રાણાવાવના રાણા બોરડી નજીક જંગલ વિસ્તારમાંથી પોરબંદર ના યુવાન નો પથ્થર વડે માથું છુન્દાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે મામલે પોલીસે મૃતક ના પત્ની ને ફરીયાદી બનાવી હત્યા અંગે નો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પોરબંદરના ગાયત્રી મંદિર નજીક આવેલા રવિ પાર્ક માં રહેતો અને ભંગારનો ધંધો કરતો સવજી લક્ષમણભાઈ પરમાર(ઉવ ૪૦) ગઈકાલે તેની રીક્ષા લઇ ઘરેથી ભંગાર લેવા માટે નીકળ્યો હતો. પરંતુ ત્યારબાદ પરત ફર્યો ન હતો. આથી તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં સવજી રાણાવાવ પંથકના દોલતગઢ ગામ તરફ ગયો હોવાનું જાણવા મળતા પરિવારજનોએ દોલતગઢ ગામે જઈ પૂછપરછ હાથ ધરી હતી.
ત્યારે એવી માહિતી મળી હતી કે તે રાણા બોરડી તરફના રસ્તે ગયો છે. આથી આ રસ્તા પર શોધખોળ હાથ ધરતા તેની છકડો રીક્ષાા મળી આવી હતી, ત્યારબાદ રાણા બોરડીથી દોલતગઢ ગામના રસ્તે જંગલ જેવા વિસ્તારમાંથી બપોરે સવજી નો મૃતદેહ પણ મળી આવ્યો હતો.જે અંગે જાણ થતા રાણાવાવ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. માટે મોકલી તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવાનની માથામાં પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવ્યું છે જો કે બપોર ના મૃતદેહ મળી આવ્યા બાદ રાત્રે ૮ વાગ્યે પણ રાણાવાવ પોલીસ મથક ના પીએસઓ એ હજુ સુધી ગુન્હો નોંધાયો ન હોવાના અને તપાસ ચાલુ હોવાના તથા કોઈ માહિતી ન હોવાના ગાણા ગાયા હતા બાદ માં ઉચ્ચ અધિકારી નો સંપર્ક કરતા તેઓએ હત્યા થઇ હોવાનું અને મૃતક ના પત્ની ને ફરીયાદી બનાવી શકમંદ તરીકે અન્ય ભંગાર ના ધંધાર્થી રીક્ષા ચાલક સામે હત્યા અંગે ગુન્હો નોંધાયો હોવાનું જણાવ્યું હતું.