Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

એક સમયનો માધવપુરનો “સ્થાનિક મેળો” આજે “રાષ્ટ્રીય” બન્યો છે:જુઓ ૨૫ વર્ષ પહેલાના માધવપુરના મેળાની ઝાંખી

દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિ અને ઇતિહાસનું સંગમસ્થાન એવું માધવપુર અને “માધવપુરનો મેળો” આજે રાષ્ટ્રીય ફલક પર જાણીતા બન્યા છે. આ મેળાને રાષ્ટ્રીય મેળાનું સ્વરૂપ મળ્યું હોવાથી અહીં ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે અનેકવિધ ઝાકઝમાળ જોવા મળે છે, દેશ-વિદેશના મહાનુભાવો અને મહેમાનો અહીં મહાલતા જોવા મળે છે. જો કે અઢી દાયકા અગાઉ આ મેળો કેવી રીતે યોજાતો એ જાણવું રસપ્રદ રહેશે.

૨૫ વર્ષ પહેલાં આ મેળો સ્થાનિક સ્તરે લોક-સહયોગથી યોજાતો હતો. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહનો પ્રસંગ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવાતો. ચૈત્ર સુદ નોમથી તેરસ સુધીના પાંચ દિવસના પ્રસંગમાં શ્રદ્ધાળુઓ સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાતા અને લોકોનો આ મેળાવડો “મેળો” બની જતો.

એ સમયના મેળામાં મનોરંજન માટે બે-ચાર ફજરફાળકા, બે-ચાર નાના ચકડોળ રહેતા. “મોતના કૂવા”ના ખેલ ગોઠવાતા. જેને જોવા લોકો ધસારો કરતા. મેળામાં લોકો સ્વયંભૂ જ ઉમટતા અને ફુ્ગ્ગા, રમકડાં તેમજ નાની-મોટી વિવિધ વસ્તુઓ વેચવા વાળાઓ પણ સ્વયંભૂ અહીં પાથરણા પાથરીને વેચાણ કરતા. એ સમયે મેળામાં છૂંદણાનું પણ અનેરું આકર્ષણ રહેતું. યુવાનો હાથમાં ઓમ, રામ કે અન્ય નામો લખાવતા, તો યુવતીઓ-મહિલાઓ હાથ પર વિવિધ છૂંદણા કરાવતી. જો કે આજે તે ટેટૂ તરીકે ઓળખાય છે.

અઢી દાયકા અગાઉ ટેક્નોલોજી અને સંસાધનો સીમિત હતા, પરંતુ ભગવાનના વિવાહમાં સામેલ થવાના અને સાક્ષી બનવાના પ્રસંગે લોકોનો ઉત્સાહન આસમાને રહેતો. મંદિરને શણગારવામાં આવતું, રંગોળી થતી. મોટાભાગના બહેનો પરંપરાગત વસ્ત્રો પહેરીને અને પુરુષો સાફા સાથે કાઠિયાવાડી પરિવેશમાં વિવાહપ્રસંગમાં સામેલ થતા હતા.

માધવરાયજીના મંદિરે ચૈત્રસુદ નોમથી તેરસ – એમ પાંચ દિવસ સુધી જાણે ધાર્મિક મહોત્સવ શરૂ થતો. નોમથી ત્રણ દિવસ માટે રોજ રાતે ભગવાનની વરણાગી એટલે કે ફૂલેકું નીકળતું. જેમાં યુવાનો-લોકો રાસ રમતા, કીર્તન-ગાન કરતા કરતા બ્રહ્મકુંડ સુધી આવતા ને બ્રહ્મકુંડ ના ચોક મા કીર્તન કરવા મા આવતા ત્યાર બાદ ભગવાનને રાત્રે ભગવાનની વરાગી પરત નિજ મંદિરમાં પધરામણી થતી.

બારસ ના દિવસે સવારે 11 વાગ્યા બાદ કડછ ગામે થી કડછા લોકો ઘોડા ગાડા લઈ ને ભગવાન નું મામેરું લઈ ને આવતા ત્યાર બોપરે બારસના દિવસે રૂકમણીજીના મઠથી પિયર પક્ષના લોકો ઊંટ અને ઘોડા પર સવારી કરતા માધવરાય મંદિરે ભગવાન ને જાન લાઇ ને પધારવા માટે નિમંત્રણ આપવા આવતા. દરમિયાન મંદિરે “મોહન આવ્યા મધુવન ખેલવા રે.. એને સંગે સાહેલીનો સાથ રે..” એવાં લગ્નગીતો ગવાતા.

બપોરે શ્રીકૃષ્ણની જાન પ્રસ્થાન કરતી. ભગવાન શત્રુઓને પરાસ્ત કરતા જતા હોય તેમ રથને લોકો ના સહયોગ થી મુખ્યબજાર માંથી.થઈ લોકોની ભીડ વચ્ચે રથ મેળાના માર્ગ પાસે થી દોડાવી આલવાતો. એ પછી રૂકમણીજીના માવતર ગણાતા મઠમાં ભગવાનને પોંખવામાં આવતા. ત્યારબાદ વરરાજાને ચોરી-માયરામાં લાવવામાં આવતા. કન્યાદાન અને સપ્તપદીની વિધિ થતી. આખી રાત શ્રીકૃષ્ણ અને રૂકમણીજી મંદિરમાં બિરાજતા.

પછીના દિવસે નવદંપતીને ગુલાલથી રંગે રમાડાતા. બાદ પાલખીમાં બેસાડીને, હવેલી સંગીત અને કિર્તન-ગાન સાથે નવદંપતી નગરચર્યા કરતું. જેમાં ગામમાં બજારમાં વર-વધૂને પોંખવામાં આવતા. બાદમાં બંનેની મંદિરમાં પધરામણી કરવામાં આવતી હતી. આ સાથે શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ સંપન્ન થતા હતા.

આજે સમયની સાથે મેળો આધુનિક બન્યો છે. મેળામાં સરકારના સહયોગથી દેશના વિવિધ રાજ્યોના હસ્તકલા કારીગરોના અનેક સ્ટોલ્સ લાગે છે, અવનવી રાઈડ્સ, ફજરફાળકા અને અવનવા ચકડોળ તેમજ ખાણીપીણીનો લોકો આનંદ માણે છે, મેળા દરમિયાન રાત્રે વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો .યોજાય છે. પૂર્વાંચલ એટલે કે નોર્થ ઈસ્ટના રાજ્યોના મહાનુભાવો અને મહેમાનો મેળામાં સામેલ થાય છે.

અલબત્ત માધવપુરના મેળાનું હાર્દ અને સત્વ હજુ અકબંધ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીજીના વિવાહ-પ્રસંગની ધાર્મિક વિધિઓ, રિતરિવાજો હજુ પણ પૌરાણિક અને પરંપરાગત રીતે, એટલી જ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે… અને આ મેળો હવે રાષ્ટ્રીય મેળો હોવાથી દેશભરના વિવિધ રાજ્યોના લોકો તેમાં જોડાય છે. આમ સાચા અર્થમાં આ મેળો “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની અનુભૂતિ કરાવે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે