પોરબંદર

માધવપુર ગામે દરિયા કિનારા વિસ્તાર પર દબાણ દૂર કરવા તંત્ર દ્વારા ઝૂપડપટ્ટી વિસ્તારમાં 21 જેટલા પરિવારને નોટિસો ફટકારવામાં આવી છે.જે અંગે સ્થાનિકોએ કોંગ્રેસ પ્રમુખને સાથે રાખી ગ્રામ્ય મામલતદાર ને રજૂઆત કરી હતી.

પોરબંદર જિલ્લાના માધવપુર ગામમાં દરિયા કિનારાના વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા 21 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી.ગ્રામ્ય મામલતદાર દ્વારા નોટીસથી જાણ કરવામાં આવી હતી કે,માધવપુર ના રે.સ.નં.4 જુના સ.નં.1071 પૈકી ની જમીન ચો.મી માં મકાન બનાવી બિનખેતી હેતુ દબાણ કરવામાં આવેલ છે.બિન અધિકૃત રીતે વગર મંજુરીએ કબ્જો કરતા મામલતદાર ની કોર્ટમાં કેસ રજીસ્ટરે લેવામાં આવેલ છે.આ કેસની સુનવણીની મુદત પોરબંદર મામલતદારની કોર્ટમાં ગઈકાલે રાખવામાં આવી હતી.

જેથી સ્થાનિકો એ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા સહિતના કાર્યકરોને સાથે રાખી જવાબ આપવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.નાથાભાઈ એ મામલતદાર ને જણાવ્યું હતું કે તંત્ર એ નોટીસ પાઠવી છે તે લોકો વર્ષોથી તે વિસ્તારમાં રહે છે.તંત્ર એ મોટા મગરમચ્છો કે જેઓ ખનીજ ચોરી કરે છે,ગેરકાયદેસર ખનન કરે છે,રેતી ચોરી થઈ રહી છે,ગેરકાયદેસર બાંધકામો કરે છે તેવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.આ ગરીબો છેલ્લા 30 વર્ષથી રહે છે. અને વેરો ભરે છે તેમજ વીજળીનું બિલ ભરે છે.જેથી ગરીબોને પરેશાન કરવા ન જોઈએ.અને કોઈપણ સંજોગોમાં ગરીબ લોકોના ઘર પાડવા દેવામાં નહી આવે તેવું જણાવ્યું હતું.

આ અંગે ગ્રામ્ય મામલતદાર સંદીપ જાદવે જણાવ્યું હતુંકે, માધવપુરના દરિયા કિનારા નજીક અગાઉ ચાર જેટલા દબાણો કે જે બંગલા ખડકી દેવાયા હતા તે દૂર કર્યા હતા.અને મંદિર સુધીના દબાણો દૂર કરવા નોટિસ આપી હતી.દબાણ અંગે ના કેસ ચાલી રહયા છે.કોઈ નું મકાન સીધું પાડવાનું નથી.જે વ્યક્તિ પાસે બીજો કોઈ આશ્રય નથી તેના પ્રત્યે સંવેદના પૂર્વક વિચારણા કરી ગ્રામપંચાયતને ઘર વિહોણા લોકોને પ્લોટ ફાળવવા જણાવવામાં આવશે.તેવું પણ જણાવ્યું હતું.જો કે એક સમયે કોંગ્રેસ પ્રમુખ અને મામલતદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

જુઓ આ વિડીયો