પોરબંદરના રાજીવનગર વિસ્તાર માં વરસાદને કારણે સોસાયટીઓમાં જવા-આવવા માટે કાદવ કીચડને લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. જે અંગે રજૂઆત છતાં પાલિકા એ કાર્યવાહી ન કરતા આ વિસ્તારના લોકોએ શ્રમયજ્ઞ કરીને રસ્તાને ચાલવા લાયક બનાવ્યો હતો.
પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તાર માં ભારે વરસાદ બાદ લોકો ના ઘરો માં પાણી ઘુસી ગયા હતા અને લોકો એ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પાણી ઉતર્યા બાદ અને વરસાદે વિરામ લીધો તેના ઘણા દિવસ બાદ પણ લોકો ની મુશ્કેલી માં કોઈ ઘટાડો થયો નથી. કારણ કે અગાઉ આ વિસ્તાર માં ભુગર્ભગટર સહિત ગેસની પાઇપલાઇન વગેરેના ખોદકામ બાદ અનેક જગ્યાએ રસ્તો સમથળ કરવામાં આવ્યો ન હતો. જેથી આ વિસ્તારના લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડતી હતી. ત્યાર બાદ વરસાદ વરસતા અહીંની આ સોસાયટીઓમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયુ હતુ.
જેના કારણે ટુ વ્હીલર જેવા વાહનો સ્લીપ થતા હતા. સ્થાનિક માલીબેને જણાવ્યું હતું કે અનેક વખત તંત્રને રજુઆત કરવા છતા સરકારી જવાબો મળતા હતા. અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વૃદ્ધો અને બાળકો એ તો ઘર ની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. વરસાદી પાણી ના ભરાવા ના કારણે મચ્છરો સહીત ઝેરી જીવજંતુ નો ઉપદ્રવ પણ વધ્યો છે. કાદવ કીચડ ના કારણે દરરોજ અનેક વાહનો સ્લીપ થઇ રહ્યા છે. અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા અંતે સ્થાનિકો એ ‘જાત મહેનત જિંદાબાદ’નું સૂત્ર સાર્થક કરીને રસ્તાને ચાલવા લાયક બનાવવા માટે હાથ માં તગારા અને પાવડા લીધા હતા અને રોડની આજુબાજુ માં પડેલા પથ્થરો સહિત કાટમાળ પાણીના ખાડામાં ભરીને લોકો તેમના વાહનો સરળતાથી અવરજવર કરાવી શકે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવી હતી. અને કાદવ કીચડ ઉલેચી દુર કર્યો હતો.
આ શ્રમયજ્ઞ માં આ વિસ્તારની યુવતીઓ અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. એક તરફ તંત્ર દ્વારા મહા સફાઈ અભિયાન ના ગાણા ગાવા માં આવે છે. બીજી તરફ અનેક સોસાયટીઓ છે જ્યાં આવી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી લોકો એ ન છુટકે જાતે કામગીરી કરવી પડી રહી છે.