Monday, October 14, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર ના મેળા માં કરોડો નો ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત: માત્ર ડોમ અને લાઈટ સાઉન્ડ માટે ત્રણ કરોડ ખર્ચ્યા

માધવપુરના મેળાને રાષ્ટ્રીયકક્ષાનો બનાવી દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેનાથી ટુરીઝમ ક્ષેત્રે ખાસ કોઇ ફાયદો થયો હોય એવુ જણાતું નથી. અને આ વર્ષે પણ કરોડો ની રકમ બીનજરૂરી રીતે રૂપિયા ખર્ચાઈ હોવાનું જણાવી આર ટી આઈ એક્ટીવીસ્ટે તપાસ ની માંગ કરી છે.

પોરબંદરના આર.ટી.આઈ. એકટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ વડાપ્રધાનને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે માધવપુર મુકામે યોજાયેલ ૨૦૨૪ના લોકમેળામાં પ્રજાના ટેકસમાંથી આવેલા કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવેલ છે. વાહન ખર્ચમાં લાગતા-વળગતા લોકોને કામ આપવામાં આવ્યું હતું ભોજન ખર્ચમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ વખતે લોકમેળામાં આચરસંહિતા હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા બેફામ ખર્ચ કરવામાં આવ્યો છે. અને મોટા ભાગે આ ખર્ચની ચુકવણી પણ કરવામાં આવી છે. તેમના દ્વારા વિવિધ સરકારના વિભાગો પાસેથી માહિતી માંગવામાં આવી હતી તેમાં હાલમાં માત્ર એક કચેરી દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શકયતા છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા મેળા બાબતે અંદાજે એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ ખર્ચમાં સરકારના આદેશથી ભોજન, વાહન વ્યવસ્થા, લોકમંડળીઓ, રાસ, મંડપ જેવા નાના ખર્ચ કરવામાં આવે છે. મોટા ખર્ચ ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર તથા સચિવ રાજ્ય રમતગમત પરિષદ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તથા માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા કરવામાં આવ્યો છે.પરંતુ તેમના દ્વારા હજી સુધી માંગવામાં આવેલી માહિતી આપવામાં આવી નથી.જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ ખર્ચમાં કેટલાક ખર્ચની તપાસ કરવી જરૂરી બની છે. જેમાં અમદાવાદ ના તિહાઈ ધ મ્યુઝીકલ પીપલને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રૂા.૨,૫૦,૦૦૦,ગાયિકા કિંજલ દવેને રૂા. ૫,૭૫,૦૦૦, માયાભાઈ આહિર- રૂા. ૫,૫૦,૦૦૦, આમીર મીરને રૂા. ૫,૦૦,૦૦૦, ગુંજન સ્ટુડીયો-જૂનાગઢ રૂા. ૨,૩૦,૦૦૦ કલાકારોની વાહન વ્યવસ્થા રૂા. ૯,૧૫,૩૯૦, કલાકારો અધિકારી માટે ભોજન વ્યવસ્થા ૩,૮૭,૫૫૫ (સાઇં કેટરર્સ), સાઉન્ડ સિસ્ટમ રૂા. ૧,૪૨,૩૨૦ નો ખર્ચ બતાવવામાં આવ્યો છે. આ તો માત્ર એકજ વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી છે.આ ઉપરાંત એસી ડોમ, સાઉન્ડ સીસ્ટમ સહિતની અન્ય વિવિધ બાબતો માટે કુલ અંદાજે ૧૦ કરોડ જેટલો ખર્ચ કર્યો હશે. જેથી યોગ્ય અધિકારી દ્વારા તમામ વિભાગો પાસેથી ખર્ચની માહિતી મેળવી મેળામાં થયેલા કથીત ભ્રષ્ટાચાર બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.

ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત માં એવું પણ જણાવ્યુ છે કે માધવપુર (ઘેડ) મુકામે યોજાયેલા પાંચ દિવસના લોકમેળામાં ગુજરાત પ્રવાસન નિગમ લી. ના અધિકારીઓની ભાગીદારીથી એજન્સી મે. લલ્લુજી એન્ડ સન્સને ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રકચર-લાઈટ સાઉન્ડ વગેરેની કામગીરી આપવામાં આવી હતી અને તેમને હાલમાં પ્રવાસન વિભાગ દ્વારા રૂા.૩૦૯.૬૪ એટલે કે ૩ કરોડ ૯ લાખ ૬૪ હજાર જેટલા રૂપિયાની ચુકવણી કરી દીધી છે. લલ્લુજી કંપની દ્વારા જૂનાગઢ ભવનાથ મેળામાં તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ ટેન્ટ, ડોમમાં મોટો ભ્રષ્ટાચાર થયો હતો. ગુજરાતમાં અનેક કંપની હોવા છતાં પણ મૂળ ઉત્તરપ્રદેશની લલ્લુજી એન્ડ સન્સને ટુરિઝમ વિભાગ કામ આપે છે અને અધિકારીઓની સાંઠગાંઠથી કાયમી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.

માધવપુર મેળા માટે એક જ કંપનીને માત્ર ડોમ, ઇલેકટ્રીક માટે આટલી રકમ ચુકવવામાં આવી છે. આટલી રકમમાં તો નવા ઇન્ફ્રાસ્ટ્રકચર ખરીદી શકાય તેમ છે. આથી આ બાબતે તપાસ કરવી જોઈએ, અન્ય કરોડો રૂપિયાનું ચુકવણુ માધવપુર મેળામાં કરવામાં આવ્યું છે તેનો હિસાબ હજુ સુધી અપાયો નથી. આથી એક એક વિભાગ હિસાબો કરોડો રૂપિયામાં આપે છે. ત્યારે મેળાનો ખર્ચ કરોડો રૂપિયાનો થયો છે. આ વખતે આચાર સંહિતા હોવાથી અધિકારીઓને પ્રજાના ટેકસ રૂપિયામાંથી મોજમજા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી આ બાબતે તપાસની માંગ કરી છે

ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત
ભનુભાઈ એ જણાવ્યું હતું કે માધવપુર માટે મેળો એ ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવો છે કારણ કે મેળો હોય ત્યારે દેશભર માંથી અધિકારીઓ,પદાધિકારીઓ ,વિવિધ મંત્રીઓ માધવપુર ખાતે પડાવ નાખે છે અને ૫ દિવસ ખુબ જ રોશની અને ઝાકઝમાળ જોવા મળે છે સમગ્ર ગામ ને શણગારવામાં આવે છે પરંતુ બાકી ના ૩૬૦ દિવસ કોઈ માધવપુર ની સામે પણ જોતું નથી કે ગ્રામજનો ની સમસ્યાઓ નું નિરાકરણ કરવા સક્રિય બનતું નથી પીવાના પાણી થી લઇ ને અનેક સમસ્યાઓ થી સ્થાનિકો ત્રસ્ત છે પરંતુ સરકારી બાબુઓ તેની ક્યારેય દરકાર લેતા નથી.

એક લઘુ ઉદ્યોગ ની સ્થાપના થઇ શકી હોત
ભનુભાઈ એ જણાવ્યું હતું કે એક તરફ ઘેડ પંથક ના લોકો અનેક સમસ્યાઓ થી હાલાકી ભોગવી રહ્યા છે બીજી તરફ સરકારી મેળા માં કરોડો નો વેડફાટ થઇ રહ્યો છે દસ કરોડ ની રકમ કોઈ લઘુ ઉદ્યોગ પાછળ ખર્ચ કરવામાં આવી હોત તો અનેક સ્થાનીક લોકો ને કાયમી રોજગારી મળી શકત તેના બદલે કોન્ટ્રાક્ટરો ને સરકારી બાબુઓ ના ગજવા ભરાયા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે