ગુજરાત સરકારના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ગત તા. ૨૬/૧૧/૨૦૨૬ના રોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગના કોન્ફરન્સ હોલ ખાતે ‘સંવિધાન દિવસ’ નિમિત્તે વિશેષ પરિસંવાદ અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં બંધારણ સમિતિએ તા. ૨૬/૧૧/૧૯૪૯ના રોજ આપણા બંધારણને સુપ્રત કરી સ્વીકાર્યું હતું અને તા. ૨૬/૦૧/૧૯૫૦થી તે અમલમાં આવ્યું હતું, જેના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે પોરબંદરમાં પણ જિલ્લા સરકારી વકીલ સુધીરસિંહ જેઠવાના માર્ગદર્શન હેઠળ સંવિધાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને બાર એસોસિએશનના મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિ
આ વિશેષ પરિસંવાદમાં ન્યાયતંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય તંત્ર અને વકીલ મંડળના ઉચ્ચ અધિકારીઓ તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નીચે મુજબના મહાનુભાવોનો સમાવેશ થાય છે:
- પોરબંદર ડિસ્ટ્રિક્ટ જજ ભટ્ટી , ફેમિલી કોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ બુદ્ધદેવ , એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પટેલ તથા તમામ જ્યુડિશિયલ ઓફિસરો
- જિલ્લા કલેક્ટર ધાનાણી, જિલ્લા પોલીસ વડા જાડેજા, મહાનગરપાલિકાના કમિશનર તીર્થાણી
- મેડિકલ ઓફિસર ડો. દિવ્યા દાગા , ડી.વાય.એસ.પી. સુતરીયા તથા મામલતદાર સંચાણીયા
- પોરબંદર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ એચ. એમ. ચુંડાવદરા , સિનિયર એડવોકેટો, જુનિયર એડવોકેટ તથા કોર્ટ સ્ટાફ
બાબાસાહેબને પુષ્પાંજલિ બાદ બંધારણ વિશે વિસ્તૃત માર્ગદર્શન અને આમુખનું વાંચન
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને તેમને યાદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યોજાયેલા પરિસંવાદમાં ડિસ્ટ્રિક્ટ જજ ભટ્ટી , જિલ્લા પોલીસ વડા જાડેજા , કલેક્ટર ધાનાણી તથા સિનિયર એડવોકેટ ભરત બી. લાખાણી દ્વારા બંધારણ વિશેની વિસ્તૃત અને ઉપયોગી માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બંધારણના આમુખનું વાંચન મદદનીશ સરકારી વકીલ (A.G.P.) અનીલ લીલા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમની આભારવિધિ જિલ્લા સરકારી વકીલ (D.G.P.) સુધીરસિંહ જેઠવાએ કરી હતી. આમ, બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો અને અધિકારીઓની હાજરીમાં પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સંવિધાન દિવસની અત્યંત ગૌરવપૂર્ણ રીતે ઉજવણી સંપન્ન થઈ હતી.
















