પોરબંદરમાં ૪ માસ પૂર્વે મધરાતે પત્ની ને પ્રેમી સાથે રંગે હાથ ઝડપી લેનાર યુવાન પર પત્ની અને તેના પ્રેમી એ હુમલો કર્યો હતો જે મામલે ફરાર પ્રેમી ને પોલીસે હાઈવે પર થી ઝડપી લીધો છે.
પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક શ્રીજી પાર્કમાં રહેતા અને તેના સસરાના મીઠાઈના બોક્સના ગોડાઉનમાં મજૂરી કામ કરતા વિશાલ હરીશભાઈ ગોહેલ(ઉવ ૩૨)એ ગત ૨૪-૧૧-૨૫ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના લગ્ન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ લોઢારીની પુત્રી ડેનિશા સાથે આઠ વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં એક બાળકી પણ છે. ડેનિશા બ્યુટી પાર્લર હોમ સર્વિસ નું કામ કરે છે.એક વર્ષ પહેલા ડેનિશાને તેના પાર્લરના ઓર્ડર ના કામ માટે રોકડિયા હનુમાન વિસ્તારમાં તે મુકવા ગયો ત્યારે ડેનીશાએ તેની મિત્ર દીશા ભાદ્રેચા સાથે મુલાકાત કરાવી હતી. ત્યાર પછી ડેનિશા અવારનવાર દિશાના ઘરે જતી અને રાત્રે હાઇવે હોટલ પર નાસ્તો કરવા જઈએ છીએ તેમ કહીને મોડે સુધી ઘરે પરત આવતી ન હતી.
આથી વિશાલને કશુક અજુગતું હોવાનું લાગતા ચાર પાંચ મહિના ડેનિશાનો ફોન ચેક કરતા ડેનિશા દિશાના પતિ અંકુશ ભાદ્રેચા સાથે પ્રેમ સંબંધમાં હોવાનું જાણવા મળ્યું હતું આથી વિશાલ ચોંકી ઉઠ્યો હતો.થોડા દિવસો પહેલા તે માધવાણી કોલેજ તરફ જતો હતો ત્યારે પણ તેણે ડેનિશાને અંકુશ સાથે જોઈ હતી.આથી વિશાલે તેના માતા પિતા અને સાસુ સસરાને આ અંગે જાણ કરતા બધાએ ડેનિશાને સમજાવી હતી પરંતુ તે સમજી ન હતી આથી દોઢ મહિના પહેલા વિશાલ અને તેના સસરા ગોવિંદભાઈ અંકુશના ઘરે જઈને તેને પણ સમજાવ્યો હતો
તા 20 નવેમ્બર -૨૦૨૫ ના રાત્રે 10:30 વાગ્યે ડેનિશાની મિત્ર ના લગ્ન હોવાથી તેઓ ખારવાવિદ્યાર્થી ભવન ખાતે ગયા હતા. ત્યારબાદ વિશાલ પત્ની અને પુત્રીને ત્યાં મૂકીને છાયા રણ વિસ્તારમાં આવેલા સસરાના ગોડાઉન ખાતે કામ કરવા માટે ગયો હતો.રાત્રે એક વાગ્યે પત્નીને તેડવા ગયો હતો પરંતુ પત્ની ત્યાં મળી ન હતી અને તેનું સ્કૂટર પણ દેખાયું ન હતું આથી તે પત્નીને શોધતો શોધતો પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ પ્લાઝા ગાર્ડન પાસે પહોંચ્યો ત્યારે ત્યાં ડેનિશા અને અંકુશ રસ્તાની સાઈડમાં અંધારામાં એકબીજાને આલિંગન આપીને બેઠા હતા આથી વિશાલે પત્ની ને “તારે શું કરવું છે? તું કેમ સમજતી નથી?” તેમ કહેતા ડેનિશા કશું જ બોલી ન હતી આથી વિશાલ તેનો હાથ પકડીને ઘરે આવવાનું જણાવતા અંકુશ ઉશ્કેરાઈ ગયો હતો અને વિશાલને ગાળો દઈને લાફો મારી “તું અહીંથી ચાલ્યો જા નહીંતર તને મારી નાખીશ”તેવી ધમકી આપતા વિશાલે પોતાનો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારવા જતા અંકુશે સ્કૂટરની ડેકીમાંથી છરી કાઢી વિશાલ પર હુમલો કરવા જતા બચાવમાં તેણે હાથ ઊંચો કરતા છરી નીચે પડી ગઈ હતી. ત્યારબાદ અંકુશે હાથમાં પહેરેલા ધાતુના કડા વડે તેને બેફામ માર માર્યો હતો અને પત્ની ડેનીશા એ પણ પેટના ભાગે ઢીકા પાટુનો માર મારી ઇજા કરી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી નાસી ગયા ગયા હતા અને વિશાલ બેભાન થઈ ત્યાં જ ફસડાઈ ગયો હતો.
થોડા સમય ભાનમાં આવી મિત્ર ને ફોન કરતા મિત્ર તુરંત દોડી આવ્યો હતો અને વિશાલ ને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેણે ડેનીશા અને અંકુશ સામે ફરિયાદ નોંધાવી હતી.ત્યાર બાદ અંકુશ ની શોધખોળ પોલીસે હાથ ધરી હતી પરંતુ મળી આવ્યો ન હતો.ગઈકાલે પોલીસ ને બાતમી મળી હતી કે અંકુશ હાઇવે પર આવેલ હાઈવે હોટલ ખાતે છે જેથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને અંકુશ મળી આવતા તેની ધરપકડ કરી હતી.












