આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ હેઠળ આગામી તા.૧૩ ઑગસ્ટથી તા.૧૫ ઓગસ્ટ સુધી પોરબંદર જિલ્લામાં “હર ઘર તિરંગા”ની દરેક ઘર, સરકારી કચેરીઓ, મહોલ્લાઓ, દુકાનો, સંસ્થાઓ, ઉદ્યોગો, બિલ્ડિંગસ સહિતના સ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને લોકો દેશપ્રેમ અને ગર્વની લાગણી અનુભવશે. કાર્યક્રમની ઊજવણીમાં સમગ્ર જિલ્લાવાસીઓ સહભાગી થાય તે માટે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં જુદી જુદી સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
હર ઘર તિરંગા કાર્યક્રમની ઊજવણીમાં દરેક વ્યક્તિ સહભાગી થાય તે માટે અંદાજે રૂ.૩૦૦ ની કિંમતનો તિરંગા ઝંડો ફક્ત રૂ.૩૦માં અપાશે. સભ્ય સચિવશ્રી જિલ્લા રમત વિકાસ અધિકારી તેના નોડલ અધિકારી છે. આ ઉપરાંત વિવિધ વિતરણ કેન્દ્રો પરથી પણ રૂ.૩૦ માં ઝંડો મળશે.
બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે, આ પર્વમાં દરેક ઘર સહભાગી થાય તે ઈચ્છનીય છે. પોરબંદરના ૧૫ હજાર જેટલા કર્મચારીઓ, અધિકારીઓના રજિસ્ટ્રેશન થવાની સાથે જુદી જુદી સંસ્થાઓના ૫ હજાર થી વધુ હોદેદારો, સભ્યોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં તમામ લોકો આ પર્વની ઉજવણીમાં જોડાય અને દેશપ્રેમ ઉજાગર કરે તેવી અપીલ કરી હતી.
આ ઉપરાંત રાષ્ટ્રીયધ્વજ ફરકાવવા માટે “હર ધર તિરંગા ” ફલેગ કોડ પણ જારી કરાયા છે તેનું પાલન થવું જોઇએ. રાષ્ટ્રધ્વજ માન્ય અને પ્રમાણિત મટીરીયલ અને મેજરમેન્ટ પ્રમાણે હોવો જોઇએ. લંબાઇ ૩:૨,ક્ષતિગ્રસ્ત અથવા વિખરાયેલો ધ્વજ પ્રદર્શિત થવો જોઇએ નહીં.
અન્ય કોઇ ધ્વજ કે વાવટો રાષ્ટ્રધ્વજથી ઉંચો કે સમકક્ષ લહેરાવો ન જોઇએ તથા ફુલો,તોરણો તેમજ અન્ય પ્રતિકો કે ઝાડની ડાળીઓ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અડચણ ન કરે તેની તકેદારી રાખવી, સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓના દિવસે પણ સૂયોદયથી સૂયોસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે, રાષ્ટ્રધ્વજને નુકશાન થાય તેવી રીતે બાંધવો કે વાળવો નહી, જો કોઇ પણ સાર્વજિક સ્થળ કે અન્ય જગ્યાએ વિકૃતિ રીતે નાશ કરે, કચડી નાખે તથા લેખિત અથવા શબ્દો દ્રારા તિરસ્કૃત કરે તો તે દંડ અને સજાને પાત્ર ગુન્હો છે, ત્રિરંગો હંમેશા કોટન સિલ્ક કે ખાદીનો હોવો જોઇએ,પ્લાસ્ટિકનો ઝંડો બનાવવાની મનાઇ છે,ફાટેલો કે નુકસાનગ્રસ્ત ઝંડાને ફરકાવી શકાતો નથી,
તિરંગાનું નિર્માણ હંમેશા રેકટેંગલ શેપમાં હોવુ જોઇએ, ઝંડાનો ઉપયોગ યુનિફોર્મ કે સજાવટના સામાનમાં થઇ શકતો નથી, ઝંડા પર કંઇપણ લખવું કે ચિતરવું ગેરકાનૂની છે, જયારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માન પૂર્ણ સ્થાન આપવામાં આવે, તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે, જયારે ઝંડો કોઇ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે, ઝંડાનો ઉપયોગ બિલ્ડિંગને ઢાંકવા માટે કરી શકાતો નથી, કોઇપણ સ્થિતિમાં ઝંડો જમીન સાથે ટચ ન થવો જોઇએ, ઝંડો ફાટી જાય કે મેલો થાય તો એકાંતમાં નાશ કરવો જોઇએ, માત્ર રાષ્ટ્રીય શોકના અવસર પર જ ઝંડો અડધો ઝૂકેલો રહે છે.