અરબી સમુદ્રમાં લાઈન ફિશિંગ અને પેરા ફિશિંગ બંધ કરાવવા આજે પોરબંદર ખાતે રાજ્યભર ના માછીમાર આગેવાનો ની બેઠક મળશે.
પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પ્રેમજીભાઈ પાંજરીએ ગુજરાતના તમામ બંદરોના બોટ અને પીલાણા એસોસિએશનના પ્રમુખ અને આગેવાનોને કરેલી અપીલમાં જણાવ્યું છે કે,ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને ગુજરાત સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતના માચ્છીમાર સમાજ અને માચ્છીમારી સંસ્થાની તાત્કાલીક મીટીંગનું આજે તા.૮ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે પોરબંદરના ખારવાવાડ માં આવેલ સાગર ભુવન ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ મીટીંગમાં જુદીજુદી માચ્છીમારી સંસ્થાના પ્રમુખ અને અન્ય મુખ્ય હોદેદારો (આગેવાનો) અનિવાર્યપણે હાજરી આપે એવી અપેક્ષા છે.વધુમાં જણાવ્યું હતું કે,માચ્છીમાર સમાજ અને માચ્છીમારી સંસ્થાઓ દ્રારા પરંપરાગત માચ્છીમારની વ્યાખ્યા નક્કી કરવા અને લાઈન ફિશીંગ બંધ કરવાના સઘન પ્રયાસો કરી લાઈન ફિશીંગ બંધ કરવાના નિયમો અને ઠરાવો કરવા છતા હાલમાં અમુક સ્વાર્થી અને માથાભારે બોટ માલિકો દ્રારા પોતાની મનમાની કરીને નિયમો અને ઠરાવોની અવગણના કરીને લાઈન ફિશીંગ કરવામાં આવે છે.જેથી નાના માચ્છીમારો (હોડીવાળા), નાની લોકલ બોટોવાળા તથા મોટી બોટોવાળાને પારાવાર નુકશાની ભોગવવી પડે છે. તેથી આખા ગુજરાતની દરીયાઈપટ્ટીના માચ્છીમારોની રોજીરોટી અને પરિવારનાં ભરણ પોષણ ઉપર ખુબ જ માઠી અસર થઈ રહી છે.
આવા સ્વાર્થી અને લાલચુ બોટ માલિક અને ટંડેલ, ખલાસીઓ ઉપર શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન નિગરાણી રાખીને લાઈન ફિશીંગ કરતા લોકોને પકડીને તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્ય બંદરોના આગેવાની પણ ફરજ છે. આ પ્રકારની લાઈન ફિશીંગ સંપુર્ણપણે બંધ થાય અને ફરી વખત ચાલુ ન થાય તે માટે લાઈન ફિશીંગ કરનારા સ્વાર્થી અને માથાભારે બોટ માલિક ઉપર કડકમાં કડક પગલા લેવા માટે નિર્ણય લેવાશે.