ભડ ગામે યુવકના મોઢા પર એસિડ ફેંકી તેમજ કુહાડી અને લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના ચકચારી કેસમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી મહિલા તથા તેને મદદગારી કરી હુમલો કરનાર સહઆરોપીને ૧૦ વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
ભડ ગામે જુના તળાવની પાસે રહેતા જીતેન હીરાભાઈ મોકરીયા(ઉવ ૩૦) ગત તા. ૨૭/૦૨/૨૦૨૫ના રોજ રાત્રિના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં પોતાના મિત્ર પ્રફુલ કરશનભાઈ કાઠી સાથે મોબાઈલ પર વાતચીત કરી રહ્યો હતો વાતચીત દરમિયાન પ્રફુલે પોતાની પત્ની મંજુબેનને ફોન કોન્ફરન્સમાં લીધા હતા, જેમાં જીતેન ની વાતોથી ઉશ્કેરાઈ જઈને મંજુબેને જીતેન ને ગાળો ભાંડી હતી.
આથી જીતેનભાઈ મંજુબેનના ઘરે તેને સમજાવવા માટે જતા મંજુબેને તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી હતી અને પોતાના હાથમાં રહેલા ગ્લાસમાંથી જીતેનના મોઢા ઉપર એસિડ ફેંક્યું હતું. આટલેથી ન અટકતા મંજુબેને કુહાડીનો એક ઘા જીતેન ના ગોઠણ ઉપર મારી ફ્રેક્ચર કર્યું હતું તેમજ મારી નાખવાના ઈરાદે માથા પર કુહાડીનો ઘા ઝીંકતા જીતેને બચાવ માટે હાથ આડો રાખતા કુહાડીનો ઘા હથેળીમાં વાગ્યો હતો.
આ હુમલા દરમિયાન સહઆરોપી વિજય ઉર્ફે દડી હાજાભાઈ મોકરીયા પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે જીતેન ને મારી નાખવાના ઈરાદે લોખંડનો પાઈપ માથામાં મારવા માટે હુમલો કર્યો હતો. જીતેને બચાવ માટે હાથ આડો રાખતા આરોપીએ લોખંડના પાઈપના ત્રણથી ચાર ઘા કાંડા તથા કોણી પાસે મારી ફ્રેક્ચર કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તદુપરાંત આરોપીઓએ જીતેન ની મોટરસાયકલમાં તોડફોડ કરીને ૧૦,૦૦૦/-નું નુકસાન પહોંચાડ્યું હતું
જે અંગે જીતેને નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસ પોરબંદરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ.એ. ભટ્ટીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એસ.બી. જેઠવા દ્વારા ૧૬ સાહેદોને તપાસવામાં આવ્યા હતા તેમજ ૬૪ મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે રજૂ થયેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની ધારદાર દલીલોને ધ્યાને લઈ આરોપી વિજય ઉર્ફે દડી તથા મંજુબેન ને કસુરવાન ઠરાવી ૧૦ વર્ષની સાદી કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ. ૧૧,૫૦૦નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.












