પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ચાલી રહેલા ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ શ્રીહરિ મંદિરના સર્વે શિખરો ઉપર નૂતન ધ્વજારોહણ અને ભાગવત ચિંતન શિબિરથી થયો હતો.
ભાગવત ચિંતન શિબિર
શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવ નિમિત્તે આયોજિત ભાગવત ચિંતન શિબિરના બીજા દિવસે ગુજરાતનાં વિદ્વાનો અને સાંદીપનિના ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવત મહાપુરાણના વિષયોને લઈને ચિંતનાત્મક અને શાસ્ત્રીય શૈલીમાં પ્રવચનની પ્રસ્તુતિ થઇ હતી. જેમાં પ્રાતઃ સત્રમાં સાંદીપનિના ઋષિ વિપુલભાઈ વેગડા દ્વારા ”ધર્માદિ ચાર પુરુષાર્થ”, પ્રાધ્યાપક ડૉ. હેમેન્દ્રભાઈ દવે દ્વારા “વામન ચરિતે સંતોષ ષટકમ્”, તેમજ પ્રાધ્યાપક ડૉ. અમૃતલાલ ભોગાયતા દ્વારા “શ્રીમદ્ ભાગવતોપ દિષ્ટ વિદ્યાગ્રંથોપદેશ:” વિષયને લઈને અલગ-અલગ ભાગવતજીની ટીકાઓના માધ્યમથી સુંદર ભાવોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સાથે ભાગવત ચિંતન શ્રેણીમાં બપોર પછીના સત્રમાં સાંદીપનિના ઋષિ એવં ભાગવત કથાકાર શ્યામભાઈ ઠાકર દ્વારા પરીક્ષિત કા સફલ જીવન અને આદરણીય કનૈયાલાલ ભટ્ટજી દ્વારા” તત્રાભવત્ વ્યાસપુત્રઃ” વિષયને લઈને વિશિષ્ટ રીતે શાસ્ત્રીય એવં ચિંતનાત્મક પ્રવચન થયું હતું. આ પ્રવચન પ્રસાદનો પાટોત્સવમાં પધારેલા અતિથીઓએ તથા સોશ્યલ મીડિયા ના માધ્યમથી અનેક લોકોએ લાભ લીધો હતો. બપોર પછીના સત્રમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી તથા રાજર્ષિ ડૉ. વિરમભાઇ ગોઢાણીયા ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય ભાઈશ્રીના આશીર્વચન
પૂજ્ય ભાઈશ્રીએ સત્રના સમાપનમાં આજના વિદ્વાન વક્તાઓને સન્માનિત કર્યા હતા તથા દ્વિદિવસીય ભાગવત ચિંતન શિબિરની પૂર્ણાહુતિ સમયે શ્રી હરિ મંદિરની પ્રતિષ્ઠાથી લઈને ૧૮ વર્ષની યાત્રાના સંસ્મરણો તાજા કરીને આશીર્વચન પાઠવ્યા હતા.
પુસ્તક વિમોચન
શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસે પ્રથમ સત્રમાં ભાગવત ચિંતન શિબિરની પુર્ણાહુતી સમયે કુલ ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું. જેમાં ભગવદીયા સોનાબહેન દામાનીયા દ્વારા સંકલિત કરવામાં આવેલ માઈન્ડસ્કેપ પુસ્તકનું પૂજ્ય ભાઈશ્રી અને રાજ્યસભાના સાંસદ આદરણીય રામભાઈ મોકરિયાના કરકમલો દ્વારા વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા પ્રતિદિન ટ્વીટર પર સપ્રેમ હરિ સ્મરણ સાથે પોસ્ટ કરવામાં આવેલ સૂત્રોનું સંકલન કરવામાં આવેલ છે. આ અવસરે ભગવદીયા સોનાબહેન દમાનીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય ભાઈશ્રીએ એમને આશીર્વાદ આપ્યા હતા.
આ સિવાય સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ શિક્ષણનો ભાગવત પથ – ગુજરાતી તથા જિજ્ઞાસા ભાગ-૨ હિન્દી પુસ્તકનું પૂજ્ય ભાઈશ્રી એવં રામભાઈ મોકરિયાના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના પ્રમુખ કરુણાશંકરભાઈ ઓઝા, ટ્રસ્ટી રમેશભાઈ જનાણી, ઘનશ્યામભાઈ મહેતા, ડો. ભરતભાઈ ગઢવી તેમજ મહેન્દ્રભાઈ ત્રિવેદી તથા પુસ્તકના શબ્દાંકનકર્તા ટીનાબહેન ચંદારાણા ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય ભાઈશ્રીએ સૌને આશીર્વાદ આપીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
મેડીકલ કેમ્પ
યુરોલોજી કેમ્પ (કિડનીને લગતા દર્દોનો કેમ્પ)
શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસે તા.૧૫-૦૨-૨૪ના રોજ લાયન્સ હોસ્પિટલ પોરબંદર ખાતે યુરોલોજી કેમ્પનો સવારે ૯:૦૦ વાગ્યે પ્રારંભ કરવામાં આવેલ હતો. આ કેમ્પનું ઉદ્ઘાટન ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે તથા શ્રીહરિ મંદિર પાટોત્સવના મનોરથી ચંપાલાલ પુરષોત્તમ કાંકાણી, હૈદરાબાદ, આસિસ્ટન્ટ ડીન ડો. મયંક જાવિયા મેડિકલ કોલેજ, પોરબંદર, લાયન્સ ક્લબના પ્રમુખ નિધિબહેન શાહ મોઢવાડિયા તથા લાયન મેમ્બરો ક્રિટિકલ કેરના ડો.કમલભાઈ મહેતા, ડો. ભરત ગઢવી તથા નડિયાદ થી પધારેલ ડો. હાર્દિક પટેલ, ડો. નિશાંત એસ. ડો. કવન તકવાણીના હસ્તે દીપપ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં એશિયાની પ્રખ્યાત મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (નડિયાદ કિડની હોસ્પિટલ) ના નિષ્ણાંત તબીબો ડૉ.નિશાંત એસ. અને ડૉ.હાર્દિક પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૯૨ દર્દીઓને તપાસવામાં આવેલ તે પૈકી ૨૫ ની સોનોગ્રાફી ૨૦ ની લેબોરેટરી તપાસ ૪ ના ઇ.સી.જી પણ કરવામાં આવેલ. જરૂરિયાત પ્રમાણે લાભાર્થીઓને પાંચ દિવસની દવાઓનો કોર્સ પણ કેમ્પના સળ પરથી પૂરો પાડવામાં આવેલ. આ સાથે સાંદીપનિ વિદ્યાનિકેતન પરિસરમાં ચાલી રહેલા દંતયજ્ઞ દંતચિકિત્સા કેમ્પના આજે તા.૧૫-૦૨-૨૪ના બીજા દિવસે ૪૭ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આવતીકાલે તા.૧૬-૦૨-૨૪ના રોજ હજુ એક દિવસ દંતયજ્ઞ કેમ્પ ચાલશે. જેમાં લોકો વિનામુલ્યે દંત ચિકિત્સા કરાવી શકશે.
આજે યોજાશે ૨૮મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ
શ્રીહરિમંદિરના ૧૮મા પાટોત્સવ દરમ્યાન આ વર્ષે પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૮મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ-૨૦૨૩, તા. ૧૬-૦૨-૨૪, શુક્રવાર સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમ્યાન સાંદીપનિ સભાગૃહમાં સંપન્ન થશે.
પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા છેલ્લા ૨૭વર્ષોથી પોતાના ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપનારા મહાનુભાવોનું દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ અવોર્ડથી ભાવપૂજન કરવામાં આવે છે. એ ઉપક્રમમાં આવર્ષે ૨૮મા ગૌરવ અવોર્ડ સમારોહમાં પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોના કરકમલો દ્વારા પરમ પૂજ્ય શ્રી બ્રહ્મસ્વરૂપ બ્રહ્મચારીજી મહારાજ, હરિદ્વારને દેવર્ષિ એવોર્ડથી, મહામહોપાધ્યાય આચાર્ય રા.મણિદ્રાવિડજી, ચેન્નઈને બ્રહ્મર્ષિ એવોર્ડથી, જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી પદ્મશ્રી સવજીભાઇ મનજીભાઇ ધોળકિયા, સુરતને રાજર્ષિ અવોર્ડ અર્પણ કરીને તથા સમાજસેવક પદ્મભુષણ ડો.બિંદેશ્વર પાઠકજી, નવી દિલ્હીને મહર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે. સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું લાઈવ ટેલીકાસ્ટ વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી થશે.
શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવમાં આજે શ્રીહરિ મંદિરમાં વિશેષ ઝાંખી દર્શન યોજાયા હતા. જેના દર્શનનો અનેક દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. આ સાથે રાત્રે સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.