Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

સંસ્કૃતિ, સમૃધ્ધિ અને સાધુ સાધુતા જયાં છલકાય છે તેવો માધવપુરનો મેળો આ વર્ષે પણ બનશે આકર્ષણનુ કેન્દ્રબિંદુ:ખાસ અહેવાલ

ચાલુ વર્ષે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીની આચારસંહિતા વચ્ચે પણ માધવપુરના રાષ્ટ્રીયકક્ષના લોકમેળાને સફળ બનાવવા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. ત્યારે સંસ્કૃતિ, સમૃધ્ધિ અને સાધુતા જયાં છલકાય છે તેવો માધવપુરનો મેળો આ વર્ષે પણ આકર્ષણનું કેન્દ્રબિંદુ બની રહેશે.

પોરબંદરના શિક્ષણવિદ ડો. ઈશ્વર ભરડાએ માધવપુર ઘેડના લોકમેળાની પરંપરાગત માહિતી આપતા જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રના સાગરકાંઠે પોરબંદર માંગરોળ મધ્યે ઘેડના નાકા અને નાકુ એવા માધવપુરમાં પૌરાણિક અને ધાર્મિક તેમજ સંસ્કૃતિ દર વર્ષે ચૈત્ર સુદ નોમથી ૧૩ સુધી સોરઠી ઢાળનો મેળો ભરાય છે. પાંચ દિવસ માધવપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાય જાય છે. પ્રાકૃતિક સૌંદર્યથી વીંટળાયેલા પશ્ચિમ સૌરાષ્ટ્રના સૌંદર્યધામો માંગરોળ અને ચોરવાડ જેટલું જાણીતુ પ્રાચીન નગર માધવપુર (ઘેડ) છે.

સુવિખ્યાત ભજનિક સ્વ. મોહનલાલ રાયાણીએ ભજનમાં ગાયુ છે કે ‘મારું રે મહિયરિયું માધવપુરમાં, મથુરાનગરમાં વેલડુ જોડે તો મળવા જોઇએ.’ શ્રીકૃષ્ણ રૂકમણીના લગ્નની વાતને હજારો વર્ષ પછી હૈયામાં સંઘરીને બેઠેલું માધવપુર (ઘેડ) સૌરાષ્ટ્રના નૈઋત્ય કોણમાં માંગરોળથી વાયવ્યે ૧૮ માઇલ, કેશોદ સ્ટેશનથી પશ્ચિમે ૨૬ માઇલ અને પોરબંદરથી અગ્નિખૂણામાં ૩૬ માઇલના અંતરે આવેલુ ઐતિહાસિક નગર છે. અહીં યુગપુરૂષ લોકજીવનના આરાધ્યદેવને અને સાડા ત્રણ હજાર વર્ષ પછીએ જેને હૈયામાં ધબકતા રહેતા ભગવાન શ્રીકૃષ્ણ અરબી સમુદ્રના કાંઠે માધવરાયના રૂપે મંદિરમાં બિરાજે છે. સાગર રાણો અહર્નિશ એમના પગ પખાળે છે.

રાજ્યના મુખ્ય ત્રણ મેળા તરણેતર, શિવરાત્રી અને માધવપુરમાં માધવપુરના મેળાનું મહત્વ વધારે છે. ઘેડમાં મુખ્ય ત્રણ નદીઓ વહે છે. તેમાં ભાદર, ઓઝત અને મધુવંતી આ ત્રણેયનું સંગમસ્થાન માધવપુર છે. લોક હૃદયના હૈયે પણ ગવાય છે. ‘ગંગા, યમુના, સરસ્વતી, ગોમતીએ ગૌદાન તેથી અધિક મધુવંતી, જ્યાં પરણ્યા શ્રી ભગવાન. આ મેળા અંગે ‘માધવપુરનો માંડવો, જાદવકુળની જાન, પરણે રાણી રુકમણી શ્રી માધવરાય ભગવાન’ કહેવત પણ ખૂબ પ્રચલિત છે. ‘તીર્થભૂમિ ગુજરાત’ પુસ્તકમાં લેખક ક રઘુવીર ચૌધરી નોંધે છે કે માધવપુર (ઘેડ) સૌરાષ્ટ્રના સાગરકાંઠે વૃંદાવન છે. માધવપુર ભારતીય ધર્મ સાધકનું સંગમ સ્થળ છે. સાધકોનો મેળો અને ભક્તિનો મેળો માધવપુર છે. સ્કંદપુરાણના માધવ પૂરા મહાત્મ્યમાં જે તીર્થોનો ઉલ્લેખ છે. એમાંના કેટલાક અદશ્ય થઇ ગયા છે છતાં બ્રહ્મકુંડ, ગદાવાવ, કદર્મકુંડ, મેરાયા, વરાહકુંડ, ચોબારી, કપીલેરી અને સિધ્ધતીર્થ સંગમ નારાયણ આદિના વર્ણનો મુજબ અસ્તિત્વ છે.

સાગરકાંઠાની ઉંચાઇએ શ્રી માધવરાયજીનું મંદિર છે. ત્યાંથી મધુવન ભણી જતા શ્રી રામદેવજી મહારાજનું નૂતન મંદિર બંધાયુ છે. મધુવનમાં મહાપ્રભુજીની બેઠક છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ રુકમણીવનમાં આવેલા કદમકુંડ ઉપર શ્રીમદ્ ભાગવત પરાયણ તેમજ વ્યાખ્યાન કર્યુ હતું. જયાં પરંપરાથી એમની ભારત વર્ષની ૮૪ બેઠકોમાંની ૬૬મી બેઠક અહીં સૂચવાય રહી છે. મહાપ્રભુજીની બેઠક નજીક રુકમણી શ્રીકૃષ્ણ લગ્ન માટેની ચોરી છે. માહયરુ છે.

માધવપુર (ઘેડ) પુરાણકાળથી જ ઉત્સવ મેળાઓની ઉલ્લાસભૂમિ છે. અહીં અનેક સામાજિક પ્રસંગોએ વિશાળ માનવમેદની ઉમટતા અને લોકોના હૈયા ઉત્સવઘેલા બને છે. આ ઉત્સવનો લોકમેળો એકબાજુ છે તો બીજી બાજુ રામાનુજ, જાદવ, જાદવ કબીર આદિની સ્મૃતિ જાળવી રાખવા સ્થળો છે. ગોરખનાથની ગુફા વિશે કહેવાય છે કે ત્યાં તેમણે તપશ્ચર્યા સાધના કરેલી બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર છે. ભગવાન લકુલીશની શૈવ ઉપાસનાની વિશેષતા દર્શાવતુ એક શિલ્પ સચવાઈ રહ્યુ છે. આમ,રામાનુજ, જાદવ, વલ્લભથી માંડીને નાથ, કબીર અને સહજાનંદની પરંપરાના અનેક સંત ભકતોથી ભૂમિનું સેવન થયું છે.

માધવપુરનો મેળો એટલે કે અગ્નિની સાક્ષીએ સુખ દુઃખમાં સાથે આજીવન જીવવાના બે આત્માઓને લગ્નના પવિત્ર સંબંધથી જોડતો જ્ઞાન, ભક્તિ, કર્મ અને ઉલ્લાસનો મહિમા દર્શાવતો મેળો એ માધવરાયના પરિણયનો મેળો છે. પોરબંદર જિલ્લામાં આવેલા સાગરતળે માધવરાયના સાન્નિધ્યમાં યોજાતો માધવરાયનો મેળો. આ મેળો દાયકાઓ સુધી ભાગ લેતા રહેલા પંડિત કે.કા.શાસ્ત્રીએ કહ્યુ છે કે ઘેડની પ્રકૃતિ અને સંસ્કૃતિ બંને સમૃધ્ધ છે. મેળા વખતે અહીં ઘરતી ગ્રામીણ યુવક-યુવતીઓના ભાતીગળ વસ્ત્રોથી ઢંકાઇને વાસંતી બની જાય છે. સૌરાષ્ટ્રમાં દર્શનમાં આપણા ઇતિહાસવિદ શંભુભાઇ દેસાઇ માધવપુર (ઘેડ) વિશે વાત કરે છે. ‘નાઓ એટલું નીપજે અને કરીએ તેટલી ખેડ, નહીં નીંદવું નહીં ખોદવું ધબકે ગોરંભાતો ઘેડ’ ‘ છેલ ફરે ને છેતરે કાદવ ભાંગ કેડ, ઘઉં, ચણાને ગુંધરી ધરી ભરી દૈ ઘેડ’ ‘સકર કંદને સેલરાં બીજા હરિના નામ પૂજ્યા હોય તો પામીએ શીલ સરીખા ગામ’

