પોરબંદરની દરિયાઈ પટ્ટી ઉપર છેલ્લા દોઢ માસ દરમ્યાન ખાણ ખનીજ વિભાગ દ્વારા ઠેરઠેર દરોડા પાડીને દોઢ કરોડ નો મુદામાલ સીઝ કર્યો છે તથા અનેક લીઝ ધારકો ને નોટીસ પણ પાઠવી છે
પોરબંદર જીલ્લા ની મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર અવારનવાર ખનીજચોરી ઝડપાય છે. ત્યારે છેલ્લા દોઢ માસ દરમ્યાન ખાણ ખનીજ વિભાગે ઠેર ઠેર દરોડા પાડ્યા છે. જેમાં પાતા ગામ ખાતે એક હિટાચી મશીન દ્વારા લાઈમ સ્ટોન ખનિજનું બિન અધિકૃત ખનન અન્વયે મશીનને સીઝ કરાયું છે, રોડ ચેકીંગ દરમ્યાન રાતડી ગામ પાસે એક ટ્રક રોયલ્ટી પાસ વગર બિલ્ડિંગ લાઈમ સ્ટોન ખનિજનું બિન અધિકૃત વહન કરતા સીઝ કરી કલેક્ટર ઓફિસે રાખવામાં આવ્યો છે. તેમજ ૨ ટ્રક ત્રણ માઈલ પાસે રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત બિલ્ડિંગ લાઈમ સ્ટોન ખનીજના વહન સબબ સીઝ કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા છે.
રાતડી ગામ ખાતે રોડ ચેકીંગ દરમ્યાન ૧ ટ્રક બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું ઓવરલોડ વહન કરતા સીઝ કરી મિયાણી પોલીસ સ્ટેશનમાં રાખવામાંઆવ્યો છે રોડ ચેકીંગ દરમ્યાન કુતિયાણા ગામ પાસે એક ડમ્પર બ્લેકટ્રેપ ખનિંજના ઓવરલોડ વહન સબબ સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે તેમજ ચૌટા વાક એક રેતી ભરેલા ટ્રકને સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે ભરવાડા ગામ પાસે બ્લેકટ્રેપ ખનીજના ઓવરલોડ વહન સબબ ટ્રક સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે જયારે ખીરસરા ગામ ખાતે તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન સબબ ટ્રક સીઝ કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે
લીઝ ધારકો ને કારણદર્શક નોટીસો પાઠવાઈ
ઓડદર ગામ ખાતે મામલતદાર અને ખાણખનીજ ટીમ દ્વારા લીઝ નિરીક્ષણ કર્યું હતું જેમાં ગેરરીતિ જણાતા કારણદર્શક નોટિસ પાઠવી છે રાતડી ગામ ખાતે એસ.ઓ.જી. તથા ખાણખનીજ કચેરીની ટીમ સાથે બે લિઝમાં લીઝ નિરીક્ષણ હાથ ધરવામાં આવતા ગેરરીતિ જણાતા લીઝધારકોને કારણદર્શક નોટિસ પાઠવી છે. હામદપરા ગામ ખાતે ખાણખનીજ ટીમ તથા એસ. ઓ.જી. ની ટીમ સાથે સંયુક્ત તપાસ હાથ ધરતા એક હિટાચી મશીન દ્વાર લાઈમસ્ટોન ખનિજનું બિન અધિકૃત ખનન થતું જોવા મળતા મશીનરી સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે તથા માપણી કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
મોકર ગામ ખાતે તપાસ દરમ્યાન એક હિટાચી તથા એક ડમ્પર દ્વારા સાદી માટીનું બિન અધિકૃત ખનન વહન થતું જોવા મળતા મશીનરી અને વાહનને સીઝ કરી રાણાવાવ પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા છે તથા માપણી કરી નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે માધવપુર ગામે લીઝ માં ગેરરીતિ જણાતા બિન અધિકૃત ખનન માં ઉપયોગ માં આવેલ ચકરડી મશીન તથા એક પથ્થર કટિંગ મશીનને સીઝ કરી માધવપુર પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યું છે તેમજ લીઝ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે.