રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે જેને લઇ ને આગામી રવિવારે મહાપ્રસાદી નું પણ આયોજન કરાયું છે.
રાણાવાવ માં ૧૫૦ થી વધુ રઘુવંશી પરિવારો વસવાટ કરે છે. અને સૌ સાથે મળીને જલારામ જયંતિ સહિતના તહેવારો ની ધામધૂમ થી ઉજવણી કરે છે. પરંતુ શહેર માં પુ જલારામબાપા નું એક પણ મંદિર ન હોવાથી વર્ષો થી રઘુવંશી પરિવારો નું એક સ્વપ્ન હતું કે શહેર માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થાય. આ વર્ષો નું સ્વપ્ન હવે સાકાર થશે. શહેર ના જલારામ સેવા મંડળ દ્વારા આગામી સમય માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા સંસ્થા ના પ્રમુખ પંકજભાઈ ખીલોચીયા તથા આશિષભાઈ અમલાણી એ જણાવ્યું હતું કે વાડી પ્લોટ વિસ્તાર માં સ્વામિનારાયણ સ્કુલ ની પાસે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં જલારામ બાપાના ભવ્ય મંદિરનું નિર્માણ થશે. જેમાં મંદિર ઉપરાંત ઉપર અને નીચે બે વિશાળ હોલ અને રસોડા નું પણ નિર્માણ કરવામાં આવશે મંદિર નિર્માણ ને લઇ ને આગામી તા ૨૫ ને રવિવાર ના રોજ સાંજે ૭-૩૦ કલાકે જલારામબાપા ની મહાપ્રસાદી નું પણ આયોજન કરાયું છે.
મંદિરના હોલ સહિતની જગ્યાના ઉપયોગ માટે કોઈ પણ નાતજાત નો ભેદભાવ રાખવામાં આવશે નહી. સૌ તેનો ઉપયોગ કરી શકશે. મંદિર નિર્માણ ના ભૂમિપૂજન અંગે આગામી સમય માં તારીખ જાહેર કરાશે. મંદિર નિર્માણ માટે સૌ જ્ઞાતિજનો ને તન ,મન અને ધન થી સહકાર આપવા અને આ ભગીરથ કાર્ય માં ખભા થી ખભો મિલાવી સૌને દિલ થી જોડાઈ જવા પણ તેમના દ્વારા અપીલ કરાઈ છે. સમગ્ર રઘુવંશી પરિવારો ના ગૌરવરૂપ એવા મંદિર નિર્માણ કાર્ય ને લઇ ને સમસ્ત રઘુવંશી પરિવારો માં પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે.
