Friday, February 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ના યુવા વેપારી નું હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત થતા અરેરાટી:યુવાઓ માં વધતા જતા હાર્ટએટેક ના બનાવ સામે શું સાવધાની રાખવી?જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ના યુવા વેપારી નું હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત થતા અરેરાટી વ્યાપી છે.

પોરબદર શહેરના ખીજડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડ માં જય ખોડીયાર ટ્રેડર્સ ના નામે શાકભાજી અને ડુંગળી બટેટા નો હોલસેલ વ્યવસાય કરતા અભય નાથાભાઇ રાયચૂરા(ઉવ ૨૯) નામના યુવા વેપારી મંગળવારે સાંજે તેના ઘરે હતા. ત્યારે એકાએક હાર્ટએટેક આવતા સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડાયા હતા. પરંતુ ફરજ પર ના તબીબે તેઓને મૃત જાહેર કરતા પરિવારજનો પર વજ્રઘાત સર્જાયો હતો. અને યાર્ડ ના વેપારીઓ માં પણ શોક નું મોજું ફરી વળ્યું હતું. તેની સ્મશાનયાત્રા માં પણ મોટી સંખ્યા માં વેપારીઓ અને અગ્રણીઓ જોડાયા હતા. તેઓને એક ભાઈ તથા બે બહેન હોવાનું તથા તેઓ પરણિત હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા જ પોરબંદર માં એક ૧૮ વર્ષીય કોલેજીયન યુવાન નું હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત થયું હતું ત્યાં વધુ એક નાની વયે હાર્ટએટેક નો બનાવ બનતા શહેર માં પણ ચિંતા નું મોજું ફરી વળ્યું છે.

પોરબંદર સહીત ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના દર્દીઓ પણ વધ્યા છે. વર્તમાન સમયનો તણાવ કહો કે જીવનશૈલી પરંતુ હૃદયરોગના હુમલાઓનું વધતું પ્રમાણ આજની પેઢી માટે ચિંતાજનક છે તે વાતનો ઈન્કાર ન થઈ શકે. આવી તકલીફનું સમાધાન શું?, જીવનશૈલીમાં બદલાવ કઈ રીતે લાવવો, શું બદલાવ લાવવો, તમારી અંદર રહેલો તણાવ કઈ રીતે દૂર કરવો.. હૃદયરોગની સાથે સાથે અન્ય બીમારીનું પણ પ્રમાણ ન વધે તે માટે શું ધ્યાન રાખવું.

હૃદય ધબકારો કેમ ચૂકી જાય છે?
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.છેલ્લા થોડા સમય થી નાની વયે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે. ચરબી જામી જવી હૃદયરોગના હુમલા પાછળનું કારણ છે. ચરબી જામવાથી નળી સાંકડી થાય છે જે સરવાળે હાર્ટ અટેકમાં પરિણમે છે. નવી પેઢી આરોગ્ય પ્રત્યે સભાન પરંતુ તણાવ વધ્યો. બહારનો ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું. તેમજ ધૂમ્રપાનનું પ્રમાણ યુવા પેઢીમાં વધ્યું છે. હૃદયને લોહી પહોંચાડતી નળી તણાવને કારણે ખરબચડી બની શકે છે. કસરત કરવાની પરાકાષ્ઠા આવે ત્યારે ચોક્કસ હોર્મોન સક્રિય થતા હોય છે. આવા હોર્મોન્સ સ્ટ્રેસ માટે પણ જવાબદાર હોય છે જેથી હાર્ટ અટેક આવી શકે છે. ખોરાકમાં ટ્રાન્સફેટનું પ્રમાણ નુકસાનકારક સાબિત થાય છે. એકના એક તેલમાં તળેલી વસ્તુ નુકસાનકારક સાબિત થાય છે. ટ્રાન્સફેટ ચરબીના થર જમાવી દે છે.

આપણું હૃદય લોહીને શુદ્ધ કરવા માટે એક નિશ્ચિત ગતિથી કાર્ય કરે છે. એક સામાન્ય રકતચાપ (બ્લડપ્રેશર)ની સ્થિતિમાં હૃદયને લોહીને પંપ કરવામાં કોઈ મુશ્કેલી નથી પડતી. જ્યારે આનાથી વિપરીત જો બ્લડપ્રેશર વધી જાય છે તો એવી સ્થિતિમાં હૃદય પર એક અલગ દબાણ આવવાનું શરૂ થઈ જાય છે. આના લીધે હૃદયને વધુ ઝડપથી કાર્ય કરવાની જરૂરત પડે છે. આ સ્થિતિ હૃદય માટે ખતરનાક છે, જે હૃદયરોગના હુમલા (હાર્ટએટેક)ને સર્જી શકે છે.

હાઇ બ્લડ પ્રેશર કે હાઇપર ટેન્શન એક એવો રોગ છે કે જેના કારણે નસોમાં લોહીનું ભ્રમણ વધી જાય છે. આપણા શરીરમાં લોહીનું ભ્રમણ એક નિશ્ચિત ગતિથી થાય છે. જો હેલ્થગાઇડ લાઇન્સ કે સ્વાસ્થ્ય નિર્દેશોની વાત કરીએ તો શરીરમાં લોહીનું દબાણ ૧૨૦/૮૦ mmHgનું દબાણ કે ભ્રમણ આ નિશ્ચિત સીમાને પાર કરી જાય છે, તો આવામાં શરીરમાં હાઇ બ્લડ પ્રેશરની સ્થિતિ ઊભી થઈ જાય છે.
હાઇ બ્લડ પ્રેશર કે ઉચ્ચ રકતચાપ માત્ર નસો માટે ખતરનાક છે એટલું જ નહીં બલ્કે આ શરીરના સૌથી મહત્ત્વપૂર્ણ અંગો જેમકે હૃદય અને દિમાગને પણ હાનિ પહોંચાડી શકે છે. બ્લડપ્રેશરની બે સ્થિતિઓ હોય છે. ઉચ્ચ રકતચાપ કે હાઇ બ્લડ પ્રેશર અને નિમ્ન રકતચાપ કે લૉ બ્લડ પ્રેશર. જ્યારે લોહીનું દબાણ સૌથી વધારે બિંદુ પર હોય છે તો તેને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. બરાબર એવી જ રીતે જ્યારે લોહીનું દબાણ કે રક્તચાપ સૌથી નીચા બિંદુ પર હોય છે તો તેને સૌથી નીચું બ્લડ પ્રેશર કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે.

હાઇપરટેન્શન બે પ્રકારના હોય છે.
૧. પ્રાયમરી હાઇપરટેન્શન : પ્રાયમરી હાઇપર ટેન્શન એ સ્થિતિ છે જે કોઈ બીમારીના લીધે નથી સર્જાતી. કેટલીક વખત લોકોને વધતી વયની સાથે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાતી હોય છે. આ સ્થિતિમાં લોકો દવાઓથી પોતાના બ્લડપ્રેશરને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે.
ર. સેકન્ડરી હાઇપરટેન્શન : સેકન્ડરી હાઇપરટેન્શન એ સ્થિતિ છે કે જે કોઈ બીમારી કે તેના ઇલાજ માટે લેવામાં આવતી દવાઓના લીધે સર્જાય છે. સેકન્ડરી હાઇપરટેન્શન ઓછી વયમાં પણ થઈ શકે છે. આની જ સાથે માનસિક સ્થિતિ સારી ન હોવાના લીધે પણ ઘણું વધી જાય છે.
રિસર્ચ અનુસાર લોકોમાં પ્રાઇમરી હાઇપરટેન્શનની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે, જે લગભગ ૯૦ થી ૯પ ટકા હોય છે. ત્યાં જ જો વાત કરીએ સેકન્ડરી હાઇપર ટેન્શનની સ્થિતિની તો લગભગ પ થી ૧૦ ટકા લોકો આ સમસ્યાનો સામનો કરતા જોવા મળે છે.

મોટાભાગના લોકોમાં વય વધવાની સાથે સાથે હાઇ બ્લડપ્રેશરની સમસ્યા પણ વધે છે. આની સાથે જ હાઇ બ્લડપ્રેશર કે હાઇપરટેન્શન માટે કેટલીક અન્ય બાબતો પણ જવાબદાર હોય છે. અંતે એવા કયા કારણો છે કે જેમનાથી હાઇ બ્લડપ્રેશરની સમસ્યા સર્જાય છે. (૧) મેદસ્વિતા (ર) ધૂમ્રપાન (૩) દારૂનું સેવન (૪) અસંતુલિત આહાર (પ) ઊંઘની કમી (૬) તનાવ કે ડિપ્રેશન (૭) શારીરિક પ્રવૃત્તિમાં કમી વિ. ઉચ્ચ બ્લડપ્રેશરના મુખ્ય કારણો છે. આ બધા કારણો હાઇ બ્લડપ્રેશરની સમસ્યાને સર્જી શકે છે.

હાઇપર ટેન્શન કે હાઇ બ્લડપ્રેશર એક એવી સમસ્યા છે કે જે કેટલીય વખત લોકોમાં દેખાતી નથી. એવા ઘણા મામલા જોવામાં આવ્યા છે જેમાં હાઇ બ્લડપ્રેશરની સમસ્યા ત્યારે જાણમાં આવે છે કે જ્યારે એ ખૂબ જ ખતરનાક સ્થિતિએ પહોંચી ચૂકી હોય છે, એટલે કે જ્યારે તે સિસ્ટોલિક સ્થિતિમાં પહોંચી ચૂકી હોય. મોટાભાગના લોકોને આ બીમારીની જાણ નથી થતી, કેમકે આના લક્ષણ વ્હેલા કે શરૂઆતના તબક્કામાં દેખાતા નથી. હાઇપરટેન્શનના લક્ષણોને ઓળખવાનું થોડું મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ આમ છતાં કેટલાક એવા સંકેતો છે જેમના દ્વારા હાઇ બ્લડપ્રેશરની સમસ્યાને જોઈ કે જાણી શકાય છે. મોટાભાગે માથું દુઃખવું, છાતીમાં દુઃખાવો કે દબાણ, સાફ સાફ કે સ્પષ્ટ ન દેખાવું, બેચેની કે ગભરામણ થવી, શ્વાસ ચઢવો, શરીરનું તાપમાન વધી જવું, ક્યારેક ક્યારેક પેશાબમાં લોહી આવવું, થાક લાગવો, ભ્રમ કે ઇલ્યુઝન (Illusion)ની સ્થિતિ સર્જાવી હાઇપરટેન્શનના મુખ્ય લક્ષણો છે. હાઇપરટેન્શનથી આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચે છે.

(૧) હાઇપરટેન્શનના લીધે હૃદયની ધમનીઓના નષ્ટ થવાનો ખતરો રહે છે.
(ર) હાઇપરટેન્શન કે હાઇ બ્લડપ્રેશરના કારણે ધમનીઓ તથા નસોમાં લોહીનું ભ્રમણ ઝડપથી થવા લાગે છે જેનાથી તેમના ફાટવાની બીક લાગેલી રહે છે. આ ધમનીઓ તથા નસોને ટાઇટ પણ કરી શકે છે.
(૩) હાઇપરટેન્શનના કારણે હૃદયને વધુ કાર્ય કરવાનું દબાણ (લૉડ) પડે છે જેનાથી તેના ખરાબ થવા કે બગડવાનો ખતરો લાગેલો રહે છે.
(૪) આવી જ રીતે જ્યારે નસોમાં લોહીનું ભ્રમણ વધી જાય છે તો માથાની કોશિકાઓ અને પેશીઓના બગડવાની શક્યતા ઘણી વધી જાય છે.
(પ) હાઇ બ્લડપ્રેશરના લીધે મસ્તિષ્કને પૂરતું ઓક્સિજન તથા લોહી પહોંચી શકતા નથી. આ બ્રેઇન ડેડ કે મસ્તિષ્કને હાનિ પહોંચાડી શકે છે. હાઇપરટેન્શનના લીધે દિમાગમાં લોહી પહોંચવાનું ઘણું ઓછું થઈ જાય છે.
ઇલાજ : જાણકારો મુજબ હાઇપરટેન્શન કે હાઇ બ્લડપ્રેશરના નિવારણ માટે કેટલાક સૂચનો છે જેમનું પાલન કરવું જરૂરી છે.
(૧) જે લોકોને હાઇપરટેન્શનની સમસ્યા છે તેમણે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
(ર) હાઇપરટેન્શનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ સૂચનોનું પાલન કરો.
(૩) જે દવાઓ લેવાનું ડૉક્ટરે કહ્યું છે તે સમયસર લો.
(૪) સમયાંતરે પોતાના બ્લડપ્રેશરને માપતા પણ રહો.
(પ) જો તમારો કોઈ પણ પ્રકારનો કોઈ બીજો ઇલાજ ચાલી રહ્યો છે તો એવામાં કોઈ પણ વસ્તુ કે દવાનું સેવન કરતા પહેલાં પોતાના ડૉક્ટરને પૂરી વાત અવશ્ય બતાવો.
(૬) ડૉક્ટર હાઇપરટેન્શનની સમસ્યાને ખતમ કરવા માટે દવાઓ આપે છે. જો દવાઓથી રાહત નથી થઈ રહી, અથવા સમસ્યાનું નિવારણ નથી થઈ રહ્યું તો એવામાં ડૉક્ટર તમને બીજી સલાહ પણ આપી શકે છે.

આ ઉપરાંત આપણે પોતે કેટલાક ઉપાયોને અપનાવીને હાઇપરટેન્શનથી પોતાનો બચાવ કરી શકીએ છીએ.
જીવનશૈલીઃ આપણી જીવનશૈલીને નિયમિત બનાવ્યે રાખો. પોતાના જીવનમાં અનુશાસનનું પાલન કરો. દરેક વસ્તુ તેના સમય પર કરો, કે જેથી તમને માનસિક તાણમાંથી પસાર થવું ન પડે.
કસરતઃ શરીરને ફિટ રાખવો ખૂબ જ જરૂરી છે. દરરોજ કસરત કરવાથી ફક્ત શરીરમાં જ ઉર્જાનો સંચાર થાય છે એટલું જ નહીં, બલ્કે બિનજરૂરી ચરબી (ફેટ) પણ શરીરમાંથી ઘટે છે. આ શરીરને માત્ર સુડોળ રાખવામાં જ મદદ કરે છે એવું નથી, બલ્કે કસરતથી બ્લડપ્રેશરનું સ્તર (લેવલ) પણ નિયમિત જળવાઈ રહે છે.
સંતુલિત આહારઃ નમક કે મીઠું ભોજનનો સ્વાદ વધારવામાં ખૂબ જ જરૂરી છે. પરંતુ આપણે નમક/મીઠાની એક નિશ્ચિત માત્રા જ પોતાના આહારમાં લેવી જોઈએ. જો નમકની વધુ માત્રાનું સેવન કરવામાં આવે તો એવામાં બ્લડપ્રેશરની સમસ્યા સર્જાઈ શકે છે. આમ પણ જે લોકો હાઇપરટેન્શનનો સામનો કરી રહ્યા છે તેમને નમકનું સેવન કરવાથી મના કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકોને હાઇપરટેન્શન નથી તેમણે પણ નમકનો ઉપયોગ સમજી-વિચારીને કરવો જોઈએ. પોતાના આહારમાં શાકભાજી, ફળ, માંસ અને દૂધને સામેલ કરવા એ પણ એક સારો ઉપાય છે.
માનસિક તાણ ઓછી કરોઃ આજકાલના તાણથી ભરપૂર જીવનમાં બ્લડપ્રેશરનું બરાબર ન હોવું એક સામાન્ય સમસ્યા બની ગયેલ છે. આવામાં માનસિક તાણથી બચવા માટે આપણે કેટલીક એવી વસ્તુઓ કરવાની આવશ્યકતા હોય છે કે જેનાથી આપણે તાણથી બચી શકીએ.
વિભિન્ન સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પણ આપણે પોતાના દિમાગને પ્રસન્ન રાખી શકીએ છીએ.
પૂરતી ઊંઘઃ જાણકારો અનુસાર બ્લડપ્રેશરની સમસ્યાથી બચવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ આવશ્યક છે. એવા કેટલાય બનાવો સામે આવ્યા છે કે જ્યાં જાેવા મળ્યું છે કે જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમને બ્લડપ્રેશરની સમસ્યા થઈ જાય છે. આથી પોતાની ઊંઘના કલાકોમાં સમાધાન સ્હેજ પણ ન કરો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે