પોરબંદરની રમણીય ચોપાટી પર વર્ષોથી રેતશિલ્પ તૈયાર કરતા નથુભાઇ ગરચરનું એક દળદાર પુસ્તક સૂરતના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું છે.
પોરબંદરના દરિયા કિનારે અદ્ભુત રેતશિલ્પ બનાવતા રેતશિલ્પના સાધક નથુભાઇ ગરચર સૂરતના કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા સંપાદક રમણીક ઝાપડિયા લિખિત દળદાળ પુસ્તક પ્રગટ થતા પોરબંદરના રેતશિલ્પના સાધક નથુભાઇ ગરચરે સમગ્ર ગુજરાતમાં પોરબંદરને ગૌરવ બક્ષ્યું છે. ટ્રસ્ટ દ્વારા એક હજાર પુસ્તકોનું વિનામૂલ્યે પ્રકાશન થયું તે પૈકી કેટલીક પ્રતો નથુભાઇ ગરચરને મળતા તેઓએ સાહિત્યકાર નરોત્તમ પલાણ, કેળવણીકાર ડો. એ.આર. ભરડા, જાણીતા ફોટોગ્રાફર હરીશ લાખાણી સહિતના અન્ય કલાપ્રેમીઓના ઘરે જઇને અર્પણ કરી ભાવવંદના કરી હતી.
વાડીપ્લોટ ખાતે સાહિત્યકાર નરોત્તમ પલાણને તેમના નિવાસસ્થાને અર્પણ કર્યુ. આ તકે સાહિત્યકાર પલાણે અભિનંદન આપતા જણાવ્યું કે સૂરતનું કલાતીર્થ ટ્રસ્ટ રેતશિલ્પના સાધક નથુ ગરચરના રેતશિલ્પોનું સચિત્ર દળદાર પુસ્તકનું પ્રકાશન કરે તે પોરબંદરની કલાપ્રેમી જનતા માટે ગૌરવરૂપ છે.કલામર્મી રમણીક ઝાપડીયાએ કલાશ્રેણીના ઘણા પુસ્તકો આ ટ્રસ્ટ દ્વારા પ્રકાશન કરેલ છે તેમણે નથુભાઇ ગરચરના રેતશિલ્પોને બિરદાવતા કલાએ પ્રવૃત્તિ નથી પણ એક પ્રકારની સાધના તપશ્ચર્યા ગણાવી હતી.
આ અવસરે જાણીતા કેળવણીકાર અને ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર ડો. એ.આર. ભરડાએ જણાવ્યું હતું કે પોરબંદરની ચોપાટી ખાતે સાંજે ૪ થી ૭ વિનામૂલ્યે યુવક-યુવતીઓને રેતશિલ્પ બનાવતા શીખવતા નથુભાઈ ગરચર છેલ્લા ૫૫ વર્ષથી રેતીના ૩ થી૮ ફૂટના રેતશિલ્પો બનાવતા એકલવ્ય છે. તેઓએ સ્વયંને જ ગુરુમાની સર્વશ્રેષ્ઠ શિલ્પ બનાવ્યા છે. ગુજરાતનું ટ્રસ્ટ પોરબંદરના આ રેતશિલ્પ કલાકારનું પુસ્તક પ્રગટ કરે તે પોરબંદરનું ગૌરવ છે.
પોરબંદરના જાણીતા ફોટોગ્રાફર હરીશ લાખાણીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સત્યમ્, શિવમ્ સુંદરમ્ની અનુભુતિ રેતશિલ્પોમાં થાય છે. આથી નથુ ગરચર કલાકારની સાધના કરતા સાધક છે. કલા, સંસ્કૃતિ, સંસ્કારનો વ્યાપ, વૈભવ, સશોધન, સંવર્ધનનું જબરજસ્ત કાર્ય કરતું સુરતના કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા મૂલ્ય નહી પણ અમૂલ્ય કિંમતનું ટ્રસ્ટના સંપાદક રમણીક ઝાપડીયા લિખિત રેત શિલ્પના સાધક શ્રી નથુ ગરચર’ દળદાર સચિત્ર પુસ્તક કલા ગંગોત્રી ગ્રંથ પ્રકાશિત થયું છે.
જેમાં રમણીક ઝાપડિયાએ હજી શરૂઆત છે, મારી કલાયાત્રા રેતીને જ્યારે પર્વત હોવાનું સમણું ફૂટે નિસર્ગ આહિરના પ્રકરણો છે પછી ૨૫૦ જેટલા રેતશિલ્પનું સૌન્દર્ય કેન્દ્રી નથુ ગરચરના અદ્ભુત સચિત્ર રેતશિલ્પો મૂકયા છે. નયનરમ્ય અને નયનગમ્ય આ રેતશિલ્પો આબેહૂબ ચોપાટી પર જોતા હોઇએ તેવો ભાવ જોવા મળે છે.
આ પુસ્તકના મુખપૃષ્ઠ પરનું રેતશિલ્પ સત્ય, અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજી ભગવાન ગૌતમ બુધ્ધ અને પાશ્વભૂમિકામાં પોરબંદરના દરિયા-અરબી સમુદ્ર મૂકવામાં આવેલ છે. આ પુસ્તક ગુજરાતના કલાગુરુ જશુભાઇ નાયકના ચરણોમાં વંદન સાથે પ્રારંભ કરાયો છે. પૃષ્ઠ ઉપર ગુજરાતના કલાચિંતક રવિશંકર રાવળનું અદ્ભુત ચિંતન મૂકવામાં આવેલ છે. આ કલાજગતનું શિરમોર આ પુસ્તક બન્યું છે. સુરતના કલાતીર્થ ટ્રસ્ટમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરી, સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ, પદ્મશ્રી ગુજરાત વિશ્વકોશના કુમારપાળ દેસાઇ, ડો. બળવંત જાની, સાહિત્યકાર હરેશ ધોળકીયા સહિત ૨૬ જેટલા સારસ્વતોનો સમાવેશ થતાં આ પુસ્તક મૂલ્યવાન બન્યું છે.
સોરઠી રબારી સમાજના શિલ્પકાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી સ્પેશિયલ આસીસ્ટન્ટ તરીકે નિવૃત્ત થયા બાદપણ કલા સાધના જારી રાખી છે. રાજ્યની રેતશિલ્પ સ્પર્ધામાં પ્રથમ આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશેષ સન્માનિત થયા છે.
તેઓની ચિત્રકલાનો પોરબદર પુરાતત્વમંડળ અને રંગમ મંડળ દ્વારા પોરબંદરમાં વનમેન શો થયો હતો. ઉજ્જૈન ખાતે રાષ્ટ્રીય કાલિદાસ ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. સન ૧૯૮૦ રાજ્ય યુવક મહોત્સવમાં રાજ્યમાં પ્રથમ સ્થાન ચિત્રકલામાં મેળવેલ ગુજરાત રાજ્ય લલિત કલા પ્રદર્શન એવોર્ડ ૧૯૮૩-૮૪માં મળેલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર અને સોમનાથ ટ્રસ્ટ આયોજિત સોમનાથ ખાતે મહાશિવરાત્રી અવસરે ૧૨૫ ફૂટ લંબાઇ અને ૧૮ ફૂટ ઉંચાઇ ૨૦૧૧મા રૈતશિલ્પ બનાવ્યું તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ગુજરાત રાજ્ય લલિત અકાદમી આયોજિત પોરબંદર(૨૦૧૮), સુરત (ડુમસ), વર્કશોપ(૨૦૧૮), સોમનાથ (૨૦૧૮), દ્વારકા (૨૦૨૩) પોરબંદર (૨૦૨૩), સોમનાથ (૨૦૨૩), માધવપુર (૨૦૨૩), ગાંધીનગર (વસંતોત્સવ), (૨૦૧૮), ગુજરાત પ્રવાસન આયોજિત સિદ્ધપુર માતૃવંદના, મુખ્યમંત્રીના કાર્યક્રમ (૨૦૧૧) ગુજરાત પ્રવાસન આયોજિત ‘અહિંસા પરમો ધર્મ”, પોરબંદર (૨૦૧૧) ગુજરાત પ્રવાસન આયોજિત બીચ ફેસ્ટીવલ માધવપુર (૨૦૧૬), પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પોરબંદરનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા બદલ ૨૬ જાન્યુઆરી (૨૦૨૧માં સન્માન) સને ૨૦૧૧થી ૨૦૨૩ દરમિયાન રેતશિલ્પો બનાવીને સન્માનિત થયા છે.
તેમની જીવનની કલાયાત્રામાં આજ સુધીમાં ૬૦ હજારથી વધુ રેખાંકનો તૈયાર કર્યા છે. જળરંગો વડે ૧૦૦૦થી પણ વધારે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. પેસ્ટલ કલર, કલર પેન્સીલ, બ્રશ-પેન મીક્ષ મીડિયા જેવા અલગ અલગ માધ્યમોમાં ૫૦૦થી વધારે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. ઓઇલ એક્રેલિક કલરના માધ્યમથી ૫૦થી વધુ અલગ અલગ સાઇઝના કેન્વાસ ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. ભીંતચિત્રો,અને સિમેન્ટ મ્યુરલ ૨૦૦ થી પણ વધુ આજ સુધીમાં તૈયાર કરવામાં આવ્યા છે.
વિવિધ પ્રકારની ચિત્રકલા સાથે રેતશિલ્પના સાધક શ્રી નથુ ગરચર નિવૃત્તિ બાદ ૬૮ વર્ષની ઉંમરે ભગવતી વાગીશ્વરીની સાધના કરી રહ્યા છે ત્યારે આપણી મોંઘી મિરાત નથુભાઇ ગરચર ગુજરાતની સંસ્કૃતિ કલાસમૃધ્ધ બનાવવાના શુભ આશયથી સુરતની કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘રેતશિલ્પના રૂપસાધક નથુ ગરચર’ને પોરબંદરની કલા નગરી ગૌરવની લાગણી અનુભવી અભિનંદન સાથે શુભકામના પાઠવે છે.