મુળ જુનાગઢ તથા હાલ પોરબંદરમાં રહેતા અને બી.એસ.એન.એલ.માં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા મહિલાએ જુનાગઢ રહેતા વ્યાજંકવાદી માતા-પુત્ર સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
પોરબંદર બી.એસ.એન.એલ.ના કવાર્ટસમાં રહેતા અને પટ્ટાવાળા ની નોકરી કરતા અરૂણાબેન વિનુભાઈ મેથાણીયા(ઉવ ૫૫) નામના મહિલાએ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેઓ ઇ.સ. ૨૦૨૦ માં જુનાગઢ રહેતા હતા. ત્યારે તેમને અને તેમના પુત્ર પ્રકાશને કોરોના થતા બન્ને એ ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધી હતી. અને તેનો ખુબ વધુ ખર્ચ થયો હતો. આથી પૈસાની જરૂરીયાત ઉભી થતા તેના બહેનની બાજુમાં જુનાગઢ જોશીપરામાં યોગેશ્વર નગર શિવમંદીર પાસે રહેતા મીનાબેન વસંતભાઈ કુંભાર પાસેથી ૫૦ હજાર રૂપિયા ૧૦ ટકા માસીક વ્યાજે લીધા હતા. અને તેમાં વ્યાજની રકમ બાદ કરીને ૪૫ હજાર રૂપિયા આપ્યા હતા.
ત્યારબાદ મીનાબેન દર મહિને ઘરે આવીને ૫૦૦૦ રૂપિયા વ્યાજ લઈ જતા હતા. આ રીતે ૧૬ મહિના સુધી ૫-૫ હજાર લેખે ૮૦ હજાર ચુકવ્યા બાદ તેમની ૨૦૨૧ ની સાલમાં પોરબંદર ખાતે બદલી થઇ હતી. અને તેઓ પોરબંદર આવ્યા બાદ મીનાબેન અને તેનો પુત્ર મીતેશ પોરબંદર તેમના ઘરે આવીને બે વખત ૭ હજાર અને ૫ હજાર સહિત ૧૨ હજાર રૂપિયા લઇ ગયા હતા. અને એ રીતે કુલ ૯૭ હજાર રૂપિયા ચુકવી દીધા હતા. ત્યારબાદ તેમણે પૈસા આપવાની ના પાડતા ૫ મહિના પહેલા મીના તથા તેનો પુત્ર મિતેશ પોરબંદર આવી જુનાગઢ એસ.બી.આઇ. બેંકના કોરા ચેકમાં સહિ કરાવીને લઇ ગયા હતા. તા. ૧૨/૧ ના અરૂણાબેનના બંને પુત્રો પ્રકાશ અને સુનીલ અમદાવાદ ગયા ત્યારબાદ તા. ૧૫/ ૧ ના બપોરના ત્રણેક વાગ્યે મીના અને તેનો પુત્ર મિતેશ ફરી ઘરે આવી પહોંચ્યા હતા. અને અરૂણાબેનને ધાકધમકી આપી હતી અને તેઓએ હજુ સુધી વ્યાજની રકમ ચૂકવી છે. મુદલના ૫૦ હજાર ચુકવવાના બાકી છે. તેવું જણાવ્યું હતું અને પૈસા નહી ચુકવે તો જાનથી હાથ ધોવા પડશે. તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. આથી માતા પુત્ર સામે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.