Wednesday, October 30, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના ચોપાટી,રીવર ફ્રન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પર ફટાકડા ફોડી શકાશે નહી તેવું તંત્ર નું વિચિત્ર જાહેરનામું

પોરબંદર જિલ્લામાં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક અને પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતિ માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણીએ ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતા કેટલાક પ્રતિબંધો જાહેર કરાયા છે.

જે મુજબ પોરબંદર જિલ્લાની હદમાં દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૦૮.૦૦ થી ૧૦.૦૦ સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારમાં રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) (Series Cracker or Laris) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં. ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહી. અને હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તર (Decibel level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર “PESO ની સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.

હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. અને કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી. ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી. અને લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે પોરબંદર જિલ્લાના ચોપાટી, અસ્માવતી રીવર ફ્રન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પમ્પ, એલ.પી.જી./બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહી.

કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન(ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. અને ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ ધ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે. અને સ્થાનિક કક્ષાએ સિનેમાગૃહો, લોકલ કેબલ ઓપરેટરોએ આ પ્રકારની જાહેરાતો અચૂકપણે દર્શાવવાની રહેશે આ જાહેરનામું તા.૨૬/૧૦/૨૦૨૪ થી તા.૨૫/૧૧/૨૦૨૪ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથાભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૨૨૩ માં જણાવેલ શિક્ષાને પાત્ર રહેશે.તેવું પણ જણાવાયું છે.

જો કે શેરી અને ગલીઓ માં પણ ફટાકડા ફોડવા નહી અને ફટાકડા ફોડવા પણ માત્ર ચોક્કસ સમય જાહેર કરવામાં આવતા લોકો માં આશ્ચર્ય સર્જાયું છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે