વિક્રમ સંવત ૨૦૮૩ના નવા વર્ષના શુભારંભે સમસ્ત મહેર સમાજ તેમજ સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે છાયા મહેર સમાજ - પોરબંદર ખાતે ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગની શરૂઆત પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ ઉપસ્થિતિ અને તેમના શુભાશિષ સાથે કરવામાં આવી હતી.
સ્નેહમિલન સમારોહ દરમિયાન પૂર્વ સાંસદ તેમજ શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ઓડેદરાએ ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. પોતાના વક્તવ્યમાં તેમણે મહેર સમાજના નવા ભવનના નિર્માણ તેમજ તેની જાળવણી પર વિશેષ ભાર મૂક્યો હતો. સાથે જ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓના વિકાસમાં સર્વેને યોગદાન આપવા અને ભવિષ્યની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવવા આહ્વાન કર્યું હતું.
પૂર્વ કેબિનેટ મંત્રી, ઝુંડાળા મહેર સમાજ અને મહેર વિદ્યાર્થી ભવન પોરબંદરના પ્રમુખ બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર નિમિત્તે મા લક્ષ્મીનું પૂજન થતું હોય છે, ત્યારે આજે આપણા સમાજમાં લક્ષ્મીની કૃપા અવિરત વરસી રહી છે પણ સાથે સરસ્વતીનું પણ એટલું જ આગમન થાય તેવા પ્રયત્નો કરવા પડશે. તેમણે આ નવા વર્ષના શુભારંભે સમાજ વ્યસનમુક્ત બને અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવીને સર્વાંગી વિકાસ સાધે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.શ્રી ઇન્ટરનેશનલ-મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ સેવક વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના શુભેચ્છા સંદેશમાં દેશ-વિદેશમાં શૈક્ષણિક, સામાજિક
અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરી રહેલા મહેર સમાજના વિકાસને વધુ મજબૂત બનાવવા માટે મજબૂત સંગઠન, ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવી અને પારિવારિક ભાવના કેળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોના ઉત્સાહ અને નવતર અભિગમને સમાજની પ્રગતિનું ચાલકબળ ગણાવ્યું હતું.
કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જ્ઞાતિજનોને નવ વર્ષની શુભકામના પાઠવતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વિવિધ વિસ્તારોમાં નિર્માણ પામી રહેલા મહેર ભવનોની જેમ આજના યુગની માંગ મુજબ આવનારી પેઢીમાં શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરવું એ પણ એક પ્રકારનું શ્રેષ્ઠ મૂડીરોકાણ છે. આપણે સૌએ સાથે મળીને જ્ઞાતિના શૈક્ષણિક વિકાસમાં સહભાગી બનવું પડશે.
સમાજના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરાએ આભારવિધિ કરતા સૌને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણો મહેર સમાજ માં વધેલા શૈક્ષણિક વ્યાપના કારણે આજે દરેક સરકારી તેમજ વ્યવસાયિક ક્ષેત્રમાં સહિતના વિભાગમાં પણ ખૂબ જ ઊંચા હોદ્દા ઉપર કાર્યરત છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આવનારા નવા વર્ષમાં પણ આપણા આ સામાજિક વિકાસને વધુ આગળ લઈ જાય તેવી સૌને શુભકામનાઓ પાઠવી હતી.
ઉપસ્થિત મહાનુભાવો
આ સ્નેહમિલન સમારોહમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પૂર્વસાંસદ ભરતભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, રાજસીભાઈ પરમાર, છાયા સમાજથી ભીમભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા, મસરીજીભાઈ ઓડેદરા, રાણાભાઈ સીડા, ભીમાભાઈ ભુતીયા, રામભાઈ ઓડેદરા, ઝુંડાળા મહેર સમાજથી સામતભાઈ ઓડેદરા, નાગાજણભાઈ ઓડેદરા તેમજ શ્રી ઇન્ટરનેશનલ-મહેર સુપ્રીમ કાઉન્સિલ પરિવારમાંથી ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરીયા, રાયદેભાઈ મોઢવાડિયા, દેવાભાઈ ઓડેદરા, ભોજાભાઈ આગઠ, મહેર શક્તિ સેનામાંથી પ્રવક્તા રાણાભાઈ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડિયા, ઘેડ સામાજિક વિકાસ સમિતિમાંથી ડો. ભરતભાઈ ચૌહાણ, ભુરાભાઈ કેશવાલા, માલદેભાઈ મોઢવાડિયા, પરબતભાઈ મોઢવાડિયા, જેઠાભાઈ ઓડેદરા, સુભાષભાઈ વાઢેર સહિતના અનેક જ્ઞાતિ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સહયોગી સંસ્થાઓ
કાર્યક્રમના અંતે, નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહને સફળ બનાવવા માટે શ્રી ઈન્ટરનેશનલ-મહેર સુપ્રિમ કાઉન્સિલ, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ (ઝુંડાળા), શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેર શક્તિ સેના, બરડા વિકાસ સમિતિ, ઘેડ સામાજિક વિકાસ સમિતિ, મહેર હિત રક્ષક સમિતિ, મહેર આર્ટ પરિવાર, મહેર મહિલા વિકાસ મંડળ, શક્તિ સેના મહિલા મંડળ તેમજ રાણાવાવ અને કુતિયાણા મહેર સમાજ સહિતની અગ્રણી સંસ્થાઓના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.
















