાલ કુદીને અંદર આવી પહોચ્યા હતા. તેમના હાથમાં ધોકા હતા અને ગાળો બોલીને બુમો પાડતા હતા કે “ ક્યાં ગયો છે વિજય આજે તો તેને પતાવી દેવો છે”કહીને ફળિયામાં પડેલી વસ્તુઓ લાકડાના ધોકા વડે તોડફોડ કરતા હતા.

જેમાં અંદરોઅંદર તેઓ વાતો કરતા હતા તેમના નામ કરણ,સાગર,કેતન હતું અને અન્ય બે શખ્શો એ મોઢે રૂમાલ બાંધ્યા હતા. ત્યારબાદ તેઓ બાઈકમાં ક્યાંક જતા રહ્યા હતા અને થોડીવાર પછી ફરીથી ત્યાં આવ્યા હતા અને ઓસરી,રસોડામાં તોડફોડ કરવા લાગ્યા હતા.અને ત્યારબાદ તેઓ ચાલ્યા ગયા હતા. થોડા સમય પછી લીલુબેનના પતિ વિજય લખમણભાઈ ખિસ્તરીયા આવ્યા હતા અને લીલુબેને દરવાજો ખોલીને તપાસ કરી ત્યારે વોશિંગ મશીન,ફ્રીજ,માટલા ખુરશી,રસોડાનો મોટાભાગનો સામાન,બાથરૂમનો દરવાજો વગેરેમાં તોડફોડ થઇ હતી અને અંદાજે ૫૦.૦૦૦ રૂપિયાનું નુકશાન થયું હતુ.
બગવદર પોલીસ મથક ખાતે રૂબરૂ આવીને એવી ફરીયાદ લીલુબેને નોંધાવી છે કે,બોખીરાના વિજય ઉર્ફે ધુમ સરમણભાઈ બાપોદરા દોઢ વર્ષ પહેલા પૈસાની લેતીદેતી બાબતે પૈસા ઓછા પડતા હોવાનું વિજયને મનદુઃખ થયું હતુ.તેથી આ પાંચેય માણસોને વિજયે તોડફોડ કરવા મોકલ્યા હોવાની આશંકા દર્શાવીને લીલુબેને કરણ,સાગર કેતન તથા બે અજાણ્યા માણસો સામે ફરીયાદ નોંધાવી છે.

અન્ય એક બનાવ માં ભારવાડાની પાઈરૂ વાડી વિસ્તારમાં રહેતા સંજય નાગા કારાવદરા(ઉવ ૩૧)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ રાત્રે તે પોરબંદર હતો ત્યારે વિજય સરમણ બાપોદરાએ ફોન કરીને “ તું ક્યાં છે મારે તારી પાસેથી પૈસા લેવાના છે તે ક્યારે આપીશ”તેમ કહેતા ફરીયાદી સંજયએ “હું પોરબંદર છુ તમે શેના પૈસા માંગો છો,તમારી પાસે કોઈ પુરાવો હોય તો લઈને આવજો”તેમ કહેતા તેણે ફોન કાપી નાખ્યો હતો.ત્યારબાદ ફરીયાદી દસેક વાગ્યે ભારવાડા ગામે વાડીએ ગયો ત્યારે વિજય બાપોદરાના મિત્ર ભરત રામા મોઢવાડીયાએ ફોન કરીને એવું જણાવ્યું હતું કે, “ તારી પાસેથી પૈસા લેવાના છે તું સવારે બોખીરા આવીને પૈસા આપી જજે નહિતર અમે તારી વાડીએ આવશું” તેમ કહી ફોન મુકી દીધો હતો.ત્યારબાદ સંજય ઊંઘી ગયો હતો.

રાત્રે દોઢેક વાગ્યે વાડીનો ડેલો કુદીને સાતેક શખ્શો ધોકા લઈને આવ્યા હતા જેમાં વિજય સરમણ બાપોદરા,ભરત રામા મોઢવાડિયા અને બીજા અજાણ્યા પાંચ શખ્સો હતા.તેઓ લાકડાના ધોકા વડે તોડફોડ કરવા લાગ્યા હતા જેમાં ફરીયાદીનું સ્કુટર,ફિલ્ટર,કાર વગેરેમાં તોડફોડ થઇ હતી.અને ત્યારબાદ તેઓ જતા જતા હત્યાની ધમકી આપીને ચાલ્યા ગયા હતા.અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાની નુકશાની કર્યાનું બહાર આવ્યું હતુ.આથી બગવદર પોલીસ મથક  ખાતે આવીને સંજયે એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે,અગાઉ તેને ભરત રામા મોઢવાડિયા સાથે ફોરવ્હીલની લે-વેચમાં પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો.જેમાં સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતુ.આમ છતાં પૈસા પડાવવાના ઈરાદે ભરત મોઢવાડિયા તથા તેનો મિત્ર વિજય બાપોદરા અને અજાણ્યા પાંચ શખ્શોએ તોડફોડ કર્યાનું ફરીયાદમાં જણાવતા આગળની તપાસ બગવદર પોલીસે હાથ ધરી છે.

એ સિવાય ના એક બનાવ માં બોખીરાના દ્વારકાપુરી-૨ માં રહેતા અને જી.આર.ડી.માં નોકરી કરતા પુષ્પાબેન સંજયભાઈ દીવરાણીયા(ઉવ ૩૦)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તા.૨૩/૫ ના તેઓ રાત્રે ૧૦:૩૦-૧૧:૦૦ વાગ્યે ઘરે હતા ત્યારે બોખીરાના દાંડિયારાસ ચોક પાસે રહેતા કલ્પેશ ઉર્ફે કલો બાવો,સાગર અને બે અજાણ્યા વ્યક્તિઓ બેટ,ધોકા અને પાઈપ લઈને ઘર બહાર આટાફેરા કરતા હતા.આથી પુષ્પાબેને ઘરનો દરવાજો બંધ કરી દેતા એ ચારે શખ્શો ઘરમાં આવી ગયા હતા અને “ તારા પતિ સંજયને બહાર મોકલ આજે તો તેને પતાવી દેવો છે” તેમ કહીને ઘરની બારીના કાચ તોડીફોડી નાખ્યા હતા અને જ્યુપિટર સ્કુટરમાં ધોકા માર્યા હતા અને પુષ્પાબેન અને તેના પરિવારજનોને હત્યાની ધમકી આપી હતી.

આથી ૧૦૦ નંબર પોલીસને જાણ કરી ઉદ્યોગનગર પોલીસ મથકે આવીને નોંધાવેલ ફરીયાદમાં એવું જણાવ્યું છે કે,૧૫-૨૦ દિવસ પહેલા પુષ્પાબેનનો પતિ સંજય અરજન દિવરાણીયા દારૂ પીધેલો હતો અને સામાવાળાએ સંજયને પોલીસમાં પકડાવી દીધો હતો. અને ત્યારબાદ તેનું મનદુઃખ રાખીને આ હુમલો થયાનું જણાવીને પુષ્પાબેને કલ્પેશ ઉર્ફે કલો બાવો,સાગર અને બે અજાણ્યા વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે