પોરબંદર સિવિલ હોસ્પિટલ માં સારવાર માં રહેલ કોરોના નો દર્દી નાસી જતા હોસ્પિટલ માં દોડધામ મચી હતી અને આ અંગે પોલીસ ને પણ જાણ કરાઈ છે.
પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તાર માં રહેતો લાખા મરિયમ મહમદ (ઉવ ૬૬)ને કોરોના ના લક્ષણો જણાતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડવામાં આવ્યો હતો. અને તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા આઈસોલેશન વોર્ડ ખાતે સારવાર માં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ તેની સ્થિતિ સુધરતા કોવીડ કેર સેન્ટર ખાતે આઈસોલેટ કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. તે સમયે તે અચાનક ડોક્ટર ની રજા વગર હોસ્પિટલ માંથી નાસી છુટ્યો હતો. જેથી હોસ્પિટલ માં દોડધામ મચી ગઈ હતી. અને આ અંગે પોલીસ ને જાણ કરતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ દર્દી સ્વસ્થ હોવાથી પોતાને ઘરે જવા રજા જોઈતી હતી પરંતુ હોસ્પિટલ માંથી રજા ન મળતા તબીબો સહીત સ્ટાફ સાથે બોલાચાલી કરી નાસી ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ગત ૨૦ જુલાઈ ના રોજ પણ કોરોના નો દર્દી હોસ્પિટલ માંથી નાસી ગયો હતો. ત્યારે વધુ એક દર્દી નાસી જતા ચકચાર મચી છે.