પોરબંદર માં મત્સ્યોદ્યોગ દિવસે ને દિવસે ભાંગી રહ્યો છે જેના કારણે બોટ માલિકો સહીત માછીમારો ઘણા વર્ષો થી આર્થીક કટોકટી માં મુકાઈ ગયા છે ખાસ કરી ને કોરોના અને ત્યાર બાદ આવેલા વિવિધ વાવાઝોડા ના કારણે માછીમારી ઉદ્યોગ પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે ત્યારે નાણાંકિય દબાણ નો સામનો કરી રહેલા માછીમારો ને લોન ચુકવવા માટે યોગ્ય દબાણ ન કરવામાં આવે તેવી બેંકો ને તાકીદ કરવા બોટ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે.
પોરબંદર બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી એ કલેકટર ને લખેલા પત્ર માં જણાવ્યું છે કે પોરબંદર જીલ્લાના માછીમારોની આજીવિકાને અસર કરતી ગંભીર ચિંતાની બાબત આપના ધ્યાન પર લાવવા આ લખવામાં આવ્યું છે કોરોનાકાળ ની શરૂઆતથી માછીમારી ઉદ્યોગે નોંધપાત્ર મંદીનો અનુભવ કર્યો છે, જે સમુદાયના ઘણા લોકો માટે નાણાંકીય મુશ્કેલીઓ તરફ દોરી જાય છે.તાજેતરમાં અમો એ અવલોકન કર્યું છે કે બેંકો માછીમારો પર તેમની લોન તાત્કાલિક ચૂકવવા માટે અયોગ્ય દબાણ લાવી રહી છે. સમજી શકાય તેવું છે કે, માછીમારી સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા આર્થિક પડકારોને કારણે તેમની નાણાંકીય જવાબદારીઓને પહોંચી વળવાની ક્ષમતામાં વિલંબ થયો છે.
વર્તમાન સંજોગો અને માછીમારી ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા અસાધારણ પડકારોના પ્રકાશમાં, અમો આ વિસ્તારમાં કાર્યરત મુખ્ય બેંકો સાથે વાતચીત કરવા માટે તમારા હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ. અમો આપને આ રાષ્ટ્રીયકૃત બેંકોને વિનંતી કરવા કહિએ છીએ કે તેઓ માછીમારોને તેમની લોન તાત્કાલિક ચૂકવવા માટે વધુ દબાણ કરવાથી દૂર રહીને કરુણા અને સમજણ દાખવે.જો લીડ બેંકો લોનની ચુકવણી માટે એકસ્ટેંશન અથવા ગ્રેસ પીરિયડ આપવાનું વિચારી શકે તો તે ખૂબ જ ફાયદાકારક રહેશે, જેથી માછીમારોને કોરોનાકાળ ને કારણે આર્થિક ભીસ માંથી બહાર આવવા માટે પૂરતો સમય મળે.
અમો માનીએ છીએ કે આ બાબતમાં તમારો સહકાર માછીમારી સમુદાય પરના નાણાંકીય બોજને ઓછો કરી શકે છે અને જીલ્લાના અર્થતંત્રની એકંદર સુખાકારીમાં ફાળો આપી શકે છે. અમોને વિશ્વાસ છે કે આપ આ અઘરી સમસ્યાને ઉકેલવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરશો. આ બાબત પર આપનું ધ્યાન દોરવા બદલ આભાર, અને અમો અમારા માછીમાર બોટ માલિકોનાં લાભ માટે સકારાત્મક નિરાકરણની આશા રાખીએ છીએ.તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આર્થીક કટોકટી ના કારણે માછીમારો ના આપઘાત કરવાના પણ અનેક બનાવ બન્યા છે પરિવાર નું ગુજરાન ચલાવવાની ચિંતા માં અવારનવાર માછીમારો દ્વારા આપઘાત ના બનાવ હજુ પણ બની રહ્યા છે ત્યારે જો લોન અંગે અયોગ્ય દબાણ કરવામાં ન આવે તો અનેક માછીમારો નો જીવ બચી શકે અને અનેક પરિવારો નો માળો પણ વિખેરાતો અટકી શકે.