Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં મતદાનના દિવસે અને માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા કલેકટર દ્વારા સુચના

પોરબંદર માં આગામી સમય માં યોજાનાર ચૂંટણી તેમજ માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે તંત્ર દ્વારા મોબાઈલ નેટવર્ક કંપની ઓ ના કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને અલગ અલગ નેટવર્ક કંપનીના અધિકારી-કર્મચારીઓ સાથેની યોજાયેલ બેઠકમાં માધવપુરના લોકમેળામાં નેટવર્ક સમસ્યાનો ઉકેલ લઈ આવવા અંગે સ્થળ વિઝીટ કરી યોગ્ય કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોરબંદર તાલુકાના માધવપુર ખાતે રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ રાષ્ટ્રીય કક્ષાના લોકમેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં જન મેદની એકઠી થશે. અન્ય રાજ્યો માંથી રાજ્યપાલ સહિત વી.વી.આઇ.પી. ઓનું આગમન થઇ શકે છે. આ સમય દરમિયાન મોબાઇલમાં નેટવર્કની સમસ્યા સર્જાતી હોય છે. ખાસ કરીને માધવપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના લોકમેળામાં મોટી સંખ્યામાં જન મેદની એકઠી થતી હોવાના કારણે મોબાઇલમાં નેટવર્કની સમસ્યા સર્જાતી હોય, જેથી આ સમસ્યાના નિરાકરણ માટે કલેકટર કે.ડી. લાખાણી દ્વારા અલગ અલગ નેટવર્ક કંપનીના અધિકારી કર્મચારીને સુચના આપવામાં આવી હતી.

જિલ્લા સેવા સદન-૧ ખાતે આવેલ સભાખંડમાં નેટવર્ક કંપનીઓના કર્મચારી અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા નેટવર્કની સમસ્યાના નિરાકરણ અંગે આગોતરું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જન મેદની એકઠી થતી હોય, અને આ રાષ્ટ્રીય કક્ષાના લોકમેળામાં વી.વી.આઇ.પી ઓનું આગમન થતું હોય, આ સમય દરમિયાન વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ મોબાઈલ ફોનના માધ્યમથી સતત એકબીજાના સંપર્કમાં રહેવું ખૂબ આવશ્યક હોય છે. આકસ્મિક સ્થિતિઓમાં મેડિકલ, ફાયર સહિતનું કોમ્યુનિકેશન મહત્વનું છે.

માધવપુરના રાષ્ટ્રીય કક્ષાના આ લોકમેળામાં લોકોનો મોબાઈલના માધ્યમથી સંપર્ક થવો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રનું પણ કોમ્યુનિકેશન પ્રોપર ચેનલમાં થવાથી વ્યવસ્થા વધુ સુદ્રઢ રહેશે, જેથી જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા મોબાઈલ નેટવર્કની અલગ અલગ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર રૂબરૂ મુલાકાત લેવા સૂચના આપવામાં આવી હતી, અને વૈકલ્પિક વ્યવસ્થાની સાથે અહીં વિશેષ નેટવર્કની સુવિધા લગાવવામાં આવે તો કાયમી સર્જાતી સમસ્યાનું નિરાકરણ થઈ તે શકે તે દિશામાં પણ આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક કલેક્ટર રાયજાદા, આયોજન અધિકારી ઠાકર સહિત અલગ અલગ નેટવર્ક કંપનીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં ચૂંટણી આગામી તારીખ ૭ મેના રોજ યોજાનાર છે. અને મત ગણતરી ૪ જૂનના રોજ થનાર છે. આ અન્વયે પોરબંદર જિલ્લામાં જે મતદાન મથકો છે, ત્યાં કોમ્યુનિકેશન યોગ્ય રીતે ફોનના માધ્યમથી થઇ શકે તે સમસ્યાના નિરાકરણ અંગે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા નેટવર્ક કંપનીઓના કર્મચારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા સેવા સદન-૧ ખાતે સભાખંડમાં અલગ અલગ નેટવર્ક કંપનીઓના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. નેટવર્ક કંપનીઓના કર્મચારીઓ પાસેથી મોબાઈલ ફોનમાં નેટવર્ક સમસ્યાના નિરાકરણ માટે શું પગલાં લઈ શકાય તેના સૂચનો લેવામાં આવ્યા હતા. બીએસએનએલ, જીયો, વોડાફોન, એરટેલ સહિતની કંપનીના કર્મચારીઓ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓએ મતદાનના દિવસે જે વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા માટે કાર્યવાહી કરવા કર્મચારીઓએ સહમતિ દર્શાવી હતી.

દર વખતે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાનના દિવસે વન વિભાગના કર્મચારીઓના વોકીટોકીની મદદથી આ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવે છે. ખાસ કરીને સાત વિરડા, ખારા વિરડા, ઓખબરી નેશમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નેટવર્કની સમસ્યા સર્જાય છે. જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા નેટવર્કની સમસ્યા છે તેવા મતદાન મથકો ખાતે આ નેટવર્ક કંપનીઓના કર્મચારીઓને રૂબરૂ સ્થળ મુલાકાત લેવા પણ સૂચના આપવામાં આવી હતી, અને ચૂંટણી દરમિયાન મતદાનના દિવસે નેટવર્કની વ્યવસ્થા ન ખોરવાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું.

ઉપરાંત જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ રાજકીય પક્ષો દ્વારા બલ્ક એસએમએસના માધ્યમથી પ્રચાર કરવામાં આવતો હોય તેના ખર્ચા નિભાવવા, ચૂંટણી ખાતામાં નિભાવેલ ખર્ચના રજીસ્ટરો જમા કરાવવા સહિતના મુદ્દે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અધિક કલેક્ટર રાયજાદા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.વી. દેસાઈ, આયોજન અધિકારી ઠાકર સહિત અલગ અલગ નેટવર્ક કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે