પોરબંદર ના તન્ના હોલ માં આયોજિત લગ્ન માં મોડી રાત સુધી એક શખ્શ રાસગરબા બંધ ન કરવા દેતા લગ્ન માં આવેલા એક શખ્શે પોલીસ ને અહી ફાયરીંગ થયું હોવાનો ફોન કરી ધંધે લગાડી હતી. પોલીસે બે શખ્સો ને નશા ની હાલત માં ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા (ઉવ ૨૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ તથા પોલીસ સ્ટાફ નાઈટ રાઉન્ડ માં હતા. તે દરમ્યાન રાત્રે દોઢેક વાગ્યે કંટ્રોલરૂમ તરફ થી વર્ધી અપાઈ હતી કે રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ તન્ના હોલ ખાતે ફાયરિગ ની ઘટના બની છે. આથી પોલીસ સ્ટાફ તુરંત ત્યાં દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરતા ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ફટાકડા ફૂટી રહ્યા હતા. અને રાસગરબા ની રમઝટ ચાલી રહી હતી. આથી પોલીસે ફોન કરનાર ને શોધતા તે ઇન્દિરાનગર વિસ્તાર માં રહેતો અને ડ્રાઈવિંગ કરતો જયપાલસિંહ ભરતસિંહ ઝાલા (ઉવ ૪૯)હોવાનું સામે આવ્યું હતું.
અને તે નશા ની હાલત માં હતો. પોલીસે તેની પુછપરછ કરતા લગ્ન માં ભાવનગર થી આવેલ તેના સબંધી ક્રિપાલસિંહ સિઝાનસિંહ ગોહિલ(ઉવ ૩૫,રે મીનાક્ષી સોસાયટી,બ્લોક નં ૧૫)મોડી રાત્રી થઇ હોવા છતાં રાસગરબા બંધ કરવા દેતા ન હતા. આથી બન્ને વચ્ચે બોલાચાલી થતા પોતે ફાયરીંગ થયું હોવાનો કંટ્રોલરૂમ માં ફોન કરી પોલીસ ને બોલાવી હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ક્રિપાલસિંહ ની પુછપરછ કરતા તે પણ નશા માં હોવાથી બન્ને સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી બન્ને ની ધરપકડ કરી હતી.