Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ભાગવત સપ્તાહના ધર્મોત્સવની સાથે કૃષિમેળાનું ઉદ્ઘાટન કરાયું:૧૭ માર્ચ સુધી લોકો લઇ શકશે લાભ

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પૂજ્ય આઇમાં લીરબાઇ માં તેમ જ પુતિઆઇ માં પ્રેરિત સર્વ સમાજ માટેની ભાગવત સપ્તાહ અંતર્ગત કૃષિ મેળા નું પણ આયોજન કરાયું છે. ભાગવતના રસપાનથી સમાજમાં ધર્મમય વાતાવરણ ઉભું થાય, પરસ્પર પ્રેમ અને કરુણાની ઉદાત્ત ભાવના માનવ માનવ વચ્ચે નિર્માણ પામે તે આ સમગ્ર કાર્યક્રમનું હાર્દ છે, સાથે સાથે લોકોનું જીવન આર્થિક રીતે ઉન્નત બને તે માટે લોકોમાં વ્યવસાયિક નિપુણતા કેળવાય તે પણ જરૂરી છે. આ માટે લોકજાગૃતિ અને સમજ કેળવાય તે માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની કૃષિ સમિતિ દ્વારા એક કૃષિ મેળા પોરબંદર એગ્રી ટ્રેડ એક્સ્પો ૨૦૨૩ નું આયોજન આ ભાગવત સપ્તાહ દરમિયાન તા. ૧૪ માર્ચ ૨૦૨૩ થી તા. ૧૭ માર્ચ ૨૦૨૩ દરમિયાનના ચાર દિવસ માટે કરવામાં આવેલું છે.

જાહેર જનતા માટે આજરોજ ખુલ્લા મુકાયેલા આ કૃષિ મેળાનું ઉદ્ઘાટન શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા અને આ કૃષિ મેળાની આયોજક એવી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની કૃષિ સમિતિના પ્રમુખ અને સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ સાજણભાઈ ઓડેદરાના શુભ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાની ખેડૂત પાંખના પ્રમુખ હિતેશભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષિ મેળામાં પોરબંદર જીલ્લામાં સૌ પ્રથમ વખત ૨૦૦ થી પણ વધારે કંપનીની ૭૦૦ થી પણ વધારે ખેતીવાડીની પ્રોડક્ટ તેમ જ ઘર વપરાશની પ્રોડક્ટનું વેચાણ અર્થે નિદર્શન રાખવામાં આવેલ છે તેમજ તમામ પાક રક્ષક દવાઓ રાખવામાં આવેલ છે. મોટા ભાગની પ્રોડક્ટ પર આ મેળા નિમિતે આકર્ષક ડિસ્કાઉન્ટ પણ રાખવમાં આવેલ છે.

આ કૃષિ મેળા અન્વયે ખેડૂત ગોષ્ટી કાર્યક્રમ અંતર્ગત એક પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ સમિતિ દ્વારા આજે સાંજે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ કેળવી પ્રાકૃતિક ઢબે ખેતી કરી શકાય તે માટે આજના આ પરિસંવાદમાં તજજ્ઞ મહાનુભાવોના માર્ગદર્શનને આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો. કૃષિ સમિતિના પ્રમુખ સાજણભાઈ ઓડેદરાએ પોતાના સંદેશમાં ઋષિમેળા સાથે કૃષિ મેળાનો પણ પુરતો લાભ લેવા અનુરોધ કરેલ.

ત્યારબાદ ખેડૂતોને પોતાના પાકો માટે શુધ્ધ અને રોગમુક્ત પાક ઉત્પાદન ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા કઈ રીતે લઇ શકાય તેની સમજ કાર્યક્રમના મુખ્ય વક્તા આત્મા પ્રોજેક્ટ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર પરબતભાઈ ખીસ્તરીયા દ્વારા તેમની આગવી શૈલીમાં આપવામાં આવી. આ તકે પોરબંદર જીલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર રમેશભાઈ ટીલવા અને તેમની ટીમે વ્યવસ્થામાં સહભાગિતા દાખવી હતી. કાર્યક્રમની આભારવિધિ ખેડૂત પાંખના પ્રમુખ હિતેશભાઈ મોઢવાડિયાએ કરી હતી જયારે કાર્યક્રમનું સંચાલન પોપટભાઈ ખુંટીએ કર્યું હતું. આ એગ્રી ટ્રેડ એક્સ્પોને સફળ બનાવવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની કૃષિ સમિતિના પ્રમુખ અને કાઉન્સિલના ઉપપ્રમુખ સાજણભાઈ ઓડેદરા (પોરબંદર), સંસ્થાની ખેડૂત પાંખના પ્રમુખ હિતેશભાઈ મોઢવાડિયા, ઉપપ્રમુખો સર્વે અરજનભાઈ કેશવાલા (વિસાવાડા), જખરાભાઈ કડછા (હન્ટરપુર), જયેશભાઈ બાપોદરા (બાપોદર), કેશુભાઈ ભોગેસરા (કડછ), પરબતભાઈ ગરેજા (ગરેજ), જેઠાભાઈ મોઢવાડિયા (આંબારામા), ચિંતનભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે