રાણાવાવ ગામે સિમેન્ટ ફેક્ટરી પાસે રહેતા વૃદ્ધ ઉપર જમીન વેચાણના પૈસા બાબતે સગાભાઈ અને તેના બે પુત્રો એ હુમલો કર્યો હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાણાવાવ હાથી સિમેન્ટ ફેક્ટરી પાસે બારવાણ નેસમાં રહેતા ભીખાભાઈ રાજાભાઈ મોકરીયા(ઉવ ૬૨) નામના વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેની રાતીયા ગામે આવેલ સંયુક્ત જમીન જે ચાર ભાઈઓના નામે છે. જેનું વેચાણ કર્યું હોવાથી દસ્તાવેજ કરાવવા માટે તા.૧૫/૪ ના તેઓ તથા તેમના પિતા રાજાભાઈ અને ભાઈઓ ભીમાભાઈ અને ભુપતભાઈ રાણીબાગ પાસે આવેલ કેતનભાઈ વકીલની ઓફિસે ગયા હતા. ભીખાભાઈના અન્ય ભાઈ પરબતભાઈ પણ તેમના બન્ને પુત્રો રોહિત તથા રામની સાથે આવ્યા હતા.
જમીનનો દસ્તાવેજ થઇ ગયા બાદ વેચાણના જે રૂપિયા આવે તેમાંથી ચાર ભાઈઓ અને પિતા એમ પાંચ ભાગે સરખા વહેચી લેવાનું નક્કી થયું હતું, પરંતુ પરબતભાઈએ પિતા રાજાભાઈને તેના ભાગમાંથી રૂપિયા આપવા ઇન્કાર કર્યો હતો. આથી રાજાભાઈએ કઈ વાંધો નહી તેમ જણાવીને દસ્તાવેજમાં સહી કરી આપવાનું કહેતા પરબતભાઈએ સહી કરી આપી હતી. દસ્તાવેજ થઇ ગયા બાદ જમીન વેચાણના રૂપિયા આવતા ચારેય ભાઈઓએ સરખા ભાગ પાડ્યા હતા, તે પૈકી પરબત સિવાયના ત્રણેય ભાઈઓએ પિતાને ભાગના રૂપિયા આપી દીધા હતા. પરંતુ પરબતભાઈએ ન આપતા ભીખાભાઈએ તેને બાપુજીનો ભાગ આપવો પડે તેમ કહીને સમજાવતા પરબતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. અને તેણે તથા તેના બે પુત્રો રોહિત અને રામે વકીલની ઓફીસમાં જ ભીખાભાઈ ઉપર હુમલો કરી દીધો હતો.
અને ટેબલ ઉપર પછાડીને ઢીકા પાટુનો માર માર્યો હતો, ભીમાભાઈને પણ રામે માથાના ભાગે મુઠ્ઠીઓ મારી હતી. અને રોહિતે લાત મારી હતી. તેથી અન્ય લોકો એ વચ્ચે પડીને તેને છોડાવ્યા હતા. ત્યાર બાદ ભીખાભાઈ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં ઓપરેશન કરાવ્યા બાદ સ્વસ્થ થતા કમલાબાગ પોલીસ મથક ખાતે ભાઈ પરબત અને તેના બે પુત્રો રોહિત અને રામ સામે પોલીસ ફરીયાદ નોધાવી છે.