મુળ પોરબંદર અને હાલ યુકે વસતા એન.આર.આઇ. વૃદ્ધ પોરબંદર આવ્યા ત્યારે ઝુંડાળા વિસ્તાર માં તેની કારનો કાચ તોડીને બે લાખ રૂપિયાની રોકડ તસ્કરો ઉઠાવી ગયા હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
યુ.કે. ના લેસ્ટર ખાતે રહેતા તથા હાલ પોરબંદરના એરપોર્ટ સામે ઈન્દ્રપ્રસ્થ નગરના બ્લોક નં. ૨૭ માં રહેતા દેવશીભાઈ નાથાભાઈ કારાવદરા(ઉવ ૬૬) ના વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેઓ તેના પરીવાર સાથે યુ.કે થી તા. ૨૨/૧૧ના વતન પોરબંદર આવ્યા છે. અને ગઈકાલે મંગળવારે તેઓ તથા તેમના પત્ની સવારના અગિયારેક વાગ્યે ઝૂંડાળા મહેર બોર્ડિંગ ખાતે તેમના કૌટુંબિક ભત્રીજા ખમીર મનોજ કારાવદરાના લગ્નમાં ગયા હતા. અને બપોરના દોઢ વાગ્યાના અરસામાં મહેર બોર્ડિંગથી ભાણેજ વિજયની કાર લઇને એમ.જી. રોડ એવરગ્રીન પાસે આવેલ બેંક ઓફ બરોડા ખાતે પૈસા ઉપાડવા માટે ગયા હતા. અને બેંકમાંથી રૂા. ૨ લાખ ઉપાડી કાપડની થેલીમાં નાખી થેલી કાર ના ડેસ્કબોર્ડના ડાબી બાજુના ખાનામાં રાખી દિધી હતી.
તુરત જ કાર લઇ મહેર સમાજ નજીક લોખંડના ખાટલાની દુકાન સામે આશરે બે વાગ્યે ગાડી પાર્ક કરી ગાડીને લોક કરી તેઓ મહેર બોર્ડિંગમાં પત્નીને બોલાવવા માટે ગયા હતા. અને થોડીવારમાં તેઓ તથા તેમના પત્ની ગાડી પાસે આવતાં અને જોતાં ગાડીનો ડ્રાઈવર સાઇડનો કાચ તુટેલ જોવામાં આવતા તેઓએ દરવાજો ખોલી પૈસાની થેલી રાખી હતી. તે ખાનું ખોલી જોતા થેલી જોવામાં આવી ન હતી. જેથી આજુબાજુના દુકાનવાળાને વાત કરી સી.સી.ટી.વી. કેમેરા બાબતે તપાસ કરી હતી. પરંતુ થેલી ની ચોરી અંગે કોઈ માહિતી ન મળતા પોલીસ ને જાણ કરી ફરિયાદ નોંધાવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.