પોરબંદર જિલ્લામાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના કાર્યક્રમો અલગ અલગ સ્થળે યોજવામાં આવી રહ્યા છે, ત્યારે શ્રી કસ્તુરબા મહિલા મંડળ આયોજિત વાર્ષિક ઉત્સવ અંતર્ગત મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ બહેનો સહભાગી બને તતેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
શ્રી કસ્તુરબા મહિલા મંડળ આયોજિત વાર્ષિક ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા અને અવશ્ય મતદાન કરીશું તે અંગેના શપથ મહિલાઓએ લીધા હતા. ઉપરાંત મતદાન કરવા અંગે સિગ્નેચર કેમ્પેઈનમાં પણ બહેનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. પોરબંદરના ત્રણ જાણીતા નારી રત્નોએ મહિલાઓને રેકોર્ડ બ્રેક મતદાન કરવા અપીલ કરી હતી. ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી માર્ગદર્શિત અને ટીપ, નોડલ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સના સંયુક્ત ઉપક્રમે દશા સોરઠીયા વાડી ખાતે આયોજિત શ્રી કસ્તુરબા ફાઉન્ડેશન સંચાલિત કસ્તુરબા મહિલા મંડળના વાર્ષિક ઉત્સવમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સહેલી સંસ્થા બગવદરના કન્વીનર નીતાબેન વોરા અને લોહાણા મહિલા મંડળના સ્થાપક દુર્ગાબેન લાદીવાલા તેમજ સત્યનારાયણ મંદિર સાથે જોડાયેલ શીલાબેન માખેચાએ વધુમાં વધુ બહેનોને લોકશાહીના મહાપર્વમાં જોડાઈ રેકોર્ડ બ્રેક મતદાન કરવા અપીલ કરી હતી. તા. ૭ મેના લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે મતદાન થશે, ત્યારે આ મહાપર્વમાં જોડાવા સ્વીપ અને ટીપની ટીમ વતી જે.વી. પ્રશ્નાણી દ્વારા મહિલાઓને મતદાન જાગૃતિ અંગેના પ્રોગ્રામમાં મતદાન કરવા પ્રેરિત કરવાની સાથે અવશ્ય મતદાન કરીશું ના શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.