પોરબંદર ના નવયુગ વિદ્યાલયના શિક્ષકો દ્વારા કોરોના સ્ટડી લોસ ઘટાડવા એકસ્ટ્રા વર્ગો દ્વારા સઘન શિક્ષણ નું આયોજન કરાયું છે.
પોરબંદર શહેરની જૂની અને સુવિખ્યાત નવયુગ વિદ્યાલય – પોરબંદરમાં પ્રથમ સત્રના આરંભથી જ ધોરણ ૧૦-૧૨ ના બોર્ડના અભ્યાસમાં મહેનતની જરૂર હોય વિદ્યાર્થીઓને શાળા સમય બાદ ૦૧:૩૦ થી ૦૩:૦૦ ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવી રહેલ છે. આ વધારાના શિક્ષણ વર્ગોથી વિદ્યાર્થીનું અને શાળાનું ઉતમ પરિણામ લાવવા આચાર્ય તુષારભાઈ પુરોહિત સહિત તમામ શિક્ષકોની ટીમ શિક્ષણયજ્ઞ ચલાવી રહેલ છે.
ધો.૯ માં નૂતન પ્રવેશેલા વિદ્યાર્થીઓ બે-વરસ અગાઉના કોરોના સમય કાળમાં શાળાઓ બંધ હોવાના કારણે પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત રહયા હતા. ઓનલાઈન શિક્ષણની અસરકારકતા પ્રત્યક્ષ શિક્ષણ જેવી ન હોવાના કારણે ધો.૯ વિદ્યાર્થીઓ અગાઉના ધોરણોનું પાયાનુંશિક્ષણ નબળું રહેવાનું શાળાની કસોટીઓના આધારે જાણવા મળતાં સત્વરે શાળાના તમામ કટીબધ્ધ શિક્ષકોની ટીમે ધો.૯ ના વિદ્યાર્થીઓ માટે પણ ગણિત, ગુજરાતી, અંગ્રેજી વગેરે જેવા મુખ્ય વિષયોના પાયાના શિક્ષણ માટે વધારાના વર્ગોનું આયોજન કરેલ છે. શાળામાં કોઈ પ્રવેશ પરિક્ષા કે માપદંડ વિના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને નહિવત એવી સરકારી ફી ના ધોરણે ઉતમ શિક્ષણ આપવા નવયુગ વિદ્યાલયની ટીમ કટીબધ્ધ છે. આ વધારાના શિક્ષણવર્ગોમાં પોતાના સંતાનને મોકલવા તમામ વાલીઓની મીટીંગ યોજીને આચાર્ય તથા એલુમની એસોસીએશનના સભ્યો દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના વિકાસના શાળાના આ અભિયાનને નવયુગ એજયુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા તથા મંત્રી હરીશભાઈ મહેતા, અન્ય હોદેદારો તેમજ તાજેતરમાં ત્રણ દિવસ શાળા નવીનીકરણના અવલોકને આવેલ નવયુગ એલુમની એસોસીએશનના સભ્યોને બીરદાવી અને આચાર્ય તથા તમામ શિક્ષકોને અભિનંદન આપેલ હતા.

