પોરબંદર ના ૫ લોકો ને રોકાણ બદલ ઊંચા વળતર તથા પ્લોટ ના દસ્તાવેજ ની લાલચ આપી ૧ મહિલા સહીત ૪ પંજાબીએ રૂ ૬૦ લાખ ની છેતરપિંડી કરી હોવાની વીસેક દીવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે મુખ્ય આરોપી નો લુધિયાણા સેન્ટ્રલ જેલ માંથી કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના કડિયા પ્લોટ માં રહેતા અને છાયા ચોકી ખાતે આયુર્વેદિક મેડીકલ સ્ટોર ધરાવતા કરશનભાઈ હમીરભાઈ રાણાવાયા(ઉ.વ.૪૪)એ ગત ૧૪ ફેબ્રુઆરી એ કમલાબાગ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સને-૨૦૨૦ ના વર્ષમાં તેના મિત્ર અને સુદામા મંદિર ના પુજારી હીતેષભાઈ રામાવાતે વાત કરી હિત કે ચંદીગઢથી તરુણ છાબડા નામનો વ્યક્તિ પોરબંદર આવે છે અને પૈસાના રોકાણ કરો તેમાં પ્લોટ આપવા ની રી એવી સ્કીમ આપે છે.આથી તેને પણ રોકાણ કરવા જણાવ્યું હતું આથી તે કાવેરી હોટલ માં હિતેશ સાથે તરુણ ને મળવા જતા તરુણે તેની મોહાલી નજીક જીરક નગર માં હોલીડે હર્ટઝ કંપની છે જેના એમ.ડી. તરીકે શાશા શુભમ ગુપ્તા અને ભાગીદારો મધુ શુભમ ગુપ્તા ઉર્ફે મધુ કોહલી તથા સંદીપ વેદ પાંડે છે, તેમ કહી જણાવ્યું હતું કે સ્કીમ મુજબ જો પૈસાનું રોકાણ કરો તો, તેની સામે સિકયુરીટી પેટે બગોદરા હાઈવે પાસે આવેલ બાલાજી ઉપવન ખાતે જગ્યા ડેવલપ થવાની છે તેમાંથી ૧૦૦ ચો.વા. ના પ્લોટનું સીકયુરીટી પેટે દસ્તાવેજ કરી આપવામાં આવશે અને પંદર મહીનાના બાદ પ્લોટના રૂા.૬,૦૦,૦૦૦/-ની રકમ ઉપર દોઢ ગણી રકમ રૂ.૯,૦૦,૦૦૦ આપવામાં આવશે. તેમ લોભામણી સ્કીમ સમજાવતાં કરશનભાઈ ને સ્કીમ પસંદ આવી હતી.
મિત્રો એ પણ કંપની વિશ્વાસુ હોવાનું જણાવ્યું
કરસનભાઈ એ તેના મિત્રો જયેશભાઈ છગનલાલ માંડવીયા, મુકેશભાઈ ગોવીંદભાઈ પોશીયા તથા સમીર લખમણભાઈ વાઢીયા સાથે વાત થતા તેઓએ પણ જણાવ્યું હતું કે તરુણ છાબડા એ અગાઉ લોર્ડ્સ હોટલ ખાતે અને જલારામ કોલોની ખાતે ડો પુનીત કારિયા ને ત્યાં પણ સ્કીમ અંગે સેમીનાર કર્યો હતો અને કંપની ખુબ જ વિશ્વાસુ છે તેમ વાત કરી હતી અને પ્રથમ રૂા. ૨૧૦૦/-ભરી કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવી, કંપનીના સભ્યો બનાવી મિત્રોએ આ સ્કીમમાં મોટી રકમ નું રોકાણ કર્યું હોવાનું જણાવ્યું હતું આથી તરુણ પર તેને પુરેપુરો વિશ્વાસ આવતા તેણે રૂ ૧૨,૦૦,૦૦૦/-તરુણને હીતેશભાઈની રૂબરૂમાં આપતાં તરુણે તેણે સમજાવેલ સ્કીમ મુજબના બે-પ્લોટનું ત્રીસ દિવસમાં દસ્તાવેજ કરી આપવાની અને સીકયુરીટી પેટેનું એગ્રીમેન્ટ પંદર દિવસમાં ચંદીગઢ ખાતે તેની ઓફીસથી કરાવી આપવાની વાત કરી હતી.
એક એગ્રીમેન્ટ મોકલ્યું તે પણ સાક્ષીઓની સહી વગર નું
ત્યાર બાદ પંદર દિવસ પછી હિતેશભાઈ ચંડીગઢ ગયા ત્યારે તેની સાથે રૂ ૬ લાખ નું એક એગ્રીમેન્ટ સંદિપ પાંડેની સહીવાળું નોટરીના સીકકા વાળું કોઇ સાક્ષીઓની સહી વગરનું મોકલ્યું હતું ત્યાર બાદ બીજું એગ્રીમેન્ટ મોકલવામાં ગલ્લાતલ્લા કરતા કરશનભાઈ ને શંકા જતા મારા મિત્રોને વાત કરતા તેઓ બધા સાથે મળી મોહાલી ખાતે તેની ઓફિસે ગયા ત્યારે તરૂણ ઉપરાંત કંપનીના માલીક શાશા શુભમ અમરીશકુમાર ગુપ્તા તથા તેના પત્ની મધુ તથા સંદીપ વેદ પાંડે એમ બધા કંપનીના ભાગીદારો હતા તેઓએ થોડા સમય માં દસ્તાવેજ કરી આપવાનું આશ્વાસન આપ્યું હતું આથી તેઓ પરત આવી ગયા હતા.
કોરોના બાદ તમામ ના ફોન બંધ થઇ ગયા
જેને એક મહિનો વીતી ગયા બાદ પણ કોઈ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો તે સમયે કોરોના આવતા લોકડાઉન જાહેર થયું હતું ત્યાર બાદ ચારેય ના મોબાઈલ બંધ થઇ ગયા હતા ગત મે માસ માં કરશનભાઈ મોહાલી ગયા ત્યારે તે ઓફીસ પણ બંધ થઇ ગઈ હતી આથી તેઓએ તપાસ કરતા આ શખ્સો એ દેશના અલગ અલગ-રાજયમાં આવી લોભામણી સ્કીમો અંગેની મીટીંગો કરી, લોભામણી સ્કીમો સમજાવી મોટી રકમો મેળવી લઈ કોઈ પ્લોટના દસ્તાવેજો કરી આપતાં ન હોવાનું અને અલગ અલગ લોભામણી સ્કીમો આપી ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું હતું અને આ શખ્સો સામે યુપી ના કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનમાં૨૦૨૨ માં છેતરપિંડી અને વિશાવાસ્ઘાત ની ૨ ફરિયાદ, ૨૦૨૧ માં પંજાબના પઠાણકોટ પોલીસ સ્ટેશન,ઉત્તરકાશી જિલ્લાના બયકોટ પોલીસ સ્ટેશન, દહેરાદુન જિલ્લાના વીકાસનગર પોલીસ સ્ટેશન વગેરે માં પણ ગુન્હાઓ દાખલ થયા હોવાનું જાણવા મળ્યું હતું
૫ લોકો સાથે કરી ૬૦ લાખ ની છેતરપિંડી
આથી ચારેય શખ્સો એ કરશનભાઈ તથા મિત્રોને લોભામણી સ્કીમો આપી મુકેશભાઈ ગોવિંદભાઈ પોશીયા પાસેથી રૂ. ૧૮,૫૦,૦૦૦, તથા સમીરભાઈ વાઢીયા પાસેથી રૂ.૧૮,૦૦ ,૦૦૦,જયેશભાઈ માંડવીયા પાસેથી રૂ.૬,૦૦,૦૦૦ તથા હરીશગીરી ગોસાઈ પાસેથી રૂ.૬,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૬૦,૫૦,૦૦૦/- તથા તે સિવાયના બીજા માણસો પાસેથી પણ રોકડા તથા બેંક મારફતે પૈસા પડાવી લીધા હોવાની અને આ રકમની સીકયુરીટી પેટે બગોદરા હાઈવે ઉપર બાલાજી ઉપવન ખાતે પ્લોટના દસ્તાવેજ કરી આપવાનું તથા રોકાણ કરેલ રકમમાં પંદર મહીને દોઢી રકમનું રીટર્ન આપવાની લોભામણી લાલચ આપી કોઇ પ્લોટના દસ્તાવેજો ન કરી આપી,રોકાણ કરેલ રકમ પરત ન આપી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ સિવાય અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની શક્યતા છે.
પોલીસે લુધિયાણા સેન્ટ્રલ જેલ માંથી કબજો લીધો
આરોપી શાશા શુભમ અમરીશ કુમાર ગુપ્તા હાલ પઠાણકોટ પોલીસ સ્ટેશનના ગુન્હામાં લુધીયાણા સેન્ટ્રલ જેલ ખાતે જયુડીશ્યલ કસ્ટડીમાં હોવાની માહિતી મળી હતી. આથી પોલીસે સેસન્સ કોર્ટમાંથી શાશા શુભમનું ટ્રાન્સફર વોરંટ કઢાવી, પંજાબ ખાતેથી શુભમ ને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી છે.