જામનગર ના શખ્સ ને રૂ. ૯.૦૬ લાખના ચેક રિટર્ન કેસમાં રાણાવાવની અદાલતે બે વર્ષની સાદી કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે.
હાલ સરકાર દ્વારા રોકડ વ્યવહારના બદલે બેંકિંગ વ્યવહારોથી નાણાંની લેતીદેતી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ તેની સામે ચેક આપ્યા બાદ ખાતામાં પૂરતું બેલેન્સ ન રાખી રકમ ન ચૂકવવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. આવા જ એક રૂ. ૯.૦૬ લાખના ચેક રિટર્ન કેસમાં રાણાવાવની અદાલતે કડક વલણ અપનાવીને જામનગરના આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે.
ધંધાની જરૂરિયાત માટે લખાણ કરીને રૂ. ૯,૦૬,૦૦૦ લીધા બાદ આપેલા બંને ચેક પરત ફર્યા
આ કેસની વિગત મુજબ, રાણાવાવ ખાતે રહેતા ફરિયાદી પ્રતાપભાઈ ખીમાભાઈ બોખીરીયા પાસેથી જામનગરમાં ફોરવ્હીલ લે-વેચનો ધંધો કરતા કરણ નાગાભાઈ કેશવાલાએ પોતાના ધંધામાં નાણાંની જરૂરિયાત હોવાનું જણાવી લખાણ કરીને પૂરા રૂ. ૯,૦૬,૦૦૦ (નવ લાખ છ હજાર) લીધા હતા. આ રકમ પરત ચૂકવવા માટે આરોપી કરણ કેશવાલાએ ફરિયાદીને બે અલગ-અલગ ચેકો આપ્યા હતા.
ફરિયાદી પ્રતાપભાઈ બોખીરીયાએ આ બંને ચેકો બેંકમાં જમા કરાવતા કોઈ રકમ ન મળતા બંને ચેકો પરત ફર્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે આરોપીને કાયદેસરની નોટિસ પણ પાઠવી હતી, તેમ છતાં આરોપીએ રકમ ચૂકવવાની કોઈ દરકાર ન કરતા અંતે ફરિયાદીએ રાણાવાવની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
કોર્ટનો કડક ચુકાદો: ૨ વર્ષની સાદી કેદ અને રેવન્યુ રાહે રકમ વસૂલવા કલેક્ટરને આદેશ
રાણાવાવની કોર્ટમાં આ કેસ ચાલી જતા ન્યાયાધીશ સંજયકુમાર ગર્ગે રેકર્ડ પરનો પુરાવો, ફરિયાદી પક્ષના એડવોકેટની લેખિત દલીલો તેમજ નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ કાયદાકીય બાબતો પર કડક વલણ અપનાવી નીચે મુજબનો આદેશ કર્યો છે:
- આરોપી કરણ નાગાભાઈ કેશવાલાને તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
- ચેક મુજબની રકમ બે માસની અંદર ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
- જો આરોપી નિયત બે માસના સમયગાળામાં રકમ ન ચૂકવે તો તેને વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવાનો આદેશ કરાયો છે.
- ન્યાયાધીશએ કાયદાકીય જોગવાઈઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરને હુકમ કરીને આરોપી સામે રેવન્યુ રાહે રકમ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવા પણ આદેશ કર્યો છે.
આ સમગ્ર કાયદાકીય કાર્યવાહીમાં ફરિયાદી પ્રતાપભાઈ બોખીરીયા વતી એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી તથા રાણાવાવના એડવોકેટ અતુલભાઈ ઠકરાર રોકાયેલા હતા અને તેમની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આ દાખલારૂપ ચુકાદો આપ્યો છે.












