પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજનું રાણાવાવની સરકારી કોલેજ સાથે જોડાણ કરવામાં આવ્યું છે.
દશકાઓથી પોરબંદર તેમજ સૌરાષ્ટ્રમાં શિક્ષણ સાથે સંસ્કારની જ્યોત જગાવતી એવી પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા મેમોરેન્ડા ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અંતર્ગત કોલેજના પ્રાચાર્ય ડૉ. અનુપમભાઈ નાગર અને ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ રાણાવાવના પ્રાચાર્ય ડો. કમલેશભાઈ બુધભટ્ટીએ હસ્તાક્ષર કરી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ રાણાવાવ સાથે જોડાણ કર્યું.
રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ એટલે કે નેક સંસ્થા રાષ્ટ્રના ઉચ્ચતર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીઓમાં મૂલ્ય પ્રણાલી કેળવી, તેઓમાં રહેલી વૈશ્વિક ક્ષમતાઓને પ્રોત્સાહન આપી અને રાષ્ટ્રના વિકાસમાં મદદ કરતી સંસ્થા છે. જેમાં દરેક કોલેજોએ પ્રતિભાગી થવું આવશ્યક છે. તો તે અંતર્ગત નેકના ત્રીજા ક્રાઇટએરિયા એટલે કે રિસર્ચ ઇનોવેશન અને એક્સટેન્શન હેઠળ કોલેજો દ્વારા અવનવી સંસ્થાઓ સાથે મેમોરેન્ડા ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થકી જોડાણ કરી ફેકલ્ટી એક્સચેન્જ, સ્ટુડન્ટ એક્સચેન્જ વગેરે જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય થાય છે.
આ સંદર્ભમાં પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે પણ ઘણી વિખ્યાત સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરેલા છે ત્યારે, તાજેતરમાં જ પોરબંદર પંથકની ગવર્મેન્ટ આર્ટસ કોલેજ રાણાવાવ સાથે એમ.ઓ.યુ. ના કરાર કર્યા. જેનો હેતુ અવનવા સેમિનાર, વર્કશોપ જેવા સ્ટુડન્ટ એક્સચેન્જ અને એક્સપર્ટ લેક્ચર્સ જેવા ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ થકી વિદ્યાર્થીઓને બન્ને સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહિત કરી, વૈશ્વિક સ્પર્ધામાં અડીખમ ઉભા રહી પોતાની ઓળખ સ્થાપે તેવી પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શન મળે તેવો છે. આ સાથે બંને કોલેજોના પ્રાચાર્યોએ હાથ મિલાવી વિદ્યાર્થીનીઓની પ્રગતિ થાય તેવી અભ્યર્થના સાથે શુભેચ્છાઓ પાઠવેલી.