રાણાવાવ ગામે પરણીતાને શારીરિક માનસિકત્રાસ આપી મરવા મજબુર કરનાર સાસુ, સસરાના જામીન મળવાની અરજી પોરબંદર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા ફગાવાઇ છે. જેમાં સાસરીયા દ્વારા પુત્રવધુને શારીરિક માનસિકત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરેલ હોય પરણીત સ્ત્રીઓ પર થતા અત્યાચાર અટકાવવા જામીન આપવા જોઇએ નહીં. તેવી સરકારી વકીલની દલીલો માન્ય રાખવામાં આવી છે.
આ બનાવની ટુંકી હકીકત એવી છે કે, ભાણવડ મુકામે રહેતા શારદાબેન રમણીકભાઇ ગોહેલએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ આપેલ કે તેઓની દીકરી ખુશ્બના લગ્ન રાણાવાવ મુકામે રહેતા મુકેશ રામજીભાઇ ચૌહાણ સાથે કરેલા હતા. અને લગ્ન બાદ તેનો પતિ મુકેશ, સાસુ રેખાબેન રામજીભાઇ તથા સસરા રામજીભાઇ દામજીભાઇ ચૌહાણ મળી ઘરકામ કરવા બાબતે તેમજ શંકા-કુશંકાઓ કરી શારીરીક-માનસિક દુઃખત્રાસ આપી મેણાટોણા મારતા હોય.ત્રણેયનો દુઃખ ત્રાસ સહન ન થતા તેઓની દીકરી ખુશ્બુ એસીડ પી આત્માહત્યા કરેલ હોય. આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા વિગેરે મતલબની રાણાવાવ પોલીસ સમક્ષ ફરીયાદની હકીકત જાહેર કરતા રાણાવાવ પોલીસે આરોપીઓ પતિ મુકેશ રામજીભાઇ ચૌહાણ, સાસુ રેખાબેન રામજીભાઇ ચૌહાણ, સસરા રામજીભાઇ દામજીભાઇ ચૌહાણ રહે. તમામ રાણાવાવવાળા વિરૂધ્ધ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા તમામ જેલ હવાલે કરવામાં આવેલ.
સદર ગુન્હાના આરોપસર જેલમાં રહેલ સાસુ રેખાબેન રામજીભાઇ ચૌહાણ તથા સસરા રામજીભાઈ દામજીભાઇ ચૌહાણ પોતે નિર્દોષ હોવાનું જણાવી જામીન મુકત થવા અરજી કરતા જામીન અરજીનો સરકાર તરફે એડીશ્નલ પબ્લીક પ્રોશીકયુટર અનિલ લીલાએ વિરોધ કરી જણાવેલ કે મરણ જનાર પુત્રવધુ ને શારીરીક,માનસીક દુઃખત્રાસ આપી મજબુર કરતા એસીડ પીધેલ હોય. અને મોબાઇલ દ્વારા માવતરને શારીરીક, માનસીક ત્રાસને કારણે આત્મહત્યા કરે છે તેવું જણાવેલ હોય તપાસ ચાલુ હોય જમીન રદ્દ કરવા જણાવતા સરકારી વકીલ અનિલ લીલાની દલીલો તથા રાણાવાવ પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ તપાસના કાગળો ઘ્યાને લઇ આરોપીઓની જામીન પર મુકત થવાની અરજી પોરબંદરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર. ટી. પંચાલની કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ છે.