Wednesday, November 18, 2026

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ સેન્ટ્રલ બેંકના કેશિયરની નિયમ વિરુદ્ધ બદલીના વિરોધમાં બેંક કર્મીઓના સૂત્રોચ્ચાર

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની રાણાવાવ શાખામાં ફરજ બજાવતા હેડ કેશિયર સાજિદખાન હુસેનખાન ઘોરીની નિયમ વિરુદ્ધ ભાણવડ ખાતે બદલી કરવામાં આવતા બેંક કર્મચારીઓ અને ખાતેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બેંક મેનેજમેન્ટના આ અન્યાયકર્તા અને પૂર્વાગ્રહયુક્ત નિર્ણયના વિરોધમાં પોરબંદર જિલ્લાના બેંક કર્મચારીઓએ રાણાવાવ શાખા ખાતે એકત્ર થઈ રોષપૂર્વક સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ બદલી તાત્કાલિક અસરથી પાછી ખેંચવા ઉગ્ર માંગણી કરી હતી.

બેંક ના કર્મચારીઓ એ જણાવ્યું હતું કે રાણાવાવ શાખામાં હેડ કેશિયર તરીકે કાર્યરત સાજિદખાન ઘોરી પોતાની ફરજ અત્યંત નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારીપૂર્વક બજાવી રહ્યા છે. તેમના નમ્ર સ્વભાવ, સહકારની ભાવના અને ઉત્તમ ગ્રાહકસેવાને કારણે તેઓ સ્થાનિક ખાતેદારોમાં ખૂબ જ આદરપાત્ર સ્થાન ધરાવે છે. શાખામાં ફરજ બજાવતા મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બહારગામના હોવાથી સ્થાનિક પરિસ્થિતિથી અજાણ હોય છે, જ્યારે સાજિદખાન ઘોરી રાણાવાવના જ રહેવાસી હોવાથી સ્થાનિક લોકો અને તેમની જરૂરિયાતોથી સારી રીતે વાકેફ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના અને મર્યાદિત શિક્ષણ ધરાવતા ખાતેદારોને બેંકિંગ કામગીરીમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડી, તેઓ ગ્રાહકો, શાખા પ્રબંધક અને અન્ય કર્મચારીઓ વચ્ચે મહત્ત્વપૂર્ણ સંકલનકારની ભૂમિકા ભજવે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત તા. ૧૯/૧૦/૨૦૨૬ના રોજ પણ રાણાવાવ શાખાના ખાતેદારો અને શુભેચ્છકો દ્વારા જામનગર સ્થિત પ્રાદેશિક કાર્યાલયના પ્રાદેશિક પ્રબંધકને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગ્રાહકોની સુવિધા અને શાખાની સુચારુ કામગીરીના હિતમાં સાજિદખાન ઘોરીની સૂચિત બદલી અંગે પુનર્વિચાર કરી તેમને રાણાવાવ શાખામાં જ ચાલુ રાખવા વિનંતી કરાઈ હતી.

આમ છતાં, બેંક મેનેજમેન્ટ દ્વારા ખાતેદારોની લાગણી અને નિયમોને અવગણીને ભાણવડ ખાતે બદલીનો હુકમ કરવામાં આવતા જિલ્લાભરના બેંક કર્મચારીઓ મેદાનમાં આવ્યા હતા. રાણાવાવ શાખા ખાતે એકઠા થયેલા કર્મચારીઓએ મેનેજમેન્ટ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જો આ પૂર્વાગ્રહયુક્ત બદલીનો આદેશ તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે