Tuesday, April 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના સાંદીપની ખાતે સરસ્વતીમાતા ના પૂજન સાથે ૧૮ માં પાટોત્સવ નો મંગલ પ્રારંભ

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬માં મહાસુદ રથસપ્તમીના દિવસે થઈ હતી. જેને આ ૨૦૨૪મા વર્ષે ૧૮વર્ષ પૂરા થઈ રહ્યા છે. આથી પ્રતિવર્ષની જેમ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન થયું છે. તેમાં તા.૧૪/૦૨/૨૦૨૪, બુધવારના રોજ વસંતપંચમી પાવન દિવસે ધાર્મિક અને પ્રવચનાત્મક કાર્યક્રમ તથા સરસ્વતીમાતાનું પૂજન-અર્ચન, ગોવર્ધનપૂજન એવં ગોપૂજન સાથે પ્રારંભ થયો હતો.

ગોવર્ધન પૂજન એવં ગોપૂજન
શ્રીહરિ મંદિર પાટોત્સવના પ્રથમ દિવસ તા.૧૪-૦૨-૨૪, વસંતપંચમીના પરમ પાવન દિવસે પ્રતિવર્ષ અનુસાર પૂજ્ય ભાઈશ્રી અને યજમાન પરિવાર દ્વારા શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં શ્રીહરિ બગીચીમાં પ્રસ્થાપિત ગિરિરાજની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી અને સાથે-સાથે ગોપૂજન પણ સંપન્ન થયું હતું. આ પૂજાવિધિમાં દેશ-વિદેશથી આવેલા અતિથીઓ પણ જોડાયા હતા. પૂજ્ય ભાઈશ્રીએ આ અવસરે આશીર્વચન પાઠવીને કહ્યું હતું કે આ પાટોત્સવનો પ્રારંભ આપણે ગિરિરાજની પૂજા અને ઠાકોરજીને અન્નકૂટનો ભોગ અર્પણ કરીને કરી રહ્યા છીએ. વૃંદાવનમાં જે ત્રણ પર્વતો આવેલા છે એમાં ગોવર્ધન પર્વત એ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન જ આપણી ગો એટલે ઇન્દ્રિય. ગોવર્ધન ઇન્દ્રિયોનું વર્ધન કરનારા છે. ભગવાન મનુષ્યની શૈશવથી લઈને વિવિધ અવસ્થોની વૃદ્ધિ કરનારા છે. ભગવાન જ ગો એટેલે જ્ઞાનની અભિવૃદ્ધિ કરનારા છે. આજના દિવસે અન્નકૂટનો ભોગ લગાવી એ પ્રસાદથી આપણા જીવનમાં પ્રસન્નતા, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સામર્થ્ય પ્રભુપ્રસાદના રૂપમાં રહે એવી શ્રીહરિ અને ગિરિરાજને આપણે પ્રાર્થના કરીએ છીએ. આ સાથે પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી પુરુષોત્તમભાઈ કાંકાંણી અને અન્નકૂટના મનોરથી ભગવદીયા દર્શનાબેન કાપડિયાને પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.

ભાગવત ચિંતન શિબિરનો પ્રારંભ
શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં પ્રાતઃ સત્રમાં પૂજ્ય ભાઇશ્રી અને વિદ્વાન વક્તાઓની ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિરનો વેદગાન સાથે પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતનાં વિદ્વાનો અને સાંદીપનિના ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવત મહાપુરાણના વિષયોને લઈને ચિંતનાત્મક અને શાસ્ત્રીય શૈલીમાં પ્રવચન પ્રસ્તુત થયા હતા. જેમાં પ્રાતઃ સત્રમાં સાંદીપનિના ઋષિ હર્ષિતભાઈ શુક્લ દ્વારા ”દશાષ્ટૌ શ્રીભાગવતમ” ઋષિ ધવલભાઈ જોષી દ્વારા “શ્રીમદ્ભાગવતમાં ભીષ્મ સ્તુતિ” અને મુંબઈથી આવેલા વાક્તાશ્રી શાસ્ત્રી શ્રી ધનંજયભાઈ વ્યાસ દ્વારા “ઊતી લીલા” વિષયને લઈને સુંદર પ્રવચન રજુ થયા હતા. આ સાથે ભાગવત ચિંતન શ્રેણીમાં બપોર પછીના સત્રમાં સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક શ્રી સહદેવભાઇ જોશી દ્વારા “હિરણ્યકશીપુની આત્મમીમાંસા” દ્વારકાથી જગદ્ગુરું ભગવાન શંકરાચાર્ય દ્વારા પ્રસ્થાપિત શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ વિદ્યાલયના પ્રાચાર્ય ડૉ. કુલદીપભાઈ પુરોહિત દ્વારા “મંત્ર કે આલોક મેં શ્રીકૃષ્ણ લીલા” ” જામનગરથી એ.કે.દોશી મહિલા કોલેજના વર્તમાન પ્રાધ્યાપક ડૉ અનિલભાઈ દ્વિવેદી દ્વારા ગોપીગીતનું એક પદ “વ્રજજનાર્તિહન અને તેના વ્યાખ્યાકારો” વિષય પર વિશિષ્ટ રીતે ચિંતનાત્મક પ્રવચન થયું હતું. આ પ્રવચન પ્રસાદનો પાટોત્સવમાં પધારેલા અતિથીઓએ તથા સોશ્યલ મીડિયા ના માધ્યમથી અનેક લોકોએ લાભ લીધો હતો.

