પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનામાં બીલ ના નાણા ન ભરનાર આસામીનું વીજ કનેક્શન કાપવા જતા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરીને હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાણાવાવના આંબેડકર નગરમાં આવેલ દરબારગઢ પાછળ રહેતા અને પોરબંદરના ઉદ્યોગનગર પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝનમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા નરશીભાઈ મુંજાભાઈ રાઠોડ(ઉવ ૪૨)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેમની કચેરીના નાયબ ઇજનેરના આદેશ મુજબ તેઓ અને કચેરીના લાઈન ઇન્સ્પેક્ટર ડાયાભાઈ નવઘણભાઈ મોરી બંને બોખીરાના આવાસ યોજનાના મકાનમાં લિસ્ટ મુજબ બાકી વીજબિલના નાણાં રિકવરી કરવા તથા મીટર ડીસકનેક્ટ કરવા માટે નીકળ્યા હતા.અને અલગ-અલગ બ્લોકમાં નાણાંની રિકવરી કરી રહ્યા હતા.
દરમ્યાનમાં બપોરે સવા વાગ્યે બ્લોક નં-૧૯ માં આવ્યા ત્યારે ડાયાભાઈ ગ્રાઉન્ડ ફ્લોરમાં નાણાની રિકવરીની કામગીરીમાં રોકાયા હતા અને ફરીયાદી નરશીભાઇ રાઠોડ ઉપરના માળે આવેલ ફ્લેટ નંબર એફ ૧૫ કે જે ફ્લેટ નગીનભાઈ માવજીભાઈ ઝાલાની માલિકીનો છે તેના વિજબિલની રિકવરીની કામગીરી માટે ગયા હતા. અને દરવાજો ખખડાવતા અંદરથી બહાર આવેલી વ્યક્તિએ તેનું નામ મનીષ રવજીભાઈ ઝાલા જણાવ્યું હતું આથી નરશીભાઈ એ તેમને વીજબિલના નાણા ભરી આપવાનું કહ્યું હતું. તેથી મનીષે વીજબિલના નાણા ભરી આપવાનો ઈન્કાર કર્યો હતો તેથી કંપનીના નિયમ મુજબ તથા ઉચ્ચ અધિકારીના લેખિત આદેશ પ્રમાણે કોઈપણ ગ્રાહક વીજળીના બીલના બાકી પૈસા ના ભરે તો તેનું વીજ કનેક્શન ડિસ્કનેક્ટ કરવાનું હોય છે આથી એ પ્રમાણે નરશીભાઈ તેમને એવું જણાવ્યું હતું કે,રકમ નહીં ભરો તો મીટર ડિસ્કનેક્ટ કરવું પડશે.
તેવું જણાવતા જ મનીષ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો આથી ગાળો બોલવાની ના પાડતા વધુ ઉગ્ર બનીને કોલર પકડીને નરશીભાઈને થપાટ અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો તથા શર્ટ પણ ફાડી નાખ્યો હતો આથી ફરીયાદીએ બુમાબુમ કરતા હુમલાખોર મનીષનો ભાઈ મયુર પણ તેના ફ્લેટના રૂમમાંથી બહાર આવી ગયો હતો અને ત્યારબાદ તેણે પણ ગાળો દઈને ઢીકાપાટુનો માર માર્યો હતો આથી ફરીયાદી સાથેના અન્ય કર્મચારી ડાયાભાઈ મોરી નીચેના બ્લોકમાં વીજબિલના નાણાની ઉઘરાણી કરતા હતા.તેઓ પણ ઉપર આવી ગયા હતા અને બંનેના મારથી તેમને છોડાવ્યા હતા.
એ દરમિયાન મનીષ ઘરમાંથી તલવાર લઈને આવ્યો હતો અને વીજ કર્મીઓની પાછળ દોડ્યો હતો તથા “આજે તમને પતાવી દેવા છે” તેવી ધમકી આપીને ગાળો બોલતો હતો આથી બંને વીજ કર્મચારીઓ દોડીને બહાર નીકળી ગયા હતા અને આવાસ યોજનાના ગેટ પાસે આવીને તેમના ઉચ્ચ અધિકારી બી.ટી.રાડાને જાણ કરી હતી અને પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા અંતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આવીને વીજ કર્મચારી દ્વારા મનીષ રવજી ઝાલા અને તેના ભાઈ મયુર વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ અને માર માર્યાની તથા યુનિફોર્મ ફાડી નાખ્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે.