Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ના રોચક ઈતિહાસ વિષે જાણો સંપૂર્ણ વિગત

રાણાવાવનો ઈતિહાસ
 દાતરડી દળદાર, ધડ વાઢી ઢગલા કરે;
રૂડી રાણાવાવ, કુવારી કાટ ચડે.

રાણાવાવ એ સૌરાષ્ટ્રના પોરબંદર જીલ્લામાં આવેલા ત્રણ તાલુકાઓ માનો એક તાલુકો છે. રાણાવાવનો ઈતિહાસ એ રોચક છે. જામ્બુવંતની ગુફા હોય, બરડો ડુંગર હોય, ભાતવારીનો ડુંગર હોય, બિલેશ્વર હોય કે પછી કિલેશ્વર હોય રાણાવાવમાં આવેલા આ બધા સ્થળોનો પોતાનો એક રોચક ઈતિહાસ છે. આવોજ ઈતિહાસ રાણાવાવનાં નામકરણનો છે.

 
“ રાણાવાવ ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું. એક વખત ત્યાં હળવા ફૂલ જેવાં,ખેડૂતોના ખોરડાં હતા. માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય, તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસી ને ધાન ઉગાડતા ને પેટ ભરતા. તે દિવસો ની આ વાત છે. ગામમાં કહેતો પટેલ કરીને એક કણબી ગામમાં રહે. એને ઘેર એક દીકરી. નામ તો હતું અજવાળી, પણ એને ‘અંજુ’ કહેતા. અંજુ મો મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાના કિરણો છવાય. ભળકડે ઉઠીને અંજુ રોજ દસબાર રોટલા ટીપી નાખે, બબ્બે ભેંસોની છાસ ઘમકાવી કાઢે, ચાર ચાર બલ્દોનું વાસીદું ચપટીવારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે, અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આંચળને જ્યારે મુઠી વાળીને અંજુ ખેચતી હોય ત્યારે શું એ દુધની શેડો વછૂટતી ! ઘણાય મહેમાન આવતા, ને ખેતાની પાસે અંજુનું માંગુ નાખતા. કહેતો કહેતો કે ‘હજી દીકરી નાની છે.’

ખેતા પટેલને અંગને એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યો. અંગ ઉપર લૂગડાં નહોતા, મોઢા ઉપર નૂર નહોતું, પણ માયા ઉપજે એવું કઇક એની આંખમાં હતું. ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો. ત્રણ ટંક જમવાનું, બે જોડ લૂગડાં એક જોડ કાંટારખાં, અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લ્યે એટલા ડુંડા: આવો  મુસારો નક્કી થયો. જુવાન કણબી કામે લાગ્યો.

સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી. બપોરે વાડીયે ભાત લઇ જવાની હોશમાં ને હોશમાં અંજુ હવે તો બે પહોર ચડે ત્યાં જ બધું કામ આરોપી લેતી. બે જાડા રોટલા , ઉપર માખણનો એક પિંડો , લીંબુના માનીમાં ખાસ પાલળી રાખેલી ગરમરનાં બે કટકા, અને દોણી ભરીને ઘાટી રેદિઆ જેવી છાશ: એટલુજ લઈને બપોરે અંજુ જ્યારે વાળીએ જાતી, ત્યારે એનું મો જેબુ રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગે. સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી. ‘ન ખા તો તારી માં મારે.’

“મારે માં નથી.”
“તારો બાપ મારે.”
“બાપે ય નથી.”
“તારી બાયડી મારે.”
“બાયડી તો માં જણતી જશે. “
“જે તારા મનમાં હોય તે મારે.”

છેલ્લા સમ સાંભળીને છોકરોફરીવાર અર્ધો ભૂખ્યો થઈ જાતો. એને શરીર રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું.
એક દિવસ છોકરાએ પૂછ્યું “તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખે છે ?”

“તું અનાથ છે, તારા માબાપા નથી, માટે.”

 એક દિવસ કોસ ચાલતો હતો ત્યારે કિચુડ કિચુડ અવાજ સાંભળી અંજુએ પૂછ્યું કે “મેપા, આ પૈડું ને ગરેડી શી
વાતો કરતા હશે ?”

મેપો બોલ્યો “પીડાને એનો આગલો ભાવ સાંભરે છે. ગરેડીને એ કહે છે કે ” ગરેદીબાઈ ! ઓલ્યે ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી……”

“મેર રોયા ! હવે ફાટ્યો કે ? માકડાને મોઢું આવ્યું કે ? કહેવા દેજે આતાને ! “

એવી એવી ગમ્મતો મંડાતી.

એમ કરતા ઉનાળો વીતી ગયો, મેપાએ ખેતર ખેડીખેડીને ગાદલા જેવું સુવાળું કરી નાખ્યું. બોરડીનું એક ઝાળું તો શું, પણ ઘાસનું એક તરણું યે ન રહેવા દીધું. સાંઠીઓ સુડીસુડીને એના હાથમાં ભમ્ભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી.

ચોમાસું વરસ્યું. જાને મેપાનું ભાગ્ય વરસ્યું. દોથામાં પણ ન સમાય એવા તો જાર બાજરાના ડુંડા નીન્ધ્લ્યા. બપોરે જ્યારે મેપો મિત માંડીને મોલ ટાંપી રહેતો ત્યારે અંજુ પૂછતી કે ” શું જોઈ રહ્યો છે ?”

“જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણશે કે નહી ?”

“પણ તને મફત બાયડી મળે તો ?”

“તો તો હું અનાથ કહેવાઉં ને !”

લાણીનો દિવસ નક્કી થયો. કેટલાય દિવસ થયા મેપો રોજ રોજ લીલા લિલ્લા ઘાસની એકએક ગાંસડી વાઢીને ગામના એક લુવારને દઈ આવતો. લુવારની સાથે એને ભાઈબંધી જામેલી.લુવારે એને એક દાતરડીબનાવી દીધી. દાતરડીનએ રાનાવાવનું પાણી પાયું. અને એ દાતરડી કેવી બની ? હાથપગ આવ્યો હોય તો બટકાં ઉડાડી નાખે તેવી.

લાણીને દિવસે સવાર થયું, ને મેપો દાતરડી લઈને ડુંડા ઉપર મંડાયો. બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું. પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી. ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું કે

“નખ્ખોદ વળ્યું. મેપો સાંજ પડશે ત્યાં એક ડુંડુ પણ આપના નસીબમાં નહી રહેવા દે. આખું વરસ આપણે ખાશું શું ? “

અંજુએ એના આનાતા નિસાસા સાંભળ્યા. એને એની સેના સજવા માંડી. આભલાના ભરત ભરેલો હિરવણી ચણીઓ, અને માથે કસુંબલ ચુંદડી : મીન્દ્લા લઈને માથું ઓળ્યું. સેથામાં હિંગળો પૂર્યો. ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી. ભાતમાં ઘીએ ઝબોળેલી લાપસી હતી.

મેપો ખાવા બેઠો, પણ આજ એનું હૈયું હેઠું નથી બેસતું. અંજુએ ખુબ વાતો કાઢી, પણ મેપો વાતોએ ન ચડયો ગાલોફામાં બે ચાર કોળિઆ આડા અવળા ભરીને મેપાને મેપાએ હાથ વીંછળયા. ચુંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો. પણ મેપાને આજ એલચીની કીમત નહોતી.એ ઉઠ્યો.

“બેસને હવે ! બે ડુંડા ઓછા વાધીશ તો કઈ બાયડી વિનાનો નહી રહી જા.”

પણ મેપો ન માન્યો. એને મોઢું યે ન મલકાવ્યું.

“આજ અન્જુથી યે તને તારા ડુંડા વ્હાલા લાગ્યા કે ?”

મેપાનું હૈયું ન પીગળ્યું.

“એલા પણ તને મફત બાયડી પરણાવી દઈશ. ઘડીક તો બેસ ! આમ સામું તો જો !”

મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે.

“ઉભો રહે, તું નહી માને એમને ? ” એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડીઆમાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી. હેતના ઉમળકામાં ને ઉમળકામાં એને એ દાતરડીનો હાથો ઝાલ્યો, ઝાલીને ખેંચ્યો, મ્હોમાંથી

બોલી કે “નહી ઉભો રહે એમ ?”

મેપો ઉભો રહ્યો. સદાને માટે ઉભો રહ્યો. દાતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલી દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો. તે હાસ્ય એના મોઢા ઉપર રહી ગયું.

મેપાને પરણવું હતું. મેપો પરણ્યો. એ ને એ વસ્ત્રે અંજુ મેપાના શાવની સાથે ચિતામાં સુતી, અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અન્ગારાનું  બિછાનું કરી દીધું.પછીથી એ વાવ પૂરી દેવામાં આવી છે.

ત્યારથી દુહા ગવાતો આવે છે કે,

દાતરડી દળદાર, ધડ વાઢી ઢગલા કરે;
રૂડી રાણાવાવ, કુવારી કાટ ચડે.

લેખક / સંપાદક – ભાર્ગવ મકવાણા
વિદ્યાર્થી (એમ. એ. પત્રકારત્વ, પ્રથમ વર્ષ)
(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)
મોબાઈલ / વોટસએપ નં: 9328044822
ઈ મેઈલ: makwanabhargav221@gmail.com

સંદર્ભ – સૌરાષ્ટ્રની રસધાર : ધારા બીજી ; 1931: ઝવેરચંદ મેઘાણી ; શ્રી સૌરાષ્ટ્ર મુદ્રણાલય રાણપુર – માં અમૃતલાલ અંબાશંકર દવેએ છાપી પ્રકટ કર્યું. ; પૃષ્ટ – 170 (પરણેતર)

નોંધ – આ એક દંતકથા છે લોકવાહિકા છે. સાચા નામોનાં અભાવે અહી અન્ય નામો ઉપયોગમા લીધેલ છે. રાણાવાવનાં પાણી અંગેની ,માન્યતાઓ હજી પણ છે આજે પણ લોકો પોતાના સાધનોની ધાર કઢાવવા માટે ક્યા ક્યા થી રાણાવાવ આવે છે. સ્થાનિક વૃધો પાસેથી મળતી માહિતી અનુસાર એ રાણાવાવ ‘વાવ’ એ હાલ રાણાવાવનાં આશાપુરા ચોકમાં આવેલ આશાપુરા માતાજીના મંદિરના પાછળનાં ભાગમાં હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે