દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પર પોરબંદર ના ઓડદર નજીક બાયપાસ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા સૂરતના મહિલા તબીબ અને તેના નણંદ નું મોત થયું છે. જયારે પરિવારના ૩ લોકો ને ઇજા થઇ હતી.
સૂરત માં રહેતા બ્રિજેશભાઈ ભુપતભાઈ માંગુકિયા(ઉવ ૨૪) એ પોરબંદર ના હાર્બર મરીન પોલીસ મથક માં જાહેર કરેલી વિગત મુજબ તેઓ પરિવાર ના સભ્યો સાથે કાર માં દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા. અને ત્યાંથી શુક્રવારે રાત્રે કેશોદ ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા. ત્યારે પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર નેશનલ હાઇવે પર આવેલ ઓડદર બાયપાસ રોડ પાસે અચાનક જ શ્વાન આડું ઉતરતા આ શ્વાન ને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેથી કાર માં રહેલા તેમના બહેન પૂજા (ઉ.વ.૨૨) અને પત્ની ડો. રશ્મીબેન (ઉવ ૨૪)નું સ્થળ પર જ મોત થયું હતું.
રાત્રે સાડા બારેક વાગ્યે બનેલા આ બનાવ માં બ્રિજેશ ઉપરાંત ફેનિલ ભૂપતભાઈ માંગુકીયા (ઉ.વ. ૨૧) અને જુલી શૈલેષભાઈ માંગુકીયા (ઉ.વ.૨૩) ને ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે ડો . રશ્મીબેન અને તેના નણંદ પૂજાબેન ના મૃતદેહ ના પીએમ અંગે કાર્યવાહી હાથ ધરાઈ હતી.બનાવ ના પગલે અરેરાટી વ્યાપી છે.
