પોરબંદરમાં વૈવાહિક વિવાદોના નિકાલ માટે પ્રીલીટીગેશન લોકઅદાલત શરૂ થશે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંળના પેટ્રોન ઇન ચીફ સુનીતા અગ્રવાલ દ્વારા આગામી સમય સમગ્ર ગુજરાત રાજ્યમાં વૈવાહિક વિવાદોના ત્વરીત, ખર્ચ રહિત નિવારણ માટે પ્રિ-લીટીગેશન લોક અદાલતની રાજ્યના જિલ્લા મથકે શરૂઆત કરવામાં આવનાર છે જે મુજબ પોરબંદર જિલ્લાના ડી.એલ.એસ.એ.ના ચેરમેન પી.સી.જોષીના માર્ગદર્શન હેઠળ આ પ્રિ- લીટીગેશન લોક અદાલતની શરૂઆત કરવામાં આવનાર છે.
આજના ઝડપી યુગમાં સંબંધો જેટલા ઝડપથી બંધાય છે એટલા ઝડપથી તૂટે પણ છે. માણસમાં કાં તો પહેલા જેવી ધીરજ રહી નથી અને કાં તો સહનશક્તિ ખૂટી ગઇ છે. દંપતીને નજીવી તકરારોમાં તકલીફ પડે તો એકબીજાથી છૂટા થઇ જવાની ઉતાવળ હોય છે. આવા સમયમાં દંપતિને યોગ્ય રીતે કાયદાકીય રીતે ન્યાયાધીશ તથા ટ્રેઇન્ડ મીડીયેટર દ્વારા સમજવામાં આવે તો તુટવાના આરે આવી ગયેલ સંબંધો પણ ફરીથી સુમધુર બની રહે છે.આવા જ ઉદેશ્યથી કૌટુંબીક વૈવાહિક તકરારોના નિવારણ માટે ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ (ગુજરાત હાઇકોર્ટ) દ્વારા રાજયમાં કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની સ્થાપનાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
જેમાં પોરબંદર ખાતે સાન્દીપનિ રોડ સેવા સદન-૨ની સામે મીડીએશન સેન્ટર, ગ્રાઉન્ડફલોર જિલ્લા અદાલત બિલ્ડીંગ ખાતે આ કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે. પ્રિ-લીટીગેશન લોક અદાલત દ્વારા પક્ષકારોને તકરાર અંગે કાનુની કાર્યવાહી કરતા પહેલા શાંતિપૂર્ણ અને અસરકારક નિરાકરણની સુવિધા આપવાનો પ્રયાસ કરે છે. જેમાં ગોપનીય અને તટસ્થ વાતાવરણમાં બંને પક્ષોને તેમની ચિંતાઓ વ્યકત કરવા અને પરસ્પર લાભદાયી ઉકેલો તરફ કામ કરવા માટે એક સુરક્ષીત જગ્યા પ્રદાન કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયા દરમીયાન ગોપનીયતા અને ગુપ્તતા જાળવવામાં આવે છે, અને કોઇપણ પક્ષની સંવેદનશીલ માહિતી જાહેરમાં જાહેર કરવા દબાણ કરવામાં આવતુ નથી. જેથી દંપતીની વૈવાહિક તકરાર આગળ વધે અને મોટુ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સમજાવટના માધ્યમથી વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં ભાગ લઇને પક્ષકારો લાંબી અને ખર્ચાળ અદાલતી કાર્યવાહી ટાળી શકે છે. ન્યાય મળે તે સુનિશ્ચિત કરતી વખતે કાર્યક્ષમ નિરાકરણને પ્રાથમિકતા આપવામાં આવશે.
કૌટુંબીક પ્રિ-લીટીગેશન લોક અદાલતની પરિવારોની સુખાકારી અને તમામ સભ્યો વચ્ચે અસરકારક સંવાદ અને સમજણને પ્રોત્સાહન આપવા પર છે. આ પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં પરિવારોને તેમના મતદારોને ઉકેલવા અને સકારાત્મક રીતે આગળ વધવા માટે સશક્તિકરણ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં એકવાર સમજૂતી થઇ જાય, તે કાનુની રીતે ઔપચારિક બને છે અને તેનું મહત્વ કાયદાકીય રીતે બંધનકારક રહે છે.જેથી વૈવાહિક વિવાદોને ત્વરીત અને અસરકારક રીતે ઉકેલવા માટે તાત્કાલીક પોરબંદરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલતનો સંપર્ક સાધવા સચિવ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.