પોરબંદરની ઐતિહાસિક-આધ્યાત્મિક ઓળખને વૈશ્વિક પ્રવાસન નકશા ઉપર પ્રસ્થાપિત કરવા “સુદામા કોરિડોર” બનાવવા રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા એ રજુઆત કરી છે
જેમાં તેઓએ જણાવ્યું છે કે પોરબંદર માત્ર એક ઐતિહાસિક શહેર નથી,પરંતુ આધ્યાત્મિકતા, રાષ્ટ્રસેવા, સંસ્કૃતિ, સમુદ્રી વારસો અને વિશ્વશાંતિના સંદેશનું અનોખું સંગમ છે. એક તરફ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે પોરબંદર સમગ્ર વિશ્વમાં ઓળખાય છે, તો બીજી તરફ સુદામાપુરી તરીકે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પરમમિત્ર સુદામાની અવિસ્મરણીય મિત્રતા તથા ભક્તિની ગાથા સાથે આ ભૂમિનું વિશિષ્ટ ધાર્મિક-સાંસ્કૃતિક સ્થાન છે.આ પવિત્ર ધરતી માટે ગુજરાત સરકાર દ્વારા એક પછી એક વિકાસલક્ષી યોજનાઓ ઉમેરાઈ રહી છે તે સમગ્ર પોરબંદર જિલ્લાના નાગરિકો માટે ગૌરવની બાબત છે.
પોરબંદર જિલ્લાના મોચા ગામ ખાતે આશરે રૂ.100 કરોડના ખર્ચે Marine Biotechnology Research & Innovation Corridor (M-BRIC) વિકસાવવાની ગુજરાત સરકારની પહેલ, આ ઉપરાંત પોરબંદર ખાતે સર્વોદય વનના નિર્માણ જેવી પર્યાવરણલક્ષી પહેલ તથા ગુજરાત ટુરિઝમ દ્વારા ગાંધી કોરિડોર વિકસાવવાની દિશામાં થઈ રહેલી કામગીરી પોરબંદરના ઐતિહાસિક, પર્યાવરણીય અને પ્રવાસન વિકાસને નવી ઓળખ આપશે. કેન્દ્ર સરકારના પ્રવાસન કાર્યક્રમોમાં પણ પોરબંદર માટે વિવિધ હેરિટેજ, આધ્યાત્મિક તથા ઇકો-ટુરિઝમ આધારિત વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે.તેમજ ઘેડ વિસ્તાર વિકાસ માટે શ્રી માનનીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયના પ્રયત્નોથી જળસંપતિ વિભાગ દ્વારા ઘેડ વિકાસ યોજના માટે કુલ ૧૪૨૩.૪૦ કરોડની યોજના મંજૂર કરાવી તેમ સોરઠી ઘેડ માટે ૧૧૧૮.૫૪ કરોડ અને બરડા ઘેડ માટે ૩૦૪.૮૬ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફેજ -૧ માં સોરઠી ઘેડ માટે ૧૩૯.૪૨ કરોડને મંજૂરી મળી હતી. જેમાં ખાસ આ યોજનામાં ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ માટે અને પુરથી ખેતીની જમીનને બચાવવાનું મુખ્ય આયોજન છે.આ તમામ વિકાસ યોજનાઓ માટે આપને તથા ગુજરાત સરકારને પોરબંદરની જનતા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું.
પોરબંદરનું સુદામા મંદિર ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પરમમિત્ર સુદામાની પવિત્ર મિત્રતાની સ્મૃતિને સમર્પિત છે. ગુજરાત ટુરિઝમ પણ સુદામા મંદિરને પોરબંદરના મહત્વપૂર્ણ ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાન આપે છે.પૌરાણિક કથામાં શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા તેમજ સમાનતા, નિઃસ્વાર્થ પ્રેમ, ભક્તિ, સ્નેહ, કરુણા અને માનવતાના શાશ્વત મૂલ્યોનું પ્રતિક છે.
લોકપરંપરામાં શ્રીકૃષ્ણ દ્વારા સુદામાના ચરણ ધોવાની ભાવનાત્મક કથા પણ આ મિત્રતાની મહાનતા દર્શાવે છે. આ સંદર્ભમાં શ્રીકૃષ્ણ યદુવંશી અને સુદામા બ્રાહ્મણ પરંપરાના પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે. અર્થાત્ તેમની મિત્રતા સમાજમાં વર્ણ, વર્ગ કે આર્થિક ભેદભાવથી પર માનવતાની એકતા અને સ્નેહનો સંદેશ આપે છે.આથી પોરબંદરની આ ધરતી પર આહીર સમાજ, બ્રાહ્મણ સમાજ તેમજ સમગ્ર પોરબંદરવાસીઓ માટે આ એક વિશેષ ગૌરવ અને અહોભાગ્યની બાબત છે.
હું પોતે બ્રાહ્મણ સમાજનો પ્રતિનિધિ હોવાના નાતે તથા પોરબંદર મારી કર્મભૂમિ હોવાને ધ્યાનમાં રાખીને આપને ખાસ વિનંતી કરું છું કે પોરબંદરની આ ઐતિહાસિક અને આધ્યાત્મિક ઓળખને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા “સુદામા કોરિડોર”ની સૈદ્ધાંતિક જાહેરાત કરવામાં આવેતો સોનામાં સુગંધ ભળે તેવો અહેસાસ થશે.
જો “ગાંધી કોરિડોર” સાથે “સુદામા કોરિડોર”ને પણ પોરબંદરના વિકાસના વિશાળ આયોજનમાં સ્થાન આપવામાં આવે તો પોરબંદરની ઓળખ “ગાંધીની જન્મભૂમિ અને સુદામાની પવિત્ર ભૂમિ” તરીકે વિશ્વના પ્રવાસન નકશા ઉપર વધુ પ્રભાવશાળી રીતે પ્રસ્થાપિત થઈ શકે.સુદામા કોરિડોરમાં શું થઈ શકે?
જેમાં સુદામા કોરિડોરને એક આધ્યાત્મિક-સાંસ્કૃતિક-પ્રવાસન પરિસર તરીકે વિકસાવવામાં આવે તેવી મારી વિનંતી છે. તેમાં—
(૧)સુદામા મંદિર તથા આસપાસના વિસ્તારનું ભવ્ય અને સુઆયોજિત વિકાસ,
(૨)શ્રીકૃષ્ણ–સુદામાની મિત્રતાની ગાથા દર્શાવતું આધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો,
(૩)પૌરાણિક કથાઓ તથા ભારતીય સંસ્કૃતિનું ડિજિટલ મ્યુઝિયમ,
(૪)સુદામા જીવન અને શ્રીકૃષ્ણ–સુદામા મિત્રતા પર આધારિત ઇન્ટરપ્રિટેશન સેન્ટર,
(૫)યાત્રાળુઓ તથા પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ,
(૬)પદયાત્રા તથા હેરિટેજ વોક માટે સુશોભિત માર્ગ,
(૭)સ્થાનિક કલા, હસ્તકલા તથા પરંપરાગત સંસ્કૃતિ માટે હાટ,
(૮)આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખુલ્લું પરિસર,
(૯)દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે તેવું ડિજિટલ પ્રવાસન માળખું,
(૧૦)સુદામા–કૃષ્ણની મિત્રતાનો “વિશ્વબંધુત્વ અને માનવતાનો સંદેશ” પ્રસારિત કરતું સ્મારક
વિકસાવી શકાય.
આ ઉપરાંત સુદામા કોરિડોર બનાવવાની સાથે સાથે દ્વારિકા,પોરબંદર, સોમનાથ ,માધવપુરને સાંકળીને ધાર્મિક કોરિડોરનો પણ સમાવેશ થઈ શકે.
આવી યોજના પોરબંદરના સ્થાનિક વેપાર, હોટેલ ઉદ્યોગ, પરિવહન, માર્ગદર્શક સેવા, હસ્તકલા, નાના વ્યવસાય અને યુવાનો માટે રોજગારીની તકોમાં પણ વધારો કરી શકે છે.આજે જ્યારે પોરબંદરમાં ગાંધી કોરિડોર, મરીન બાયોટેકનોલોજી કોરિડોર, સર્વોદય વન અને અન્ય પ્રવાસન તથા વિકાસલક્ષી યોજનાઓ દ્વારા એક નવા પોરબંદરની રચનાની શરૂઆત થઈ રહી છે, ત્યારે તેની સાથે “સુદામા કોરિડોર” ઉમેરવામાં આવે તો આ સમગ્ર વિકાસયાત્રા એક વિશાળ અને સંકલિત *“પોરબંદર વિઝન”*નું સ્વરૂપ ધારણ કરી શકે.
મારી દૃષ્ટિએ આ માત્ર એક વિકાસ યોજના નહીં, પરંતુ આવનારી પેઢીને આપણી પૌરાણિક પરંપરા, ભારતીય સંસ્કૃતિ અને માનવતાના મૂલ્યો સાથે જોડવાનું એક ઐતિહાસિક કાર્ય બનશે.
આથી આપને મારી હાર્દિક વિનંતી છે કે ગુજરાત સરકારના આગામી વિકાસ આયોજનમાં “સુદામા કોરિડોર”નો સમાવેશ કરી, પોરબંદરમાં સુદામા કોરિડોરના નિર્માણની સૈદ્ધાંતિક જાહેરાત કરવામાં આવે અને તેના માટે જરૂરી વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.આ જાહેરાતથી પોરબંદરવાસીઓની લાંબા સમયથી રહેલી લાગણીને સન્માન મળશે અને શ્રીકૃષ્ણ–સુદામાની અવિસ્મરણીય મિત્રતાની ગાથાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે.ગાંધીજી ની જન્મભૂમિમાં “ગાંધી કોરિડોર અને સુદામાની પવિત્ર ભૂમિ”માં સુદામા કોરિડોર આ બંને વિકાસધારા પોરબંદરને વિશ્વના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રવાસનના નકશા ઉપર એક વિશિષ્ટ સ્થાન અપાવી શકે છે.
(રામભાઇ મોકરીયા)
પૂર્વ સંસદસભ્ય-રાજ્યસભા