શ્રીહરિમંદિરમાં યોજાયા અન્નકૂટ દર્શન
શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ ભગવાન સહિત સર્વે દેવી-દેવતાઓનો વિશેષ શૃંગાર કરીને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો. મધ્યાહ્નમાં પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે અન્નકૂટ આરતી કરવામાં આવી જેનો અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. અન્નકૂટ મનોરથના મનોરથી ભગવદીયા શ્રી દર્શનાબેન દિનેશભાઈ કાપડિયાનું આ અવસરે સ્મરણ કરીને પૂજ્ય ભાઈશ્રીએ અશીર્વાદ આપ્યા હતા.

મેડીકલ કેમ્પનો પ્રારંભ
દિવ્યાંગ સાધન સહાય કેમ્પ
આજે શ્રીહરિ મંદિરના ૧૮માં પાટોત્સવના પ્રથમ દિવસે તા.૧૪-૦૨-૨૪ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન પરિસરમાં આવેલ સાંદીપનિ ગુરુકુળ ખાતે દિવ્યાંગ સાધન કેમ્પનો દીપપ્રજ્વલન સાથે પ્રારંભ થયો હતો. કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે નેવી ઓફિસર્સ વાઈફસ વેલ્ફેર એન્ડ વેલનેસ એશોસીએશનના પ્રેસિડેન્ટ શ્રી શાલીનીબેન જગી તેમજ સભ્યશ્રીઓ, શ્રીહરિ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય શ્રી ગૌતમભાઈ ઓઝા, ગોયલ પરિવારથી શ્રીવિકાસભાઈ ગોયલ- બરોડા તેમજ કેમ્પ કૉ-ઓર્ડીનેટર ડૉ ભરતભાઈ ગઢવી અને દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં સેવા આપનારી ડોક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી.
હરિ ઓમ સ્માઈલ વડોદરાના સૌજન્યથી હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પમાં આજે ડૉ. દામજી બારિયા, ડૉ અજય બાવલિયા વગેરે ડોક્ટર્સની ટીમ દ્વારા આજે ૬૮ દર્દીઓને તાપસવામાં આવ્યા હતા. તા.૧૫ થી તા. ૧૭ સુધી તપાસેલ દર્દીઓને જરૂરિયાત મુજબ સાધન સહાય પૂરી પાડવામાં આવશે.

દંતયજ્ઞ-દંત ચિકિત્સા કેમ્પ
આજે ૧૪-૦૨-૨૪ પાટોત્સવના પ્રથમ દિવસથી જ દીપપ્રાગટ્ય સાથે દંતયજ્ઞનો પ્રારંભ થયો હતો. દીપપ્રાગટ્યના પ્રસંગે પોરબંદના નેવલબેઝ એર એન્કલેવ ઓફિસર ઇન્ચાર્જ કોમોડોર નેવી આદરણીય પરમજીતસિંહ, સાંદીપનિ સંસ્થાના આદરણીય શ્રીગૌતમભાઈ ઓઝા, સંસ્થાના ઉપપ્રમુખશ્રી મનસુખભાઈ જોશી, કેમ્પ કૉ-ઓર્ડીનેટર ડૉ.ભરતભાઈ ગઢવી અને દંત ચિકિત્સકની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કેમ્પમાં વૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરિયલ ક્લિનિક ગૌરીદડ, રાજકોટ ના જાલંધર બંધયોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી, દંતવૈદ્ય સરોજબહેન જોશી અને ટીમ પોતાની સેવા પૂરી પાડી રહ્યા છે. તા.૧૪,૧૫ અને ૧૬મી ફેબ્રુઆરી એમ સતત ત્રણ દિવસ સુધી રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી દંતયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લોકો વિનામુલ્યે દંત ચિકિત્સા કરાવી શકશે.

સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિ
શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના પ્રંસંગે પહેલા દિવસે બપોરપછીના ભાગવત ચિંતન શિબિરના સત્રમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શ્રીહરિમંદિરમાં સાયં આરતીનો પણ લાભ લીધો હતો અને પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ લીધા હતા.

શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવમાં આજે શ્રીહરિ મંદિરના તમામ વિગ્રહોને સવારમાં વિધિપૂર્વક નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું. તો આજે શ્રીહરિમંદિરમાં અન્નકૂટ દર્શન અને સાયં આરતી અને દિવ્ય શૃંગાર સાથે ઝાંખીના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે