આઠ દાયકાથી શિક્ષણ, સંસ્કાર અને શિસ્તની જ્યોત જગાવી રહેલી રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વાલી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા તૃતીય વર્ષ બી.એ.- બી.કોમ.ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે સ્વ. પી. એસ. એમ. ઠકરાર હાઇસ્કૂલ પારાવાડાના પ્રિન્સિપાલ નરસિંગભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના પ્રિન્સિપાલ અને આર્ય કન્યા ગુરુકુળના માનદ્ પ્રોવોસ્ટ ડૉ. અનુપમભાઈ નાગરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના ઉપાચાર્યા, ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા, વાલી અને વિદાય સંમેલનના અધ્યક્ષા તેમજ હોમ-સાયન્સ વિભાગના વડા પ્રો. રોહિણીબા જાડેજાએ કરેલ. કાર્યક્રમની શરૂઆત ગુરુકુળ પરંપરા પ્રમાણે વેદ મંત્રગાનથી કરવામાં આવેલ. ત્યારપછી વિદ્યાર્થીનીઓએ સમૂહ પ્રાર્થના ગાન કરેલું તેમજ અતિથિ વિશેષ ડોડીયા , ડો. નાગર, પ્રો. રોહિણીબા, વાલી પ્રતિનિધિ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રતિનિધિએ દીપ પ્રાગટ્ય કરેલ.ત્યારબાદ અતિથિ વિશેષ ડોડીયા , વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું શબ્દોથી સ્વાગત વાઈસ પ્રિન્સિપાલ પ્રો. રોહિણીબા જાડેજાએ કર્યું. અતિથિ વિશેષનું સૂતમાલા, ઉષ્મા વસ્ત્ર તથા સ્મૃતિચિન્હથી સ્વાગત કોલેજના પ્રિન્સિપાલ ડો.નાગરે કરેલ.
પધારેલા વાલીઓનું સૂતમાલાથી સ્વાગત વિભાગ અધ્યક્ષો, અધ્યાપકો, મુલાકાતી અધ્યાપકોએ કર્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના પ્રતિનિધિઓનું સૂતમાલાથી સ્વાગત પ્રો.શોભનાબેન વાળાએ કરેલ. ત્યારબાદ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલી સંગઠનના સેક્રેટરી ડો. શર્મિષ્ઠાબેન પટેલે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલી સંગઠનની કામગીરીની માહિતી આપી તથા તેનું મહત્વ સમજાવ્યું તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને આવકારી. ત્યારબાદ દરેક વિભાગમાં વિદ્યાર્થીઓને મળતા ત્રણ એવોર્ડ્સ (૧) આઉટ સ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ (એકૅડેમિક્સ) (૨) આઉટ સ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ (કો કરિક્યુલર એક્ટિવિટીઝ) (૩) મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ – વિદ્યાર્થીનીઓને તેઓના જ વાલીના હસ્તે એનાયત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં વાલી શ્રીમતિ શીતલબેન ચંદવાણીયા તથા યોગેશભાઈ સવનિયાએ પોતાના પ્રતિભાવો આપતા કહ્યું કે, આ સંસ્થામાં દીકરીઓ શિક્ષણની સાથે સંસ્કાર મેળવે છે તથા સુરક્ષિત છે તેમજ અનેક પ્રવૃતિઓના કારણે તેઓની પ્રતિભા ખીલે છે. પોતાના જ હસ્તે પોતાની દીકરીઓને એવોર્ડ આપતા તેઓએ ગૌરવની લાગણી અનુભવી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ રૂપે કુ. ઉર્વશી દવે, કુ. માધવી ગોહેલ તેમજ કુ. હિરલ ભટ્ટે પોતાના સંસ્મરણોને વાગોળ્યા તથા પ્રાચાર્યશ્રી થકી કોલેજની શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ નૈસર્ગીક પ્રગતિ જોઈ આનંદ વ્યક્ત કર્યો. ત્યારબાદ ડૉ. નાગરે પોતાના ઉદ્બોધનમાં વાલીઓની પ્રશંસા કરી તથા દીકરીઓના શિક્ષણ માટે વાલીઓની ભૂમિકાનું મહત્વ સમજાવી તેઓની સરાહના કરી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યુ.
તેઓએ પોતાની આગવી શૈલીમાં બધા જ અધ્યાપકોની ઓળખ વાલીઓને કરાવી અને ઉમેર્યું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પ્રાધ્યાપકોની ભૂમિકા ખુબ નોંધપાત્ર હોય છે. ત્યારબાદ તૃતીય વર્ષ બી.એ., બી.કોમની વિદ્યાર્થીઓના વિદાય પ્રસંગે કુ. નિષ્ઠા વાજા તેમજ કુ. અંજલી સોલંકીએ ત્રણ વર્ષ આ કોલેજમાં અભ્યાસ દરમિયાનનાં પોતાના પ્રતિભાવો આપતા કહ્યું કે, અહીં તેઓને ગુરુજનોનો ખુબ સાથ, સહકાર અને સ્નેહ મળ્યો તેમજ માત્ર અભ્યાસ જ નહિ પરંતુ જીવનને લાગતું માર્ગદર્શન પણ મળેલું છે. વળી, લોકડાઉનના સમયમાં પણ કોલેજના અભ્યાસક્રમો અને ઈતર પ્રવૃતિઓ સુચારુ રૂપે પ્રાધ્યાપકોએ કરાવેલ.
ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુ. નિષ્ઠા વાજા એન્ડ ગ્રુપ દ્વારા શ્રી રામ સ્તુતિ ભરતનાટ્યમના રૂપે પ્રસ્તુત કરવામાં આવેલ. કુ. ધર્મિષ્ઠા સોલંકીએ ‘ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલે પિતા ‘ વિષય પર ભાવસભર વક્તવ્ય આપી બધાને ભાવવિભોર કરી દીધા તથા કુ. બંસી આશા એન્ડ ગ્રુપ દ્વારા ભક્તિ-ભાવયુક્ત ભજનની પ્રસ્તુતિ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવેલ. કુ. ઓમિકા રાઠોડ એન્ડ ગ્રુપ દ્વારા ‘દીકરી’ પર મેશ-અપ પ્રસ્તુત કરવામાં આવેલ અને કાર્યક્રમના અંતે કુ. ધારા વાજા એન્ડ ગ્રુપ દ્વારા ટિપ્પણી રાસની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવેલ.
આ સંમેલનના અંતે અતિથિ વિશેષ નરસિંગભાઈ ડોડીયાએ મનનીય પ્રવચન આપી વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. તેઓએ હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ દ્વારા બતાવ્યું કે ‘ લહેરોં સે ડરકર નૌકા પાર નહિ હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી’ પંક્તિ દ્વારા વિદ્યાર્થીનીઓને અનેક સંઘર્ષો વચ્ચે પણ સખત પરિશ્રમ કરી ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે માર્ગદર્શન આપ્યું. તેમજ દર વર્ષે પારવાડા હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ આ કોલેજમાં ભણવા માટે આવે છે તેનો તેઓએ આનંદ અને ગૌરવ વ્યક્ત કરેલ. I’ve grown my wings, I want to fly, Seize my victories where they lie, ડોડીયાએ બ્રુક મુલરની પ્રેરણાત્મક કવિતામાંથી ઉદઘૃત કરેલી આ બે પંક્તિઓ દ્વારા ધ્યેયપ્રાપ્તિ માટે ઊંચી ઉડાન ભરવા અંગે વિદ્યાર્થીનીઓને પ્રેરિત કરેલી અને કોલેજના વિકાસમાં ડૉ. નાગર અને અધ્યાપકોની મહેનતને બિરદાવી.
કાર્યક્રમના અંતે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષા પ્રો. શોભનાબેન વાળાએ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી તથા તેઓની આગવી શૈલીમાં બધાનો ઋણ સ્વીકાર કરેલો. ગુરુકુળ પરંપરા મુજબ શાંતિપાઠથી કાર્યક્રમનું સમાપન થયેલું. આ કાર્યક્રમનું સફળ સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષા અને ગીત સંગીત નૃત્ય ધારાના સભ્ય અને વિદાય સમારંભ સમિતિના સભ્ય ડૉ. કેતકીબેન પંડ્યાએ કરેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન પ્રો. અમીબેન પઢિયારે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના ઉપાચાર્યા, ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા તેમજ હોમ-સાયન્સ વિભાગના વડા પ્રો. રોહિણીબા જાડેજા, ગીત સંગીત નૃત્ય ધારાના સભ્યો ડો. કેતકીબેન પંડ્યા, ડો. શાંતિબેન મોઢવાડીયા, પ્રો. શોભનાબેન વાળા, પ્રા. અમીબેન પઢિયાર, પ્રા. અદિતિબેન દવે તેમજ પ્રતિનિધિ વિદ્યાર્થીનીઓ કુ. બંસી આશા, કુ. ભૂમી ચંદવાણીયા, કુ. આશા શામરા વગેરેએ જહેમત ઉઠાવેલી.











