પોરબંદર સહીત સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ-૧૦ એટલે કે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. તેવા સમયે આપણે આજે વાત કરવી છે, એક એવા વિદ્યાર્થીની કે જેણે ધોરણ-૧૦ માં નાપાસ થયા પછી બે સુધી અભ્યાસ છોડી દીધો. અને ત્યારબાદ અભ્યાસની લગનીએ તેણે એમ.ફિલ.સુધીનો અભ્યાસ કર્યો અને અત્યારે પીએચ.ડી. નો અભ્યાસ કરી રહ્યા છે.
સમાજમાં આપણે જોઈએ છે કે, ધોરણ-૧૦ કે ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ સાથે વાલીની કસોટી કરતો અવસર હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એકાદ પરીક્ષામાં નાપાસ થવાથી જીવનમાં નાસીપાસ થઈ જાય છે.
સમાજમાં એવા પણ કિસ્સા જોવા મળે છે કે, જીવનના કોઈના કોઈ તબક્કે નાપાસ થવાથી પોતે નાસીપાસ થયા હોય અને ના ભરવાનો પગલું ભર્યું હોય ત્યારે તેની સામે ઘણા લોકો એવા પણ હોય છે કે જુઓ જીવનની નિષ્ફળતા માંથી સફળતાનો પથ કંડારે છે. નિરાશામાં આશાનો સંચાર કરતો કિસ્સો છે. આવા જ એક વિદ્યાર્થી છે મહેશ વાઢિયા….
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ૧,૨૦૦ ની વસ્તી ધરાવતા નાના એવા ગામ ભોડદરના વતની એવા ખેડૂતપુત્ર મહેશ ખીમાણંદ મૂળુ વાઢિયા ધોરણ-૧૦ માં નાપાસ થવાથી એટલા બધા નાસીપાસ થયા કે તેમણે અભ્યાસ કરવાનું જ માંડી વાળ્યું..તેમને આત્મવિશ્વાસ ગુમાવી દીધો અને એટલી નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા કે તેમણે બે વર્ષ સુધી અભ્યાસને જ તિલાંજલિ આપી દીધી અને પોતાના બાપ-દાદાના વ્યવસાય એવા ખેતી કાર્યમાં જોડાઈ મજૂરી કામ કરવા લાગ્યા…
બે વર્ષ સુધી ખેતી કાર્ય કરતા કરતાં તેમણે સતત મનોમંથન કર્યું કે, નાની એવી જમીનમાં મારા માતા-પિતાનું તો પૂરું થયું. પણ મારું જીવન આના પર ચાલે ચાલી શકે તેમ નથી. આગળનું મારું ભવિષ્ય શું ?? આગળના ભવિષ્યમાં મારે જો કંઈ કરવું હશે તો અભ્યાસ એ જ એક માત્ર વિકલ્પ છે… તેમના આવા વિચારો અને આ વિચારોનું સતત મનોમંથન ચાલ્યાં કરતું હતું, પરંતુ કોઈ દિશા સૂઝતી ન હતી.
એક બાજુ ધોરણ-૧૦ માં નાપાસ થવાથી અને બે વર્ષ અભ્યાસ છોડી દેવાને કારણે તેમની હિંમત જ ચાલતી ન હતી. પરંતુ કંઈક કરી બતાવવાની ધગશે ફરી એકવાર તેમણે ચોપડી હાથમાં લીધી.. ન માત્ર ચોપડી હાથમાં લીધી પરંતુ અભ્યાસમાં જે સર્વોચ્ચ શિખર ગણાય છે તેવા એમ.ફીલ. સુધીનો પણ અભ્યાસ પૂર્ણ કર્યો અને અત્યારે તેઓ પત્રકારત્વમાં પીએચ.ડી. નો અભ્યાસ કરી રહ્યા છે.
તેમણે ધોરણ- ૧૨ ની પરીક્ષા પણ એક્સટર્નલ એટલે કે બહારના વિદ્યાર્થી તરીકે આપી હતી. અને ત્યારબાદ સતત ઉત્તરોત્તર એક પછી એક પરીક્ષા પાસ કરતા ગયા અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત બનતો ગયો. ધીમે ધીમે એક પછી એક પગરણ માંડતા તેઓ અભ્યાસના સર્વોચ્ચ શિખર એવા પીએચ.ડી. સુધીના અભ્યાસ સુધી પહોંચી ગયા છે. તેઓ આરોગ્યલક્ષી પ્રત્યાયનની વ્યૂહરચના અને લક્ષિતવર્ગ પર તેની અસરો – એક અભ્યાસ (કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાના વિશેષ સંદર્ભમાં) પીએચ.ડી. કરી રહ્યા છે અને આગામી સમયમાં તેઓ પીએચ.ડી. પણ સફળતાપૂર્વક પૂર્ણ કરશે.
પત્રકારત્વમાં અનુસ્નાતક એવા મહેશ વાઢિયા અત્યારે ભારત સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અમદાવાદ ખાતે ફેલો તરીકે નોકરી કરે છે. અગાઉ તેઓ ગુજરાત સરકારના માહિતી ખાતામાં ફેલો તરીકે પણ નોકરી કરી ચૂક્યા છે.
સમગ્ર કથાનકનો સાર એ છે કે, જીવનમાં નિષ્ફળતા આવે છે પરંતુ તેનાથી ડરવાને બદલે તેનો મક્કમતાથી સામનો કરવામાં આવે તો એકના એક દિવસ સફળતા જરૂર મળે છે. જરૂર હોય છે ફક્ત એ માટેની દ્રઢ સંકલ્પની અને દ્રઢ લગનીની… અને એટલા માટે જ તો આપણે ત્યાં કહેવાયું છે કે, ‘મન હોય તો માળવે જવાય’ મહેશભાઈ વાઢિયાની આ વાર્તા પણ માળવે જવાની વાર્તાને સાર્થક કરતો કિસ્સો છે…
આવતીકાલથી શરૂ થતી ધોરણ-૧૦ ની બોર્ડ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ આ કિસ્સાને ધ્યાનમાં રાખીને સફળતાને વરે તેવી સફળતાની શુભકામનાઓ સાથે આ કિસ્સો લાખો નિરાશામાં અમર આશાનો દીપ પ્રજ્વલિત રાખે તેવી પરીક્ષામાં પ્રશ્ન તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ…