માધવપુરના મેળામાં ભાટ, બારોટને ચારણ કવિઓ યે આવે. રાતના લોકવાર્તા અને લોકગીતની રજૂઆત થાય, જુવાનીયાઓ સામ સામા દુહાની રમઝટ બોલાવે ભૂતકાળમાં માધવપુર મેળાની કીર્તિ સાંભળીને પ્રખર લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર મેઘાણી, કાગ, મેરૂભા, ગઢવી જેવા મહાનુભાવો આવી ગયા હતા. સ્વ. ઝવેરચંદ મેઘાણીએ સાચુ જ કહ્યુ છે કે માધવપુરનો મેળો એટલે અસલી સોરઠી મેળો અહીં મેળામાં ભાતીગળ વસ્ત્રાલંકારો પહેરીને મેળામાં ફરતી ગાતીને રાસડે રમતી મેરાણીઓ, રબારણો, કોરણ, આયરાણીઓ અને ખારવણો સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું સાચુ દર્શન કરાવે છે.

આ ઘેડ પંથકના ભાતીગળ મેળામાં ભજનો ગાવામાં લોક સાહિત્યકારો પોતાનું સૌભાગ્ય માને છે. સૌરાષ્ટ્રમાંથી ભજનો, ભજનીકો, લોકકથાકારો, બારોટો, ચારણો, ગઢવીઓ, ગાયકો પોતાના સાજ સાજિંદાઓ સાથે ભજનોની રમઝટ બોલાવે છે. જગતના દુઃખો ભૂલીને તમામ વર્ગના લોકો પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આનંદ, ઉલ્લાસ, ભક્તિ, ભોજન અને પૂજામાં લીન થઇ જાય છે. આ મેળામાં કેટલીક સેવાભાવી સંસ્થા દ્વારા સતત પાંચ દિવસ સુધી ભાવિકોને ભોજન વિનામૂલ્યે સગવડ આપવામાં આવે છે. અહીં મેળામાં ભાતીગળ વસ્ત્રો,ખુલ્લા ચોરણામાં સફેદ પાઘડી પરિધાન કરી મૂછે વળ ચડાવી વાંકલડી પાઘડી માથે વેંત એકનું છોગું ફરકાવતા જવામર્દ મહેર, કોળી, રબારી, આહિર જુવાનો અનોખી ભાત પાડતા જોવા મળે છે.

આ લોકમેળાનો પ્રારંભ ચૈત્ર સુદ નોમથી સુદ તેરસ સુધી સતત પાંચ દિવસ યોજાય છે. ભગવાન રામના પ્રાગટય દિન રામનવમીના પવિત્ર દિવસે મંડપારોપણથી થાય છે. ભગવાન માધવરાયજી તથા ત્રિકમરાયજીના મંદિરેથી પહેલા ફૂલેકાનો પ્રારંભના રાત્રીના ૯ કલાકે થાય છે. ચૈત્ર સુદ દસમ તથા અગિયારસના દિવસે બીજુ અને ત્રીજું ફૂલેકુ નીકળે છે. ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે ઉજવાય છે. જેમાં માધવપુર(ઘેડ)ની નજીકના કડછ ગામના કડછા મહેર ધર્મના ઝંડા સાથે શણગારેલા હાથી, ઉંટ અને ઘોડા પર સવાર થઈ રુકમણીનું મામેરુ લઇને આવે છે. ત્યારે જ ભરમેળો ગણાય છે. મધુવનમાં આવેલ મહાપ્રભુજીની બેઠકના સાન્નિધ્યમાં રુકમણીના માવતરપક્ષની જગ્યામાં ‘રૂકમણી મઠ’થી બપોરે ૧૨ કલાકે ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયુ કરવામાં આવે છે.

ત્યારબાદ સાંજે ચાર કલાકે નીજમંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણનું જાનનું પ્રયાણ થાય છે. શ્રીકૃષ્ણ વરરાજા બને છે. રૂપેણવનમાં જાનનું આગમન થાય છે. વેવાઇઓ દ્વારા જાનનું સ્વાગત થાય છે. હિન્દુ સમાજમાં થતી લગ્નવિધિ મુજબ કન્યાદાન દેવાય છે. મંગળફેરા ફરે છે. શાસ્ત્રોકત વિધિ અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રીકૃષ્ણ-રૂકમણી સાથે અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથીથી જોડાય છે. લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેંચાય છે. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાન આખી રાત રૂપેણવનમાં રોકાય છે. લગ્નગ્રંથી પૂર્ણ થયા બાદ ચૈત્ર સુદ તેરસને દિવસે સવારે કરુણ વિદાઈ પ્રસંગ આવે છે. શ્રીકૃષ્ણ વાજતે ગાજતે પરણીને બપોરના ત્રણ કલાકે નીજમંદિરમાં પધારે છે. તે સાથે માધવપુરના મેળાની પૂર્ણાહુતિ થાય છે.

માધવપુરનો મેળો રામનવમીથી શરૂ થાય પણ અગિયારસની રાતે પુરબહાર ખીલે છે.

માધવપુરનો મેળો રામનવમીથી શરૂ થાય પણ અગિયારસની રાતે પુરબહાર ખીલે છે એને ભરમેળો કહે છે. વર્તમાન યુગમાં મોટર, મોટરસાયકલો, બસ ટ્રેકટરો, ખટારાઓ જેવા વાહનો આવ્યા તે પહેલા ખેતી કરનારી તમામ કોમના લોકો ગાડા જોડીને સહકુટુંબ માધવપુરનો મેળો માણતાને શ્રીકૃષ્ણને પરણાવવા દોઢસો-બસ્સો ગાડા જોડીને ત્રણ-ત્રણ દિવસના ભાતા પોતાના લઇને મેળામાં આવતા ગામના પાદરથી લઇને સીમાડા સુધી રાવટીઓ નખાતી જતી જૂના કાળે મેળામાં મનોરંજન કરનારા વાદીને મદારીઓ આવતા રાવણહથ્થાવાળાય આવતા ગાડાની સાથે લોકો પોતાના પાણીદાર શણગારેલા અશ્વો અને ઉંટો લઇ અને પણ મેળો માણવા ઉમટી પડતા અહીં મેદાનમાં ઉંટ અને અશ્વની દોડની હરિફાઇઓ થતી. જાનવરોના પાણી મપાતા. જોરાવસિંહ જાદવના ‘સૌરાષ્ટ્રનું સંસ્કૃતિદર્શન’માં માધવપુર ઘેડનો ‘લોકમેળો’એ શીર્ષક તળે શ્રીકૃષ્ણ-રૂકમણીના લગ્નની તલસ્પર્શી વાતો આલેખી છે.

હવે કૃષ્ણ-રૂકમણી વિવાહ લોકમેળો રાષ્ટ્રીય સ્તરે લઇ જવાયો છે. રૂકમણીનું અરૂણાચલ પ્રદેશના હોવાથી ગુજરાત અને અરૂણાચલ પ્રદેશને જોડીને ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો આ લોકમેળામાં યોજવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન અને ઓરિસ્સાના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરે છે.

અરૂણાચલ પ્રદેશની મીષ્મી આદિ જાતિના મૂળ રાજા ભીષ્મક સુધી વિસ્તરેલી હોવાનું મનાય છે. દિબાંગ ખીણ જિલ્લામાં રોલિંગ પાસે આવેલા ભિષ્મક નગરનો ઉલ્લેખ કલકી પુરાણમાં પણ જોવા મળે છે. પૂર્વથી ચાલી આવતી પરંપરામાં મિષ્મી આદિ જાતિના લોકો ભીષ્મક અને રુકમણીના વંશજો હોવાનું તે વિસ્તારના કથાનકોમાં આલેખાયેલ છે. મુખોપમુખ અને લોકશૈલીમાં ગવાતા અને ભજવાતા લોકગીતો અને લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ અને રુકમણીનો ઉલ્લેખ જોવા મળે છે. આજે પણ આસામના કલાકારો માજુલી ટાપુમાંથી મળેલી પૌરાણીક ચિત્રમય હસ્તપ્રતો સામે તેમના લોકનાયક રૂકમણી હરણની ભજવણી કરે છે. મણીપુરને લગતા ગીતો અપ્રચલિત છે. આવી જ રીતે મણીપુર અને અરૂણાચીલની ઇદુ મીષ્મી આદિ જાતિના લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ-રૂકમણીની કથાનું આલેખન જોવા મળે છે.

ભારતના બે પ્રદેશો પશ્ચિમમાં ગુજરાત અને ઉત્તરપૂર્વ રાજ્યોમાં મુખ્યત્વે અરૂણાચલ પ્રદેશ વચ્ચેના અનુબંધ થકી આ માધવપુર(ઘેડ)નો લોકમેળો રાષ્ટ્રીય સ્તરનો બની ભારતના સાંસ્કૃતિક ઐકયનું દર્શન કરાવે છે. પૌરાણિક ગ્રંથોમાં જોઇએ તો મહાભારતના શલ્ય પર્વમાં (૧૩-૫૨)માં પણ માધવતીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૦મી થી ૧૪મી સદી સુધી લખાયેલા સ્કંદપુરાણમાં પ્રભાસક્ષેત્ર માધવપુરનો ઉલ્લેખ છે.

એમ જોઇએ તો આ વર્ષનો માધવપુરનો મેળો ૫૨૨૫મો છે. શ્રીમદ્ ભાગવતના દસમ સ્કન્ધમાં માધવપુરનો ઉલ્લેખ જોવા મળે છે. મહારાજા ભીષ્મક વિદર્ભના અધિપતિ હતા. તેમના પાંચપુત્રો અને એક સુંદર કન્યા હતી તે કન્યાનું નામ રુકમણી હતુ. રુકમણીએ ભગવાન શ્રીકૃષ્ણની સુંદરતા, શૌર્ય પરાક્રમ, અને વૈભવની પ્રશંસા સાંભળી મનોમન તેમને વરવાનું નક્કી કર્યુ. પરંતુ રૂકમણીનો સૌથી મોટો ભાઈ રુકમી શ્રીકૃષ્ણનો અત્યંત દ્વેષી હતો. તે શિશુપાલ સાથે બહેન રુકમણીનો વિવાહ કરવા ઇચ્છતો હતો. જ્યારે રુકકમણીને આ અંગે માલૂમ થયું ત્યારે તેઓએ સુદેવ નામના બ્રાહ્મણ સાથે શ્રીકૃષ્ણને સંદેશો મોકલ્યો આ લેખિત સંદેશામાં શ્રીકૃષ્ણને વરી ચૂકેલી રુકમણીએ પોતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણને સમર્પિત હોવાનું જણાવ્યુ હતું. શ્રીકૃષ્ણએ વિદર્ભના કુંદનપુર (કોડીયપુર) જઇને રુકમણીનું હરણ કર્યુ અને માધવપુર આવીને શ્રીકૃષ્ણ-રુકમણીના ગાંધર્વ પ્રથાથી મધુવનમાં લગ્ન થયા તે રીતે માધવપુરનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં છે.

ભગવાન શ્રીકૃષ્ણ સૌરાષ્ટ્રની ભૂમિમાં અમસ્તા ભૂલા નહોતા પડયા. સોરઠની પ્રજાના નિર્મળ હૃદયના પારદર્શક પ્રેમ અને ભક્તિભાવ ભાળી જાણી જોઇને ભૂલ્યા પડયા હતા અને રુકમણી સાથે લગ્ન કરીને સોરઠની ધરાને ધન્ય બનાવી હતી. આમ, આ ભાતીગળ મેળામાં દિવ્ય પ્રેમ અને અલૌકિક સ્મૃતિઓનો આનંદ ઉલ્લાસ લઇને પોતપોતાની વતનની વાટે વળે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે