પોરબંદરમાં પર્યાવરણ શુધ્ધિ માટે ૩૧ માર્ચે પક્ષી અભ્યારણ્ય પાસે આવેલા વોક-વે ખાતે વૈદિકયજ્ઞનું આયોજન આર્યસમાજ દ્વારા કરવામાં આવ્યુ છે.
વૈદક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિમાં પોરબંદર જિલ્લા અનોખુ સ્થાન ધરાવતા પોરબંદરના આર્યસમાજ દ્વારા વેદ બધા માનવ કર્તવ્યોને પ્રેરણા આપે છે. વિશ્વના બધા મનુષ્યને શ્રેષ્ઠ સદાચારી બનાવવા એ ધ્યેયમંત્ર સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણીના ઉપલક્ષમાં આગામી તા. ૩૧ માર્ચ રવિવારે સાંજે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન સાપ્તાહિક સત્સંગ હવન- યજ્ઞનું શહેરની વચ્ચે આવેલા પોરબંદરના પક્ષી અભ્યારણ્ય ખાતે સિગ્મા સ્કૂલ પાછળના વોકવે ખાતે વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
વિશ્વના માનવમાત્રના કલ્યાણ અને સુખાકારી માટે, કુટુંબ ના પરિવારમાં સુખ, સમૃધ્ધિ અને પર્યાવરણમાં હવા, પાણી, આકાશ અને જમીનના શુદ્ધિકરણ કરવાના ઉમદા હેતુસર આ સાપ્તાહિક સત્સંગ (હવન-યજ્ઞ)નું આયોજન કરવામાં આવેલ છે. યુગ પ્રવર્તક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ‘વેદો તરફ પાછા વળો’નો સંદેશ આપ્યો હતો. વેદો એ પ્રકૃતિ એ જ દેવ છે. આપણા ઋષિમુનિઓ હોમહવન કાર્ય કરી પર્યાવરણનું રક્ષણ કરવુ એ ઇશ્વરીય કાર્ય માનતા હતા. આજના ભૌતિક યુગમાં વિશ્વ પર્યાવરણની અવનીતિના કારણે પ્રદૂષણનો ભોગ બની રહ્યુ છે ત્યારે આ પર્યાવરણની શુદ્ધિ માટે યજ્ઞકાર્ય ને ટોચ અગ્રતા આપી છે. આ પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનના ઉમદા હેતુસર આ વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. પોરબંદરના પક્ષી અભ્યારણ્યના સિગ્મા સ્કૂલ પાછળ વોક વે ખાતે રવિવારે સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સુધી યોજાનાર વૈદિક યજ્ઞના યજમાન પદે આયોજન થયું છે જેમાં શાસ્ત્રી નિતીન કુમાર તથા ઋષિકુમારો મંત્રોચ્ચારથી સાથી પર્યાવરણની રક્ષા માટે આહવાન કરશે.
ઉલ્લેખનીય છે કે માનવીને સ્વસ્થ જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે. આજે આ વિશાળ ધરતી પર કુદરતે આપેલ હવા, પાણી અને જમીન માણસે જાતે જ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પર્યાવરણની ઘોર ખોદી છે. હવાનું પ્રદૂષણ ખૂબ વધ્યુ છે. રીફાઈનરીઓ ઉદ્યોગો અને વાહનોના કારણે ધુમાડાથી હવાનું પ્રદૂષણ ગંભીર બન્યુ છે. પૃથ્વી પરના નદી નાળા, તળાવો, સાગર વગેરેને માણસે જાતે ગંદા કર્યા છે. આજે ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, અનિયમિત વરસાદ, અલનીનોના પ્રભાવથી વિક્રમી ગરમી, પૂર અતિવૃષ્ટિ જેવા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના ભયંકર પરિણામો ભોગવી રહ્યા છે. કુદરતી સંપતિ એવી હવા, પાણી, જમીન જેવી અમૂલ્ય કિંમતી વસ્તુને સાચવવી જરૂરી છે. આથી પર્યાવરણની શુધ્ધિ માટે આ આર્યસમાજ દ્વારા વૈદિક યજ્ઞોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આર્યસમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને મંત્રી કાંતિભાઈ જુંગીવાળાના માર્ગદર્શન હેઠળ આર્યસમાજના હોદેદારો સુરેશભાઈ જુંગી, દિલીપભાઈ જુંગી, હરનારાયણસિંહ, નાથાલાલ લોઢારી, ગગનભાઈ કુહાડા, આર્ય સમાજ મહિલા મંડળ, આર્ય યુવાદળ, સહિત આર્યસમાજના ભાઈ-બહેનો સારી જહેમત ઉઠાવી રહ્યા છે.