Friday, November 20, 2026

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં આગામી ૨૨ નવેમ્બરે ભવ્ય ‘તુલસી વિવાહ મહોત્સવ’નું આયોજન:હરિભક્તો માટે નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરાઈ

પોરબંદરના સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં આગામી ૨૨ નવેમ્બરે ભવ્ય ‘તુલસી વિવાહ મહોત્સવ’નું આયોજન

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી યોજાનાર મહોત્સવમાં જીટીપીએલ પરિવારના મોભી રાજભા જેઠવાની આગેવાનીમાં નીકળશે ભગવાન શાલિગ્રામની ભવ્ય જાન: આતશબાજી, શાસ્ત્રોક્ત વિધિથી લગ્નોત્સવ અને ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમો, હરિભક્તો માટે નિઃશુલ્ક બસની વ્યવસ્થા

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીહરિ મંદિર ખાતે દર વર્ષની ભવ્ય ધાર્મિક પરંપરાને આગળ ધપાવતા આગામી તા. ૨૨ નવેમ્બર, રવિવારના રોજ ‘તુલસી વિવાહ મહોત્સવ’નું અત્યંત ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન પ્રેરણાથી યોજાનારા આ દિવ્ય મહોત્સવમાં જીટીપીએલ પરિવારના મોભી, જીટીપીએલના ડાયરેક્ટર તેમજ રાજપુર સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા ભગવાન શાલિગ્રામની ભવ્ય જાનનું આયોજન કરવામાં આવ્યું છે.

લોહાણા મહાજનવાડીથી જાનનું પ્રયાણ અને શ્રીહરિ મંદિરે આતશબાજી સાથે ભવ્ય સ્વાગત
આ પાવન અવસરે તા. ૨૨ નવેમ્બરને રવિવારે સાંજે ૫:૦૦ વાગ્યે ભદ્રકાળી લોહાણા મહાજનવાડી ખાતે શાસ્ત્રોક્ત રીતે ભગવાન શાલિગ્રામની પૂજાવિધિ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે લોહાણા મહાજનવાડી ખાતેથી વાજતે-ગાજતે ભગવાનની જાનનું પ્રયાણ થશે. રાજભા જેઠવાની આગેવાનીમાં નીકળનારી આ જાનમાં મોટી સંખ્યામાં શહેરીજનો, રાજકીય આગેવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાઈને તુલસી વિવાહમાં સહભાગી બનશે.

સાંજે ૭:૦૦ વાગ્યે ભગવાન શાલિગ્રામની જાનનું સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિર ખાતે આગમન થશે. આ પ્રસંગના યજમાન તૃપ્તિબેન તથા ધીરજભાઈ પંડિત પરિવાર તેમજ ઊર્મિલાબેન સોલંકી પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં જાનનું ભવ્ય સામૈયું કરી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. જાનના આગમન સમયે આકર્ષક આતશબાજીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સવમય બનાવશે.

રાત્રે ૮:૩૦ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિથી તુલસી વિવાહ અને ભોજન પ્રસાદ
જાનના સ્વાગત બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે શ્રીહરિ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન, વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત લગ્નગીતોની રમઝટ સાથે ભગવાન શાલિગ્રામ તથા લક્ષ્મીસ્વરૂપા તુલસીજીના દિવ્ય વિવાહ સંપન્ન થશે. વિવાહ વિધિ પૂર્ણ થયા બાદ દર્શનાર્થે ઉપસ્થિત તમામ હરિભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે.

હરિભક્તો માટે સુદામા ટ્રાવેલ્સ દ્વારા નિઃશુલ્ક બસ વ્યવસ્થા
તુલસી વિવાહના આ પાવન પ્રસંગે શહેરમાંથી આવતા-જતા ભક્તોને પરિવહનની કોઈ અગવડ ન પડે તે હેતુથી સુદામા ટ્રાવેલ્સના સંચાલક રવિરાજસિંહ રાજભા જેઠવા દ્વારા નિઃશુલ્ક બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીજીના આ અલૌકિક વિવાહ ઉત્સવના દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા સમગ્ર પોરબંદરની ધર્મપ્રેમી જનતા અને હરિભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે