Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં નવલા નોરતા નો પ્રારંભ થતા શહેરમાં ૮૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ ની ધૂમ મચશે

પોરબંદર માં આજ થી નવરાત્રી નું પાવન પર્વ શરુ થતા ૮૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ ની ધૂમ મચશે.
પોરબંદર માં આજથી નવરાત્રી નું પાવન પર્વ શરુ થયું છે ત્યારે ૮૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ નું આયોજન કરાયું છે. જેમાં ચોપાટી મેદાન ખાતે ખારવા સમાજ તથા મહેર સમાજ ઉપરાંત થનગનાટ રાસોત્સવ યોજાયો છે. તો લોહાણા મિત્ર મંડળ દ્વારા જ્ઞાતિજનો માટે ભદ્રકાળી રોડ પર આવેલ લોહાણા મહાજનવાડી ખાતે વૃંદાવન રાસોત્સવ નું આયોજન કરાયું છે. તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રુમઝુમ રાસોત્સવ નું આયોજન કરાયું છે.જયારે સોહામણા રીવરફ્રન્ટ ખાતે લિયો પાયોનીયર રમઝટ રાસોત્સવ યોજાશે.

એ સિવાય ઠક્કર પ્લોટ ખાતે મોમાઈ ગરબી મંડળ,શીતલા ચોક ખાતે ગરબી મંડળ,વાડી પ્લોટ,તળપદ બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા કોળીવાડ ખાતે સહીત અનેક જગ્યા એ પ્રાચીન ગરબી નું પણ આયોજન કરાયું છે. ઉપરાંત અનેક વિસ્તાર માં શેરી ગરબા ના માધ્યમ થી માં જગદંબા ની આરાધના કરવામાં આવશે. એ સિવાય ગ્રામ્ય પંથક માં બખરલા ગામે પણ ગામ સમસ્ત દ્વારા રાસોત્સવ નું આયોજન કરાયું છે. જ્યાં આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો પણ રાસગરબા ની રમઝટ બોલાવશે. રાણાવાવ અને કુતિયાણા શહેર ઉપરાંત વિવિધ ગ્રામ્ય વિસ્તારો માં પણ અનેક સ્થળો એ રાસગરબા નું આયોજન કરાયું છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે
સીટી ડીવાયએસપી ગૌસ્વામી એ જણાવ્યું હતું કે ૮૯ સ્થળો એ ગરબી માટે મંજુરી આપવામાં આવી છે. તમામ સ્થળો એ છેડતી,ચીલઝડપ સહીત કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત વિવિધ ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવશે.

માત્ર પુરુષો દ્વારા રમાતી ધ્વની પ્રદુષણ મુક્ત ગરબી
દીવેચા કોળી જ્ઞાતિ દ્વારા આયોજિત ભદ્રકાળી ગરબીને ૯૮ વર્ષ પૂર્ણ થયા છે. અહી માત્ર પુરુષો જ ગરબે રમી શકે છે. અને તેને પણ ફરજીયાત માથે ટોપી પહેરી રમવાનું હોય છે. અને અહી માઈક કે સાઉન્ડ સીસ્ટમ વગર કોઈ પણ જાત ના ધ્વની પ્રદુષણ વગર ગરબી રમાડવામાં આવે છે.

મહેર સમાજ દ્વારા પાંચમાં નોરતે ટ્રેડીશનલ રાસગરબા યોજાશે
મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર સમાજના શૌર્ય, શુરવીરતા અને સાહસનું પ્રતીક એવા મણિયારા રાસનું આયોજન કરાયું છે. ઉત્સવ દરમ્યાન પાંચમાં નોરતે મહેર સમાજ ના પરંપરાગત રાસોત્સવ નું આયોજન કરાયું છે. જ્યાં મહેર સમાજ ની બહેનો લાખો ની કીમત ના ઘરેણા પહેરી પરંપરાગત મણીયારા રાસ ની રમઝટ બોલાવશે.
વિહિપ બજરંગ દળ દ્વારા પરંપરાગત રાસગરબા ને બિરદાવવામાં આવશે
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા જે ગરબી મંડળો દ્વારા રાસગરબા નો પ્રાચીન વારસો જાળવી રાખ્યો છે. તેવા આયોજકોને બિરદાવવામાં આવશે.

ગત વર્ષે પ્રોફેશનલ રાસગરબા ને મંજુરી અપાઈ ન હતી

પોરબંદરરમાં ગત વર્ષે કોરોના ને લઈને પ્રોફેશનલ રાસ-ગરબાના આયોજનોને મંજૂરી આપવામાં આવી ન હતી. આથી શેરી, ગલ્લીઓ સાથે સોસાયટીઓના કોમન પ્લોટમાં રાસ-ગરબાના આયોજનોએ જમાવટ કરી હતી, રાસ ગરબે રમવાના શોખીન ખેલૈયાઓ એ ઘર આંગણે યોજાયેલા ગરબાના કાર્યક્રમોમાં મન મૂકીને ગરબે રમ્યા હતાં. આ આયોજનોને પગલે ઘર આંગણે યોજાતા રાસ-ગરબાની રોનક ફરી આવી હતી.અને લોકો પણ અદમ્ય ઉત્સાહ સાથે આવા આયોજનોમાં જોડાયા હતાં.પરંતુ આ વખતે અર્વાચીન રાસોત્સવને પણ મંજુરી અપાઈ હોવાથી ખેલૈયાઓ માં તેને લઇ ને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે