કુતિયાણા માં રહેણાંક મકાન માં થયેલ ૭૦ હજાર ની રોકડ ની ચોરી મામલે પોલીસે રાણાકંડોરણા રહેતા અને ભંગારની ફેરી કરતા શખ્શને ઝડપી લઇ તેના ઝૂંપડામાંથી ચોરાયેલ રોકડ પણ કબ્જે કરી છે.
કુતિયાણાના બહારપુરા વિસ્તારમાં રહેતા અને આનંદ બેકરી નામની દુકાન ધરાવતા નાનકરામ ભોજરાજભાઈ શામનાણી નામના વેપારીએ એવી પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે,તા.૮/૭ એ સવારે ૭:૩૦ વાગ્યે તેઓ બેકરીએ ગયા હતા. અને તેના માતા વિદ્યાબેન, નાના ભાઈઓ આનંદ અને શ્રીચંદ તથા શ્રીચંદના પત્ની જયોતિબેન ઘરે હતા. ૧૦ વાગ્યે શ્રીચંદે ફોન કરીને એવું જણાવ્યું હતું કે, તેની પત્નીનું ડ્રેસિંગ કરાવવા માટે કુતિયાણાના સરકારી દવાખાને જાય છે, ત્યારબાદ ડ્રેસિંગ કરાવીને ૧૧:૦૦ વાગ્યે ઘરે આવ્યા ત્યારે શ્રીચંદે ફોન કરીને નાનકભાઈને એવું જણાવ્યું હતું કે, ‘બા એ એવી વાત કરી છે કે, ઉપરના માળે સાફ-સફાઈ કરતા હતા અને નીચેના રૂમમાં આવ્યા ત્યારે ઘરમાં કબાટનો દરવાજો ખુલ્લો હતો અને કબાટમાં પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી રોકડ ચોરાઈ ગઈ છે.
આથી ફરીયાદી તાત્કાલિક ઘરે આવી ગયા હતા ને જોયું તો કબાટનો દરવાજો ચાવીથી ખુલેલી હાલતમાં હતો. અને પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા સીતેર હજાર રૂપિયાની રોકડ ચોરાઈ ગઈ હતી. આથી ફરીયાદીએ તેના માતા વિદ્યાબેનને પુછતા તેણે એવું જણાવ્યું હતું કે, ‘આનંદ બીજા રૂમમાં સુતો હતો અને ઘરનો મેઈન દરવાજો ઓળંગીને પોતે ૧૦:૩૦ વાગ્યે ઉપરના માળે સફાઈ કરવા ગયા હતા અને ૧૧:૦૦ વાગ્યે નીચે ઉતર્યા ત્યારે માત્ર અડધી કલાકમાં જ રૂપીયા ચોરાઈ ગયા હતા અને ઘરના સભ્યોએ તપાસ કરતા મળી આવ્યા ન હતા.’ જેથી અજાણ્યા ચોરે કબાટનો દરવાજો ચાવીથી ખોલી સીતેર હજાર રૂપિયાની રોકડની ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.
ચોરી ના આ બનાવ માં કુતિયાણાના પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઈ ઓડેદરા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન વેજાભાઈ વરૂ તથા મહેશ મેરામણભાઈ મુસારને સંયુકત બાતમી મળેલ કે કંડોરણા ગામ પુંજાપરા ધાર ખાતે રહેતા અને ભંગારની ફેરી કરતા ધીરુ વજશીભાઈ સોલંકીએ આ ચોરીના બનાવને અંજામ આપેલ છે. જેથી પોલીસ સ્ટાફ સાથે શકદાર ઇસમના રહેણાંક ઝૂંપડાની ઝડતી કરતા રોકડા રૂા.૭૦,૦૦૦ ભરેલ પ્લાસ્ટિકની થેલી મળી આવેલ જેથી આ રૂપિયા બાબતે મજકુરની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા આ રોકડા રૂપિયાની ઉપરોકત ફરીયાદીના ઘરેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ધોરણસર અટક કરી ગણતરીના કલાકોમાં ઉપરોકત ગુન્હાનો મેદ ઉકેલી ઘરફોડ ચોરીનો અનડિટેકટ ગુન્હો ડિટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર કે.એન.ઠાકરીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઈ ઓડેદરા, સી.જી. મોઢવાડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન વેજાભાઇ વરૂ, મહેશ મેરામણભાઈ મુસાર, વિજય ખીમાણંદભાઈ, રામશી વીરાભાઈ વગેરે રોકાયેલા હતા.