Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

આજે વર્લ્ડ વેટલેન્ડ ડે:જાણો પોરબંદર જીલ્લા ના વિવિધ વેટલેન્ડ વિષે થયેલ સંશોધન અંગે રસપ્રદ માહિતી

આજે બીજી ફેબ્રુઆરી વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ તરીકે ઉજવાય છે ત્યારે પોરબંદરના યુવાને આ અઘરા વિષય પર પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે અને ઉંડાણથી સંશોધન કર્યુ છે.તો ચાલો જાણીએ પોરબંદર જીલ્લા ના વિવિધ વેટલેન્ડ અંગે થયેલ સંશોધન અંગે ની રસપ્રદ માહિતી.

પોરબંદરના જલપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ)નું આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વ સાબિત કરતી પી.એચ.ડી. થીસીસ પ્રસિધ્ધ, પી.એચ.ડી, આધારિત સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ રીસર્ચ જર્નલમાં પ્રકાશિત થયા છે. તેવા મોકરસાગર કમીટીના પ્રમુખ ડૉ. ધવલ વારીયાએ પોરબદરના વેટલેન્ડ પર પી.એચ.ડી. પૂર્ણ કર્યુ છે. સતત સાત વર્ષ સુધી વિવિધ વેટલેન્ડમાં પક્ષી ગણતરી કરી તથા વનવિભાગ, ગાંધીનગરની મંજૂરીથી પક્ષીઓમાં તથા માછલીઓમાં જંતુનાશક દવાઓ તથા હેવી મેટલની હાજરી તપાસી હતી. પોરબંદરના વેટલેન્ડને બચાવવા માટે આ સંશોધન ખૂબ મહત્વનું છે એવું તજજ્ઞોનું કહેવું છે.

વેટલેન્ડ એટલે શું?

ડો. ધવલ વારગીયાએ વેટલેન્ડ વિષેની વધુ ઉંડાણથી માહિતી આપતા જણાવ્યું હતું કે વેટલેન્ડ એટલે પાણી દ્વારા આધારિત એવો વિસ્તાર કે જે કુદરતી અથવા માનવસર્જીત હોય, જયા બારેમાસ પાણી રહેતું હોય અથવા કોઇ એક ઋતુ માટે રહેતું હોય, જ્યાં પાણી સ્થિર હોય અથવા વહેતુ હોય, જયાં પાણી મીઠું હોય અથવા ખારું કે ભાંભરું હોય કે જે ઓટ દરમિયાન છ મીટરથી ઓછી ઉંડાઈ ધરાવતા હોય તેવા વિસ્તાર.

દેશભરના વેટલેન્ડનો વિસ્તાર

ગુજરાતના વેટલેન્ડઃ ભારતમાં વેટલેન્ડ અંદાજીત ૧,૫૦,૦૦૦ ચો.કિ.મી.થી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે. જેમાંથી અંદાજીત ૩૫૦૦૦ ચો.કિ.મી. ગુજરાતમાં આવેલ છે. પોરબંદર જિલ્લામાં અંદાજીત ૨૨૦૦ ચો.કી.મી.નો વેટલેન્ડ વિસ્તાર છે. જે જિલ્લાના ભૌગોલિક વિસ્તારનો ૧૦% છે. પોરબંદરમાં નાના મોટા કુલ ૨૨૬ વિવિધ વેટલેન્ડ આવેલા છે, જેમાંથી ૨૭% ભુમીગત અને ૭૩% દરિયાઇ વિસ્તાર છે.

પી.એચ,ડી.અંતર્ગત પોરબંદરના વેટલેન્ડ પર સંશોધન

મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટીના પ્રમુખ ડો. ધવલ વારીયાએ સતત સાત વર્ષ (૨૦૧૫ થી ૨૦૨૧) સુધી મિત્રો અને સ્વયંસેવકો સાથે મળીને પોરબંદરના ૨૩ વેટલેન્ડમાં પક્ષી ગણતરી હાથ ધરી હતી. આ અભ્યાસમાં અમીપુર, બરડાસાગર, ભાદરબારા, છત્રાવા, છાયા, ફોદારા, ગરેજ, જાવર, જન્નત બીચ, સુભાષનગર, કાલીન્દ્રી, ખંભાળા, કુછડી, લાંબા, મેંઢાક્રીક, મોકરસાગર, નવીબંદર, ઓડદર, દરિયાકાંઠો, પક્ષી અભ્યારણ્ય, રાણાસર, સોરઠી, વીસાવાડા જેવા વેટલેન્ડનો સમાવેશ થાય છે.

પક્ષીઓની પ્રજાતિ અને તેની ગણતરી

વર્ષ ૨૦૧૫માં ૧૦૩ પક્ષીની પ્રજાતિમાં કુલ ૨૦૮૧૫૦ પક્ષીઓ નોંધાયા હતા., ૨૦૧૬માં ૧૧૮ પ્રજાતિઓના કુલ ૪,૬,૬૨૦ પક્ષી નોંધાચા, ૨૦૧૭માં ૧૦૪ પક્ષીઓની પ્રજાતિના ૨,૧૨,૧૦૯ પક્ષીઓ નોંધાયા, ૨૦૧૮માં ૧૧૧ પ્રજાતિઓના ૨,૨૯,૯૬૮ પક્ષીઓ નોંધાયા.,૨૦૧૯માં ૧૨૬ પ્રજાતિઓના ૪૦૦૦૧૮ પક્ષીઓ નોંધાયા, ૨૦૨૦માં ૧૩૪ પ્રજાતિઓના ૪,૩૨,૫૮૦ પંખીઓ નોંધાયા., ૨૦૨૧માં ૧૧૭ પ્રજાતિઓના ૪,૮૨,૮૦૬ પક્ષીઓ નોંધાયા હતા.

અભ્યાસમાં લેવાયેલ વિવિધ વેટલેન્ડ પૈકી અમીપુર, બરડાસાગર, છાંયા, જાવર, કુછડી, મેંઢાક્રીક અને મોકરસાગરમાં ૨૦,૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયા હતા,, ૨૦,૦૦૦ પક્ષીઓની હાજરીએ કોઇ વેટલેન્ડનું આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ મહત્વ સાબીત કરવાનું અગત્યનું પાસુ છે અને રામસર, કી બાયોડાવર્સીટી એરીયા જાહેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પોરબંદરવાસીઓ માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે આ ૨૩ પૈકી ૧૭ વેટલેન્ડ એવા છે કે જે રામસર અને કી બાયોડાયવર્સીટી એરીયાના વિવિધ માપદંડો,ક્રાઇટેરીયામાં ધરાવે છે.

પક્ષીઓની ટકાવારી

કોઇપણ પક્ષીની જાહેર થયેલી ભૌગોલિક વસ્તીના ૧૧ વસ્તી જયાં નોંધાતી હોય તેવા વેટલેન્ડ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વ ધરાવે છે. પોરબંદરના કયા વેટલેન્ડમાં કેટલા પક્ષીઓની ૧% સંખ્યા નોંધાઇ છે તે અહીં દર્શાવ્યું છે. જુદા જુદાવેટલેન્ડમાં ૧% સંખ્યા નોંધાઇ હોય તેવા પક્ષીઓની કુલ પ્રજાતિઓની ગણતરી કરતા તેમણે જણાવ્યું હતું કે મોકરસાગર ૩૨, જાવર ૧૧, મેંઢાક્રીકમાં ૧૧, બરડાસાગરમાં ૬, અમીપુરમાં ૫,સુભાષનગરમાં પ,કુછડીમાં ૫, ભાદરબારા- છાયા- કોદારા-લાંબા- નવી બંદર-રાણાવાવ અને વીસાવાડામાં ૧% પ્રજાતિઓ છે.

ગુજરાતના પક્ષી નિરીક્ષકો કામગીરીમાં જોડાયા

સતત સાત વર્ષ સુધી દર વર્ષે કરવામાં આવેલી પક્ષી ગણતરીમાં ગુજરાતના ઘણા પક્ષી નીરિક્ષકો જેમકે આદિત્યા ગજ્જર, અશરફ અલી, ભાસ્કર થાનકી, ચિરાગ સોલંકી, ચિરાગ ટાંક, દીપક પટેલ, ડો. હર્ષા હીંગળાજીયા, ડો. વિરાગ વ્યાસ, ડો. કમલેશ મહેતા, આઇ.જી. રાજેશ મકવાણા, ઇલા વોરા, જયદીપ કાટબામણા, જયપાલસિંહ જાડેજા, કમલેશ કોટેચા, કરણ કારાબદરા, કૌશિક ગૌસ્વામી, કિશોર ઓડેદરા, કુલદીપ જોશી, મહેન્દ્ર મોદી, સ્વ. નરેન્દ્ર મોઢા, નયન થાનકી, નિસર્ગ ચૌધરી, નીતીન મકવાણા, પરેશ પિત્રોડા, શ્રેય સાદરાણી, સુનીલ ઝુંગીવાલા, વિક્રાંતસિંહ ઝાલા, અને વિવેક ભટ્ટ જોડાયેલા હતા. મોકરસાગર કમીટી સૌનો આભાર માને છે.

પક્ષી ગણતરીનો નિચોડ

૨૩માંથી સાત વેટલેન્ડમાં ૨૦,૦૦૦થી વધુ તથા બે વેટલેન્ડમાં એક લાખથી વધુ (મોકરસાગર તથા મેંઢાક્રિક)નોંધાયા. મોકરસાગર વેટલેન્ડમાં એક લાખથી વધુ પક્ષીઓ સાત વર્ષમાં પાંચ વાર નોંધાયા જે ખૂબ મહત્વનું છે. સૌથી વધુ પક્ષીઓ ૪,૯૬,૬૨૦ વર્ષ ૨૦૧૬માં નોંધાયા (સંખ્યા) સૌથી વધુ પક્ષી વિવિધતા વર્ષ ૨૦૨૦માં નોંધાઇ-૧૩૪ પ્રજાતિઓ, પક્ષીઓની ૧ % ભૌગોલિક સંખ્યા ૩૬ પ્રજાતિના પક્ષીઓ ૧%થી વધુ ભૌગોલિક સંખ્યામાં ૧૪ વિવિધ વેટલેન્ડમાં જોવા મળ્યા.આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંગતર્ગત પક્ષીઓ હોઇ તેવી પાંચ પ્રજાતિઓ તથા સંકતગ્રત થવાની હોય તેવી ૧૧ પ્રજાતિઓ પોરબંદરના વેટલેન્ડમાં નોંધાયા.

૧૨ વેટલેન્ડ કુદરતી સંકટમાં

૨૩માંથી ૧૨ વેટલેન્ડ એકથી વધુ માનવસર્જીત, કુદરતી સંકટમાં છે તેમ જણાવીને ઉમેર્યુ કે વનવિભાગની પૂર્વ મંજૂરી લીધા બાદ પક્ષીઓના લીવરમાં જંતુનાશક દવા(પેસ્ટીસાઈડ)ની હાજરી તપાસવામાં આવી હતી. ઉત્તરાયણ દરમ્યાન જે પક્ષીઓ ઘાયલ થયા હતા અને સારવાર આપવા છતાં મૃત્યુ પામ્યા હોય તેવા પક્ષીઓનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો હતો. લીકવીડ ક્રોમેટોગ્રાફી, માસ સોકટ્રોસ્કોપી જેવી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી પક્ષીઓના લીવરમાં ૨૩૦ વિવિધ જંતુનાશક દવાઓની હાજરી તપાસવામાં આવી હતી, જેનું પરિણામ આ પ્રમાણે છે. મોટાબગલામાં પેસ્ટીસાઇડ ઇન્ડોકસાકાર્બનું પ્રમાણ ૦.૦૧૨ પી.પી.એમ. અને ઓકસાડાઇઝોન ૦ હતું. કાણી બગલીમાં પેસ્ટીસાઇડ ઇન્ડોકસાકાર્બ ૦.૦૧૫ પી,પી.એમ અને ઓકસાડાચાઝોનનું પ્રમાણ ૦.૨૩૩ પી.પી.એમ. હતું.ઇન્ડોકસાકાર્બ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. ઑકસાડાઇઝોન એક હીંસાઇડ છે જે નીંદણનો નાશ કરવા વપરાય છે,પક્ષીઓ ઉપરાંત વેટલેન્ડની માછલીઓ જે મચ્છીમાર્કેટમાં વેચાય પણ છે, તેની છ પ્રજાતિઓમાંથી ઇન્ડોકસાકાર્બ, ઇમીડાકલોપ્રીડ, ઓકસાડાઇઝોન, એમેટોટ્રેકીન આ ચાર જંતુનાશકો મળી આવ્યા હતા.

પાણીના પક્ષીઓના પીંછામાં હેવી મેટલની હાજરી

ઉત્તરાયણમાં ઘાયલ થયેલા મૃત પક્ષીઓના પીંછામાં હેવી મેટલની હાજરી તપાસવામાં આવી હતી. આ દરમિયાન બાર પક્ષી. પ્રજાતિઓમાં ઝીંક, આયન, લીડ, કોપર તથા ક્રોમીયમની હાજરી જાણવા મળેલ છે. વાડીપ્લોટમાંથી રેસ્કયુ કરેલ કાળી કાંકણસારમાં લોહતત્વ સૌથી વધુ મળેલ. (૧૯૩૭.૬૪ પી.પી.એમ.) સૌથી વધુ લીડ (જસત) સુભાષનગરમાંથી રેસ્કયુ કરેલ. નાના શ્યામશીર ધોમડામાં મળેલ. સૌથી વધુ તાંબુ, નાના હજમા, તથા સૌથી વધુ ક્રોમીયમ કાણી બગલીમાં જોવા મળ્યું હતું.

યુવાનની સિધ્ધિને બિરદાવાઈ

ડો. ધવલ વારગીચાની આ સાત વર્ષની સફર ખૂબ સફળ રહી છે. આ દરમીયાન તેમના સંશોધન ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં પ્રકાશિત થયેલી છે. તથા તેમને બે એવોર્ડ પણ મળેલ છે. ડો. ધવલ વારગીયા પોતાના પી.એચ.ડી. ગાઇડ ડો. દેવાંગ પંડયા તથા ડો. ભરત જેઠવાના ખૂબ આભારી છે તથા આર. કે. યુનિવર્સીટીના પી.એચ.ડી. ભવન તથા નિયામકોનો પણ ખૂબ આભાર વ્યકત કરે છે, આ સમગ્ર સફર દરમીયાન પરિવારજનો તથા મોકરસાગર કમીટીના સભ્યોનો પણ અમુલ્ય ફાળો રહ્યો છે. ત્યારે આ યુવાનની સિધ્ધિને પોરબંદરવાસીઓએ બિરદાવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે