રાણા-કંડોરણા ગામે ખેતરમાં ચાલવાના રસ્તા બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈને ખેડૂત પર લાકડીઓ વડે હુમલો કરવાના કેસમાં રાણાવાવ કોર્ટે આરોપી પિતા પુત્ર ને બે વર્ષની સખત કેદની સજા અને રૂ. ૩૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
રાણા-કંડોરણા ગામના ઠોયાણા રોડ વાડી વિસ્તારમાં રહેતા હમીરભાઈ ગીગાભાઈ કારાવદરા (ઉં.વ. ૫૭)ની જમીનની બાજુમાં આરોપી દેવશીભાઈ અરજનભાઈ કેશવાલાની જમીન છેબંનેની જમીનના રસ્તાનો મુખ્ય દરવાજો એક જ છે અને ત્યાંથી બંનેના રસ્તા અલગ પડે છે.દેવશીભાઈએ હમીરભાઈ ના રસ્તાની અંદરની બાજુએ સિમેન્ટની ફેન્સીંગ નાખી હોવાથી અગાઉ પણ બંને પક્ષે બોલાચાલી થઈ હતી. ગત તા. ૩૦/૦૭/૨૦૨૪ના રોજ હમીરભાઈ પોતાની રીક્ષા લઈને ડેરીએ જઈ રહ્યા હતા.
તે દરમિયાન દેવશીભાઈ તથા તેનો પુત્ર હાર્દિક હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા અને રસ્તાનો મુખ્ય દરવાજો બંધ કરી હમીરભાઈ ને રોકી સિમેન્ટની ફેન્સીંગના થાંભલાની બાજુમાં નહીં ચાલવા બાબતે ધમકાવતા હમીરભાઈએ થાંભલા પોતાની હદમાં નાખ્યા હોવાનું જણાવ્યું હતું. આથી બંને બાપ-દીકરો ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડી વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.જે મામલે હમીરભાઈ એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ રાણાવાવની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ જે.એલ. ઓડેદરાએ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ધારદાર દલીલો રજૂકરતા જણાવ્યું હતું કે માથાભારે શખ્સો દ્વારા જમીનનો રસ્તો પચાવી પાડવા માટે માર મારવાનો આ ગુનો સમાજમાં ભય ફેલાવે તેવો ગંભીર છે. ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓથી આરોપીઓ સામેનો કેસ પુરવાર થતો હોવાની સરકારી વકીલની દલીલોને માન્ય રાખી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સંજયકુમાર ઓ. ગર્ગે આરોપીઓને બે વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૩૦,૦૦૦/-નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.












