આદિત્યાણા ગામે રહેતી મહિલા ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આદિત્યાણા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ભાનુબેન કેશુ ઓડેદરા(ઉવ ૩૮)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેઓ ગઈ કાલે સવારે તેના ઘરના ડેલાની નજીક ઊભા હતા. ત્યારે ગામ માં જ રહેતો આવડા વિકમ કડછા નજીકમાં આવેલ દુકાને ઉભો હતો. અને આવડાએ ભાનુબેનને”તું તો આજે આવી જા પતાવી દેવી છે”તેમ કહેતા બીકના કારણે ભાનુબેન ઘરમાં જતા રહ્યા હતા. ત્યારબાદ સાંજે ૬ વાગ્યે ફરી તેઓ ડેલા પાસે ઊભા હતા. ત્યારે આવડો તથા તેનો ભાઈ રાહુલ અને બખરલાનો ભરત ઉર્ફે ભુરડી લીલા ખુંટી ત્રણેય શખ્શો બાઈક લઈને આવ્યા હતા અને આવડા “તારા દીકરાને બોલાવી લે”તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો.
અને બાદમાં ત્રણેય શખ્સો એ ભાનુબેનને ઢીકાપાટુંનો માર માર્યો હતો અને “આજે તો તને મારી જ નાખવી છે અમે ગેંગના માણસ છીએ ગુન્હા કરવાના છે”તેવી ધમકી આપી હતી તે દરમ્યાન સ્થાનિક ત્યાંથી પસાર થતા ત્રણેય શખ્સો ગાળો બોલતા બોલતા ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ રાણાવાવ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. બનાવનું કારણ એવું જણાવ્યું છે કે અગાઉ કાનાભાઈ કડછાનું ખુન થયું હતુ. જેમાં ભાનુબેનના ભાઈ વીંજાભાઇનું પણ નામ હોવાથી આવડા ત્રણેય શખ્સો એ તે મનદુઃખ રાખીને હુમલો કર્યા નું જણાવ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.